કોરોના સંકટ વચ્ચે આજથી સંસદનું ચોમાસુ સત્ર શરૂ થશે

  • ચોમાસુ સત્રમાં સરકાર નવા ૨૩ ખરડાનો પ્રસ્તાવ લાવશે
  • લોકસભા અને રાજ્યસભા બે પાળીમાં ચાલશે, રોજ સવારે ૯ વાગ્યાથી ૧ વાગ્યા સુધી રાજ્યસભા સત્ર ચાલશે, જ્યારે બપોરે ૩ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી લોકસભા સત્ર ચાલશે,વચ્ચેના બે કલાક દરમિયાન સંસદને સેનિટાઇઝ કરવાનું કામ કરાશે
  • સંસદ સત્રમાં ભાગ લેનારા સાંસદો, લોકસભા તથા રાજ્યસભાના કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરાશે
  • વિપક્ષ ભારત-ચીન સરહદ વિવાદ, કોરોના સ્થિતિ, અર્થતંત્રની સ્થિતિ અને લોકડાઉનમાં થયેલી સમસ્યાઓ મુદ્દે સરકારને ઘેરશે

સંસદનું ચોમાસુ સત્ર ૧૪ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહૃાું છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખી આ વખતે સત્ર પહેલા સર્વપક્ષીય બેઠક નહીં યોજાય. આ વખતે બંને ગૃહમાં ગૃહના નેતા અને વિપક્ષના નેતાને બાદ કરતાં કોઈ પણ સભ્યની બેસવાની સીટ નક્કી કરવામાં આવી નથી. આ વખતે સતત ૧૮ દિવસ સુધી સંસદ ચાલશે. કોરોના અને લોકડાઉનના કારણે આ વખતે બે સંસદ સત્ર વચ્ચે આશરે ૬ મહિનાનું અંતર રહૃાું છે.

આ વખતે લોકસભા અને રાજ્યસભા બે પાળીમાં ચાલશે. રોજ સવારે ૯ વાગ્યાથી ૧ વાગ્યા સુધી રાજ્યસભા સત્ર ચાલશે. જ્યારે બપોરે ૩ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી લોકસભા સત્ર ચાલશે. વચ્ચેના બે કલાક દરમિયાન સંસદને સેનિટાઇઝ કરવાનું કામ કરાશે. કોવિડ-૧૯ના કારણે સંસદ સત્રમાં ભાગ લેનારા સાંસદો, લોકસભા તથા રાજ્યસભાના કર્મચારીઓના RT-PCR કોરોના ટેસ્ટ કરાવવા પડશે.

ચોમાસુ સત્રમાં વિપક્ષ અનેક મુદ્દે સરકારને ઘેરી શકે છે. ભારત-ચીન સરહદ વિવાદ, કોરોનાની સ્થિતિ, અર્થતંત્રની ડામાડોળ સ્થિતિ, લોકડાઉનમાં પ્રવાસી મજૂરોની સ્થિતિ અને ફેસબુકને લઈ શરૂ થયેલો તાજેતરનો વિવાદ સામેલ છે. આ તમામ મુદ્દા પર કોંગ્રેસ સહિત વિપક્ષ સરકારને ઘેરવાની રણનીતિ બનાવી રહૃાું છે. લોકડાઉન બાદ પ્રથમ વખત સંસદનું સત્ર યોજાઈ રહૃાું છે ત્યારે વિપક્ષ સરકાર પર પ્રહાર કરવાની વ્યૂહરચના બનાવી ચુક્યું છે.

૨૩ માર્ચે બજેટ સત્ર પૂરું થયા બાદ સરકારે ૧૧ અધ્યાદેશને મંજૂરી આપી છે. સરકારની પ્રથમ પ્રાથમિકતા તેમને બિલ તરીકે સંસદની મંજૂરી અપાવવાની છે.

સોમવારથી શરૂ થતા સંસદના ચોમાસુસત્રમાં સરકાર નવા ૨૩ ખરડા રજૂ કરશે જેમાં વટહુકમને બદલવા સહિતના ૧૧ ખરડાનો પણ સમાવેશ થાય છે. ૧૮ દિવસ લાંબા ચોમાસુસત્રમાં આરોગ્ય ક્ષેત્રના અધિકારી વિરુદ્ધની હિંસાને અંકુશમાં લેતાં પગલાં સંબંધિત વટહુકમ રજૂ કરવાની પણ સરકારની યોજના છે.

કોરોના સામે લડત આપી રહેલા આરોગ્યક્ષેત્રના લોકોની સતામણી કે આચરવામાં આવતી હિંસાને આ વટહુમક બિનજામીનપાત્ર ગુનો ગણાશે તેમ જ તે બદલ વધુમાં વધુ સાત વર્ષની જેલની સજા અને પાંચ લાખનો દૃંડ કરી શકાશે. પહેલી એપ્રિલ ૨૦૨૦થી એક વર્ષ માટે સાંસદોના પગારમાં ૩૦ ટકા ઘટાડા સંબંધિત વટહુકમમાં ફેરફાર કરતો ખરડો પણ લાવવામાં આવશે. આ રકમ કોરોનાની મહામારી વિરુદ્ધની લડત માટે વપરાશે.