કોરોના સંકટ: દેશમાં સંક્રમિતોની સંખ્યા ૪૯ લાખને પાર, ૮૦ હજારથી વધુના મોત

  • છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૩૮૦૯ પોઝિટિવ કેસ અને ૧૦૫૪ના મોત નિપજ્યા
  • માત્ર ૫ રાજ્યોમાં કોરોના વાયરસના એક્ટિવ કેસ ૬૦%થી વધુ, સાજા થવાનો દર ૭૮%,મૃત્યુદર ઘટ્યો, રિકવરી રેટ સુધર્યો

દેશમાં કોરોના વાઈરસથી સંક્રમિતોની સંખ્યા ૫૦ લાખની નજીક પહોંચી ચૂકી છે. છેલ્લા ૨૪ કલાકમાં જ કોરોનાના ૮૩,૮૦૯ નવા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે આજ સમયગાળા દરમિયાન વધુ ૧,૦૫૪ લોકોના મરણ નોંધાયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર, નવા કેસો ઉમેરવા સાથે જ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને ૪૯,૩૦,૨૩૭ પર પહોંચી ચૂકી છે. જ્યારે અત્યાર સુધીમાં કોરોનાના કારણે ૮૦,૭૭૬ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે.

જો કે રાહતની વાત એ રહી છે કે, અત્યાર સુધીમાં ૩૮,૫૯,૪૦૦ દર્દીઓ કોરોનાને માત આપવામાં સફળ રહૃાાં છે. એટલે કે, આટલા દર્દીઓ કોરોનાની સારવાર બાદ સ્વસ્થ થઈ જતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. સોમવારે જ ૭૯,૧૧૩ લોકોને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.

સોમવારે આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર અને તેલંગાણામાંથી એક સારા સમાચાર સામે આવ્યાં છે. જ્યાં ૨૪ કલાકની અંદર સંક્રમિતોની સંખ્યા કરતાં સ્વસ્થ થનારા દર્દીઓનો આંકડો વધ્યો છે. હાલ દેશમાં ૯,૯૦,૦૬૧ એક્ટિવ કેસો છે.

મહારાષ્ટ્રમાં સોમવારે કોરોનાના ૧૭,૦૬૬ નવા કેસ સામે આવ્યાં છે અને વધુ ૨૫૭ના મરણ નોંધાયા છે. જેની સામે ૧૫,૭૮૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને ૧૦,૭૭,૩૭૪ પર પહોંચી ચૂકી છે. જ્યારે ૨,૯૧,૨૫૬ કોરોના દર્દીઓ હાલ સારવાર હેઠળ છે.

દિલ્હીમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૩૨૨૯ નવા કેસો સામે આવ્યાં છે અને વધુ ૨૬ લોકોના મરણ થયા છે. આ સાથે જ દેશની રાજધાનીમાં કોરોના કેસોનો આંકડો વધીને ૨,૨૧,૫૩૩ પર પહોંચી ચૂક્યો છે. જ્યારે કુલ મોતનો આંકડો ૪૭૭૦ પર પહોંચ્યો છે. સોમવારે ૩૩૭૪ દર્દીઓ સ્વસ્થ થવા સાથે જ અહીં અત્યાર સુધીમાં ૧,૮૮,૧૨૨ દર્દીઓ સ્વસ્થ થઈ જતાં તેમને રજા આપવામાં આવી છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચના જણાવ્યા પ્રમાણે, ૧૪ સપ્ટેમ્બર સુધી કોરોના વાઈરસના કુલ ૫.૮૩ કરોડ સેમ્પલ ટેસ્ટ કરવામાં આવી ચૂક્યાં છે. જેમાંથી ૧૧ લાખ કોરોના ટેસ્ટિંગ તો માત્ર ગઈકાલે જ કરવામાં આવ્યાં છે.

ભારત માટે રાહતની વાત એ છે કે, મૃત્યુદર અને એક્ટિવ કેસ રેટમાં સતત ઘટાડો નોંધાઈ રહૃાો છે. મૃત્યુદર ઘટીને ૧.૬૩ ટકા તઈ ગયો છે. આ ઉપરાંત એક્ટિવ કેસ, એટલે કે જેમની સારવાર ચાલી રહી છે તેમનો દર પણ ઘટીને ૨૦ ટકા થઈ ગયો છે.

વિતેલા ૨૪ કલાકમાં કુલ મૃત્યુની યાદૃીમાં સૌથી વધુ ૩૬૩ લોકોના મોત મહારાષ્ટ્રમાં થયા છે. કર્ણાટકમાં ૧૧૯, પંજાબમાં ૬૮, ઉત્તરપ્રદેશમાં ૬૨, આંધ્ર પ્રદેશમાં ૬૦, પશ્ર્ચિમ બંગાળમાં ૫૮, તમિલ નાડુમાં ૫૩, મધ્ય પ્રદેશાં ૨૯, દિલ્હીમાં ૨૬, હરિયાણામાં ૨૫, છત્તિસગઢમાં ૧૮, ગુજરાત અને જમ્મુ-કાશ્મીરમાં ૧૭-૧૭, કેરળ અને ઉત્તરાખંડમાં ૧૫-૧૫, રાજસ્થાન તેમજ ગોવામાં ૧૪-૧૪ દર્દીઓના મોત થયા હતા.