કોરોના સંકટ: કુલ કેસ ૩૮ લાખને પાર, મૃત્યુઆંક ૬૭ હજારથી વધુ

  • છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના રેકોર્ડબ્રેક ૮૩,૮૮૩ નવા પોઝિટિવ કેસ
  • ૧૦૪૩ લોકોના મૃત્યુ, રિક્વરી રેટ સુધરીને ૭૭.૦૬ સુધી પહોંચ્યો,એક દિવસમાં રેકોર્ડ ૧૧.૭૨ લાખ ટેસ્ટ કરાયા, અત્યાર સુધી ૪.૪૪ કરોડ સેમ્પલની તપાસ કરવામાં આવી
  • ભારતમાં દૈનિક કોરોનાના ૧ લાખ કેસ નોંધાય તો નવાઈ નહીં..!

 

ભારતમાં કોરોના વાયરસનું સંક્રમણ જે ગતીથી ફેલાઈ રહૃાું છે તે જોઈને લાગી રહૃાું છે કે કોરોના વાયરસના સૌથી વધારે કેસના મામલામાં આગામી થોડા જ દિવસોમાં બ્રાઝીલને પાછળ છોડીને ભારત વિશ્ર્વનો બીજા નંબરનો સૌથી વધુ સંક્રમિતો ધરાવતો દેશ બની જશે. ૨૪ કલાક દરમિયાન નોંધાયેલા કોરોનાના કેસના મામલે ભારતે બ્રાઝીલ અને અમેરિકાને પાછળ છોડી દીધું છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ગુરૂવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૩૭ લાખને ઓળંગી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના અત્યાર સુધીના સૌથી વધુ ૮૩,૮૮૩ કેસ નોંધાતા કુલ આંકડો ૩૮,૫૩,૪૦૬ સુધી પહોંચી ગયો છે.

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ સુધરીને ૭૭.૦૬ સુધી પહોંચી ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૬૮,૫૮૪ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૨૯૭૦૪૯૨ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે.

જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૪૩ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૬૭,૩૭૬ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે ગુરૂવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૮,૧૫,૫૩૮ એક્ટિવ કેસ છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે જણાવ્યું કે, બુધવારે ૧૧ લાખ ૭૨ હજાર ૧૭૯ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ દેશમાં અત્યાર સુધી ૪ કરોડ ૫૫ લાખ ૯ હજાર ૩૮૦ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

ભારતમાં કોરોના દર્દીઓ સ્વસ્થ થવાની ઝડપ છેલ્લા એક સપ્તાહમાં ધીમી થઈ ગઈ છે. ૨૬ ઓગસ્ટથી ૧ સપ્ટેમ્બર વચ્ચે રિકવરી રેટ ૧.૧ ટકાનો જ સુધારો થયો છે. જો કે અગાઉના સપ્તાહે રિકવરી રેટમાં ૨.૩ ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૬૦૨૨૦૦૫ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૮,૬૨,૭૨૨ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧,૭૨,૮૧૮૫૯ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૭,૮૭,૭૪૨૪ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.