કોરોના સંકટ વચ્ચે આજે ગણેશ ચતુર્થી: લોકો પોતાના ઘરમાં જ ઊજવશે

તહેવારોની મોસમ ખીલી ઉઠી છે, એક તરફ શ્રાવણ માસની સમાપ્તિ થઇ છે ત્યાં હવે શનિવારે ગણેશ ચતુર્થીનું પર્વ ઉજવવામાં આવશે. ગણેશ સ્થાપન માટે શનિવારે સવારે ૭:૫૫થી વિવિધ મુહૂર્ત છે.જેમાં બપોરે ૧૨:૧૭થી બપોરે ૧:૦૮ દરમિયાન અભિજીત મુહૂરત છે. જોકે, મહામારી કોરોનાને પગલે આ વખતે જાહેર ગણેશોત્સવ પર પ્રતિબંધ છે અને ઘરમાં ગણેશજીની મૂર્તિ બેઠક સહિતની બે ફૂટની ઊંચાઇનું જ સ્થાપન કરી શકાશે.
જ્યોતિષવિદોના મતે ૨૨ ઓગસ્ટ-શનિવારે ગણેશ ચતુર્થી છે ત્યારે સવારે ૭:૫૫થી ૯:૩૧ના શુભ, બપોરે ૧૨:૧૭થી બપોરે ૧:૦૮ના અભિજીત, બપોરે ૧૨:૪૨થી ૨:૧૮ ચલ, સાંજે ૩:૫૩થી ૫:૨૦ના અમૃત, સાંજે ૭:૦૫થી રાત્રે ૮:૨૯ના લાભ જ્યારે રાત્રે ૯:૫૩થી ૧૧:૧૮ સુધી શુભ મુહૂર્ત છે. જોકે, કોરોનાને પગલે આ વખતે જાહેર ગણેશોતોત્સવનું આયોજન કરવામાં નહીં આવે.શ્રદ્ધાળુઓને આ વખતે ઘરમાં જ ગણેશ સ્થાપન કરવું પડશે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામા અનુસાર આ વખતે ગણેશજીની મૂર્તિ બેઠક સહિતની બે ફૂટ કરતાં વધારે ઊંચાઇ બનાવવા-વેચવા-સ્થાપન કરવા તથા જાહેર માર્ગ પર કરવા પ્રતિબંધ છે.
ગણેશજીની મૂર્તિની સ્થાપના માટે જાહેર મંડપ, પંડાલ કે અન્ય હંગામી સ્ટ્રક્ચર ઊભું કરવા તેમજ મૂર્તિ સ્થાપના કે ધાર્મિક વિધિ માટે લાઉડ સ્પીકર કે ડી.જે.નો ઉપયોગ કરવા, ગણેશજીની મૂર્તિની સ્થાપના કે વિસર્જન ઉપર જાહેરમાં કોઇ ધાર્મિક-સામાજીક કે સાંસ્કૃતિક કાર્યક્રમ-શોભાયાત્રા કે વિસર્જન યાત્રા કરવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આ ઉપરાંત ગણેશજીની પી.ઓ.પી.-ફાયબરની મૂર્તિ વેચવા, ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી-બનાવટ દરમિયાન ખંડીત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા, મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોના ઉપયોગ કરવા ઉપર પણ પ્રતિબંધ છે. આ વખતે ગણપતિની મૂર્તિનું વિસર્જન નદી-તળાવ-ઓવારા-નાળા-નહેરમાં કરવાની પણ મનાઇ છે. વહિવટી તંત્ર દ્વારા પણ કૃત્રિમ ઓવારા કે મૂર્તિ સ્વિકાર કેન્દ્રો કાર્યરત્ કરાશે નહીં. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જારી સૂચના પ્રમાણે ગણેશજીની બે ફૂટની બેઠક સહિતના ઊંચાઇની માટીની મૂર્તિની સ્થાપના ઘરમાં જ કરવી અને દરેક લોકોએ સ્થાપના કરેલી મૂર્તિનું વિસર્જન ફરજીયાત પોત-પોતાના ઘરે કરવાનું રહેશે.