કોહલી મારી કપ્તાનીમાં રમી ચૂક્યો છે, ટીમને બનાવી હતી ચેમ્પિયન: તેજસ્વી યાદવ

રાજદના સુપ્રીમો લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ હાલમાં બિહારના રાજકારણમાં કેન્દ્રમાં છે. માત્ર ૨૬ વર્ષની વયે નાયબ મુખ્યમંત્રી બનેલા તેજસ્વી યાદવ બિહારના આગામી મુખ્યમંત્રી બની શકે તેમ છે. બિહાર ચૂંટણીમાં રાજદ સારો દેખાવ કરે તેવી અપેક્ષા છે. રાજકારણમાં આવતા અગાઉ તેજસ્વી ક્રિકેટર રહી ચૂકયા છે. તેજસ્વી યાદવનો ગઈકાલે જન્મદિવસ હતો.
૧૯૮૯ની નવમી નવેમ્બરે પટણામાં જન્મેલા તેજસ્વી યાદવ ફર્સ્ટ ક્લાસ, લિસ્ટ એ અને ટી૨૦ ક્રિકેટમાં રમી ચૂક્યા છે. થોડા સમય અગાઉ એક મુલાકાતમાં તેજસ્વીએ જણાવ્યું હતું કે વિરાટ કોહલી તેમની આગેવાની હેઠળ રમી ચૂક્યો છે. તેઓ દિલ્હી અંડર-૧૫ અને અંડર-૧૭ ટીમના કેપ્ટન હતા. તેમણે ટીમને ૩૫ વર્ષ બાદ ચેમ્પિયન બનાવી હતી.
તેજસ્વીએ પોતાના ક્રિકેટ અંગે જણાવ્યું હતું કે બાળપણમાં રસ્તા પર કોઈ મળી જાય તો તેની સાથે ક્રિકેટ રમવા લાગતો હતો અને પક્ષના કાર્યકરો સાથે પણ તે ક્રિકેટ રમતો હતો. આજકાલ ક્રિકેટ રમવાનો મોકો મળતો નથી પરંતુ આજે પણ ક્રિકેટનો શોખ એટલો જ છે. તેણે કહૃાું કે મને ફિનિશર બનવાનું પસંદ છે. સ્ટ્રાઇક રેટ ઠીક ઠીક રહેતો હતો. વિરાટ કોહલી શાનદાર બેટ્સમેન છે અને તેની બેટિંગ ક્લાસ છે.