કોલકાતા સામે હાર માટે ટીમના બેટ્સમેનોને જવાબદાર: ધોની

કોલકાતા નાઇટ રાઇડર્સ સામે બુધવારે રમાયેલી આઇપીએલની ટી૨૦ ક્રિકેટ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો દસ રનથી પરાજય થયો હતો. એક સમયે ચેન્નાઈની ટીમ આસાનીથી જીતી જાય તેમ લાગતું હતું પરંતુ શેન વોટસન આઉટ થઈ ગયા બાદ તેમનો ધબડકો થયો હતો અને અંતે હારનો સામનો કરવો પડ્યો હતો. ધોની, રવીન્દ્ર જાડેજા અને કેદાર જાધવની નિષ્ફળતા ટીમને ભારે પડી ગઈ હતી. મેચ બાદ કેપ્ટન ધોનીએ આ માટે ટીમના બેટ્સમેનોને જવાબદાર ઠેરવ્યા હતા. કોલકાતા નાઇટ રાઇડર્સે પહેલા બેટિંગ કરીને ૧૬૭ રનનો સ્કોર નોંધાવ્યો હતો જેમાં રાહુલ ત્રિપાઠીના ૮૧ રન મુખ્ય હતા.

જેની સામે ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ ૧૫૭ રન કરી શકી હતી. ચેન્નાઈની ટીમ એક સમયે દસ ઓવરમાં ૯૦ રનના સ્કોર સાથે અત્યંત મજબૂત સ્થિતિમાં હતી અને તેનો વિજય નિશ્ર્ચિત જ લાગતો હતો પરંતુ અચાનક તેનો ધબડકો થયો હતો. સુનીલ નારાયણ, આન્દ્રે રસેલ અને વરુણ ચક્રવર્તીએ શાનદાર બોલિંગ કરે કોલકાતાને જોરદાર પુનરાગમન કરાવ્યું હતું. ધોનીએ મેચ બાદ જણાવ્યું હતું કે વચ્ચેની ઓવરમાં તેમણે સારી બોલિંગ કરી હતી અને મેચનું પાસું પલટી નાખ્યું હતું. એ સમયે અમારી બેટિંગ યોગ્ય રહી હોત તો પરિણામ અલગ જ આવ્યું હોત.

પ્રારંભમાં અમે ઘણા રન આપી દીધા હતા. કર્ણ શર્માએ ઉમદા બોલિંગ કરી હતી પરંતુ અંતે તો અમારા બેટ્સમેનોએ નિરાશ કર્યા હતા અને ટીમના કંગાળ દેખાવ માટે બેટ્સમેનો જ જવાબદાર હતા. તેણે કહૃાું કે છેલ્લી ઓવરોમાંથી ૨૦મી ઓવરને બાદ કરીએ તો અમે બાઉન્ડ્રી ફટકારી શકયા ન હતા. આવા સંજોગોમાં તમારે કાંઇક નવુ કરવાનું હોય છે. તમારે બાઉન્ડ્રી ફટકારવાના ઉપાયો શોધવાના હોય છે. બીજી તરફ કોલકાતા નાઇટ રાઇડર્સના સુકાની દિનેશ કાર્તિકે કહૃાું હતું કે તેણે ખેલાડીઓ પર ભરોસો રાખ્યો હતો અને તેને સાર્થક કરવામાં ટીમ સફળ રહી છે.