ક્યાંક જોવા મળતા રાજકીય સદભાવના જેવા કિસ્સા વચ્ચે ધમધમતો ચૂંટણી ગઢ

ચૂંટણીના ચક્રવ્યૂહ દરમિયાન રાજકીય ખેલદિલીના દષ્ટાંતો સામે આવી રહ્યા છે. સુરતમાં ઉમેદવારીપત્રો ભરતી વખતે મુલાકાત થતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ભેટી પડ્યા અને પરસ્પર શુભેચ્છાઓ પાઠવી હતી. તેવા અહેવાલો પછી આ જ પ્રકારે પ્રતિસ્પર્ધી ઉમેદવારોએ પરસ્પર સદભાવના દર્શાવી હોવાના દષ્ટાંતો સામે આવ્યા, તો ખંભાળીયામાં કોંગ્રેસના ઉમેદવાર વિક્રમભાઈ માડમે તેના પ્રતિસ્પર્ધી ઈશુદાન ગઢવી સંદર્ભે જે સદભાવના દાખવી અને નિવેદન આપ્યું તેમાંથી પણ ગુજરાતમાં રાજકીય સદભાવના જ ઝળકી છે. જો કે, ચૂંટણીની મોસમમાં દરેક શબ્દોનું મહત્ત્વ હોય છે અને લોકો તેનું અર્થઘટન પણ પોતપોતાની રીતે કરતા હોય છે, પરંતુ જાહેરજીવનમાં સદભાવનાના આ પ્રકારના દષ્ટાંતો પ્રેરણાદાયી અને ગરિમા વધારનારા ગણાય.

ચૂંટણી પ્રચારમાં ઘણાં મુદ્દાઓ ચર્ચાય છે, અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો થાય છે, પરંતુ કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓની બહુ ચર્ચા થતી નથી. ખાસ કરીને વિશ્વની વસ્તી આઠ અબજ સુધી પહોંચી અને ભારતની વસ્તી વધી રહી હોવાથી આગામી સમયમાં ભારત વિશ્વનો સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બની જશે, તે અંગે ચર્ચા થવી જરૃરી છે. સામાન્ય રીતે તો વસ્તી વધારો અટકાવવાની જરૃર જણાવાતી રહી છે, અને વસ્તી નિયંત્રણના પ્રયાસો વધારવાની સાથે સાથે તદ્વિષયક ભ્રમણાઓ તથા આશંકાઓ હટાવવી પણ જરૂરી જણાય છે. આ પ્રકારનો અભિપ્રાય સામાન્ય રીતે તમામ વર્ગો અને મોટાભાગના રાજકીય પક્ષો પણ વ્યકત કરતા હોય છે, પરંતુ ર૧ મી સદીના વર્તમાન યુગમાં આ વસ્તી વધારાને વધી રહેલા માનવબળ તરીકે વર્ણવીને તેને દેશની એક તાકાત દર્શાવતો એક વર્ગ પણ ઊભો થઈ રહ્યો છે.

ચૂંટણીઓમાં રાજકીય પક્ષો દ્વારા પોતપોતાનો પ્રચંડ પ્રચાર થઈ રહ્યો છે, તો ચૂંટણી પંચ દ્વારા પણ મતદાન જાગૃતિ માટે અને લોકશાહીના આ મહાપર્વમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે વિવિધસભર કાર્યક્રમ તટસ્થ રીતે યોજાઈ રહ્યા છે. આ માટે સોશ્યલ મીડિયા, પ્રિન્ટ મીડિયા, ઈલેકટ્રોનિક મીડિયા, ટ્રેડિશ્નલ મીડિયા ઉપરાંત હવે ઓઉટડોર અને ઈનડોર અન્ય પ્રવૃત્તિઓ દ્વારા પણ મતદારોને જાગૃત કરવામાં આવી રહ્યા છે. શેરી નાટકો, વિવિધ સ્પર્ધાઓ તથા સમારોહો-વર્કશોપ ઉપરાંત હવે રમત-ગમતની પ્રવૃત્તિઓ દ્વારા પણ મતદાર જાગૃતિના નવતર પ્રયોગો કરવામાં આવી રહ્યા છે, અને દિવ્યાંગો માટે યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટ તેનું તાજુ અને ઉત્તમ દષ્ટાંત છે, મતદાર જાગૃતિ માટે બેનર્સો, સુત્રો, હોર્ડીંગ્ઝ અને મતદાર જાગૃતિ દોડ જેવી પ્રવૃત્તિઓ પણ આવકારદાયક છે, આ પ્રકારના કાર્યક્રમોથી મતદારો, જાગૃતિપૂર્વક મતદાન કરવા પ્રેરાય છે.

પરંતુ મતદારો કોઈપણ લોભ, લાલચ, પ્રલોભન કે માત્ર જ્ઞાતિ-જાતિ-સમાજના ધોરણે કે ડર કે આશંકાથી પ્રેરાઈને મતદાન ન કરે, પરંતુ સમજી-વિચારીને પોતાને યોગ્ય લાગે, તેવા જ ઉમેદવારનો મત આપે, તેવી સમજ વધારવાની સાથે સાથે તે પ્રકારનો માહોલ ઊભો થાય, તે માટેના પ્રયાસો પણ વધારવા જોઈએ તેવા પ્રતિભાવો પણ સામે આવી રહ્યા છે. ચૂંટણી સિવાયની વાત કરીએ તો એક તરફ ચીન લદાખ સરહદે હોંશિયારી કરી રહ્યું હોવાની વાત ભારતીય સેનાના વર્તુળો વ્યકત કરી રહ્યા છે, તો બીજી તરફ સસ્મિત ચહેરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જિનપીંગની અલપ-ઝલપ મુલાકાતના અહેવાલો આવી રહ્યા છે, બાલીમાં વડાપ્રધાને કરેલા નિવેદનો પણ ચર્ચામાં છે અને રશિયા-યુક્રેન યુદ્ધના દુષ્પરિણામો અંગે ત્યાં થયેલી ચર્ચાના પણ વૈશ્વિક પ્રત્યાઘાતો પડી રહ્યા છે.

અનાજની સંભવિત કટોકટી અંગે વ્યકત થયેલી ચિન્તાના પડઘા પણ પડી રહ્યા છે અને આ કારણે રશિયા અને યુક્રેન પર યુદ્ધ ખતમ કરવાનું દબાણ વધ્યું છે. જી-ર૦ દેશોની આ બેઠક વર્તમાન આંતરરાષ્ટ્રીય પ્રવાહોમાં ટર્નિંગ પોઈન્ટ બનશે, તે નક્કી છે. જી-ર૦ ની આ બેઠકમાં અમેરિકા, ચીન અને બ્રિટન સહિતના ર૦ દેશોના દિગ્ગજો મળ્યા અને જે કાંઈ ચર્ચાઓ થઈ, તે આપણી સામે જ છે અને હવે વિશ્વ કઈ દિશામાં જઈ રહ્યું છે અને તેમાં ભારતની ભૂમિકા કેવી હશે તેની વ્યાપક ચર્ચા પણ થવા લાગી છે. બીજી તરફ ડિજિટલ પેમેન્ટ, ઓનલાઈન શોપીંગ અને અદ્યતન ટેકનોલોજીના દુરૃપયોગના અહેવાલો પણ ચિંતા ઉપજાવે તેવા છે. તાજેતરમાં ગુજરાતની ચૂંટણીઓ દરમિયાન પણ ટિકિટ પાકી કરવાના નામે થયેલી છેતરપિંડીનો ભોગ પણ કેટલાક લોકો બન્યા હતાં. ઓનલાઈન છેતરપિંડીની સમસ્યા જે રીતે વકરી રહી છે, તેનો સત્વરે ઉકેલ લાવવો પણ અત્યંત જરૃરી છે.

એક સર્વેક્ષણ મુજબ ભારતની પ૦ ટકાથી વધુ કંપનીઓ આર્થિક ગુન્હાખોરીનો ભોગ બની છે અને તે પૈકી મોટાભાગની કંપનીઓ કોરોનાકાળના કારણે આર્થિક ગુન્હાઓનો ભોગ બની છે. જો કે, વૈશ્વિક સર્વેક્ષણ સંસ્થા પીડબલ્યુસીના ગ્લોબલ ઈકોનોમિક ક્રાઈમ એન્ડ ફ્રોડ સર્વે-ર૦રર ઈન્ડિયા ઈન્સાઈટ્સના તારણો મુજબ કંપનીઓએ નવા પ્રકારની છેતરપિંડી નિવારવા લીધેલા પગલાઓના કારણે આ પ્રકારની ઘટનાઓનું પ્રમાણ ૬૯ ટકામાંથી પર ટકા થયું હતું. પરંતુ હજુ પણ પ૦ ટકાથી વધુ છે, તે હકીકત છે.

આ સર્વેક્ષણ મુજબ છેલ્લા બે વર્ષમાં એકંદરે પ૦ થી ૬૦ ટકા કંપનીઓ વિવિધ પ્રકારની છેતરપિંડીનો ભોગ બની છે, જેમાં બનાવટી ચેક, ડુપ્લીકેટ મોર્ગેજ, સાયબર ક્રાઈમ, ક્રેડિટ કાર્ડ, એ.ટી.એમ.કે મોબાઈલ ફોન દ્વારા સંપર્ક કરીને અને ઓટીપી મેળવીને થતી છેતરપિંડીનો કંપનીઓના કર્મચારીઓ ભોગ બનતા ઊભી થતી સ્થિતિ, નકલી ડિમાન્ડ ઓર્ડરો તથા ગ્રાહકો સાથેની છેતરપિંડી વગેરેનો સમાવેશ થાય છે. ઈન્સાઈડર ટ્રેનીંગ, પ્લેટફોર્મ રિસ્ક, ઈસીજી રિપોર્ટીંગ ચિટીંગ સપ્લાઈ ચેઈન ચીટીંગ સહિતના વિવિધ પ્રકારના નુસ્ખાઓના કારણે કંપનીઓ અને કર્મચારીઓ-ગ્રાહકોની ડિજિટલ સલામતિ માટે યોગ્ય ઈન્ફોર્મેશન ચેનલ સાથે આખુંં-આગવું મિકેનિઝમ ઊભું કરવાની જરૃર છે આ પ્રકારના મુદ્દાઓને કેમ રાજકીય પક્ષો સ્પર્શતા નહી હોય ? તેવા સવાલો ઉઠે છે.