કોરોના સંકટ: ૨૪ કલાકમાં ૬૪,૫૫૩ પોઝિટિવ કેસ, ૧૦૦૭ના મોત

  • કોરોના કેસોનો કુલ આંકડો ૨૪.૬૧ લાખને પાર, મૃત્યુઆંક ૪૮ હજારથી વધુ
  • કોરોના પોઝિટિવ એક્ટિવ કેસમાં ભારત બીજા ક્રમે, રિક્વરી રેટ વધીને ૭૦.૩૮ ટકાએ પહોંચ્યો

ન્યુ દિલ્હી,

દુનિયાભરના તમામ દેશોની સાથે-સાથે ભારતમાં પણ કોરોના વાયરસનો આતંક પૂર ઝડપે વધી રહૃાો છે. દેશમાં છેલ્લા થોડા સમયથી કોરોના સંક્રમિતોના કેસ સતત વધી રહૃાા છે. આ સાથે જ કોરોનાથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ ધીમે ધીમે વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે શુક્રવારના રોજ દેશમાં કોરોના વાયરસના કુલ કેસ વધીને સંક્રમણનો કુલ આંકડો ૨૫ લાખ નજીક પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૬૪૫૫૩ કેસ નોંધાતા કુલ કેસ ૨૪૬૧૧૯૦ થઈ ગયા છે.

જોકે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરીને ૭૦.૩૮ ટકા થઈ ગયો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૫૫૭૩ દર્દૃીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૧૭૫૧૫૫૫ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા વધારે થઈ ગઈ છે.

જ્યારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૦૦૭ લોકોએ કોરોનાના કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. આ સાથે જ કોરોના વાયરસના કારણે મોતને ભેટનાર લોકોની સંખ્યા વધીને ૪૮૦૪૦ સુધી પહોંચી ગઈ છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે શુક્રવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૬૬૧૫૯૫ એક્ટિવ કેસ છે.

દેશમાં કોરોના વાયરસના સૌથી વધારે ૫૬૦૧૨૬ કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે જ્યારે ૧૯૦૬૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. મહારાષ્ટ્ર બાદ તમિલનાડૂમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ નોંધાયા છે. તમિલનાડૂમાં અત્યાર સુધીમાં કુલ ૩૨૦૩૫૫ કેસ નોંધાઈ ચૂક્યા છે જેમાંથી ૫૩૯૭ લોકો કાળનો કોળિયો બની ગયા છે. કર્ણાટકને પાછળ છોડીને આંધ્રપ્રદેશ આ યાદીમાં ત્રીજા સ્થાન પર પહોંચી ગયું છે. આંધ્ર પ્રદેશમાં ૨૬૪૧૪૨ કેસ નોંધાયા છે જ્યારે ૨૩૭૮ લોકો મોતને ભેટ્યા છે.

ત્યારબાદ કર્ણાટકમાં અત્યાર સુધીમાં ૨૦૩૨૦૦ કેસ નોંધાયા છે જ્યારે ૩૫૧૦ લોકોના મોત થયા છે. ત્યારબાદ પાંચમાં સ્થાન પર દિલ્હીમાં ૧૪૯૪૬૦ કેસ નોંધાયા છે જ્યારે ૪૧૬૭ લોકોએ જીવ ગુમાવ્યા છે. ત્યારબાદ ઉત્તર પ્રદેશ ૧૪૦૭૭૫ કેસ સાથે છઠ્ઠા ક્રમાંક પર છે જ્યારે ૧૦૭૩૨૩ કેસ સાથે પશ્ર્ચિમ બંગાળ સાતમાં ક્રમાંક પર છે. જ્યારે બિહાર આ યાદીમાં આઠમાં ક્રમ પર છે જ્યાં ૯૪૧૯૩ લોકો સંક્રમણમાં આવ્યા છે.

દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૦૯૦૪૯૩૪ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૭૫૫૫૭૩ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૨૯૯૨૦૫૧ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૭૧૫૭૩૧૦ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર બ્રાઝિલ, ત્રીજા સ્થાન પર ભારત અને ચોથા સ્થાન પર રશિયા છે.