કોરોના સંકટ: ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રિ આ વર્ષે નહીં યોજાય

કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇને ગુજરાતભરમાં લોકપ્રિય એવી ગાંધીનગર કલ્ચરલ ફોરમની નવરાત્રી આ વર્ષે પણ નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતે કોરોનાની બીજી લહેરનો સફળતાપુર્વક સામનો કર્યો છે. ત્રીજી લહેરની સંભાવનાઓને ધ્યાને લઇને સરકારે અને સમાજે સજ્જતા કેળવી છે, તેવા સંજોગોમાં સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું આયોજન બિલકુલ સલાહભર્યું નથી. જેના પગલે આ વર્ષે પણ નવરાત્રિ મહોત્સવ નું આયોજન નહીં કરવાનો નિર્ણય કરાયો છે.

ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત ભાઈ જહાએ જણાવ્યું હતું કે, મા આદ્યશક્તિની આરાધનાનું આ પર્વ ગુજરાતમાં આનંદ-ઉલ્લાસ પૂર્વક યોજાય છે. નવરાત્રીના રાસ ગરબામાં ભારે જનમેદની ઉમટી પડે છે, અને સેંકડો યુવક-યુવતીઓ મન મૂકીને ગરબે રમતા હોય છે. નવરાત્રીના રાસ-ગરબા દરમિયાન કોરોનાની ગાઈડલાઈન્સનું પાલન કરવું અશક્ય અને અસંભવ હોય છે. આવી પરિસ્થિતિમાં રાસ-ગરબાનું સાર્વજનિક આયોજન નહીં કરવું જ જનઆરોગ્ય માટે હિતાવહ છે.

કોરોનાની બીજી લહેર દરમિયાન ગાંધીનગરે અનેક આગેવાનો અને સક્રિય નાગરિકો ગુમાવ્યા છે. ઘણા નાગરિકોનું કોરોનાને કારણે નિધન થયું છે. ગાંધીનગર કલ્ચરલ ફોરમ તમામ નાગરિકો અને તેમના પરિવારજનો પ્રતિ સંવેદના અનુભવે છે અને તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.ગાંધીનગરના નાગરિકો સ્વસ્થ રહે સલામત રહે એવી અભ્યર્થના સાથે ગાંધીનગર કલ્ચરલ ફોરમના અધ્યક્ષ કૃષ્ણકાન્ત જહાએ તમામ ગાંધીનગરવાસીઓને વેક્સિનેશનના બંને ડોઝ લઈને કોરોના સામે સલામતી કેળવવા અનુરોધ કર્યો છે.