- પ્રજાજનોની સેવા એ જ સુશાસનનો મુખ્ય હેતુ : કલેક્ટરશ્રી
- ગાંધીનગર ખાતેના મુખ્યમંત્રીશ્રીના સુશાસન સપ્તાહના ઉદ્દઘાટન સમારોહનું જીવંત પ્રસારણ કરાયું
અમરેલી તા. ૨૫ ડીસેમ્બર
જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન ઉજવવામાં આવનાર સુશાસન સપ્તાહ અંતર્ગત જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી.
કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા રાજ્ય સરકારની અનેકવિધ યોજનાઓના લાભો આપી સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવનાર છે. અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા વધુમાં જણાવ્યું હતું કે પ્રજાજનોની સેવા એ જ સુશાસનનો મુખ્ય હેતુ છે. જિલ્લાના દરેક અધિકારીશ્રીઓએ સમજવું અત્યંત જરૂરી છે કે રાજ્ય સરકાર દ્વારા સોંપવામાં આવેલી કામગીરીથી આપણે સૌ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રજાજનોના કલ્યાણ સાથે સંકળાયેલા છીએ.
કલેક્ટરશ્રીએ તંત્રના વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ચિતાર એક પ્રેઝન્ટેશન દ્વારા મેળવ્યો હતો. ૧૦૦ દિવસના ટાર્ગેટના પ્રગતિ અહેવાલ મેળવી આંકડાકીય માહિતીના આધારે સબંધિત અધિકારીશ્રીઓને લક્ષ્યાંકો પૂર્ણ કરવા કલેક્ટરશ્રીએ આદેશ કર્યો હતો. વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા ગાંધીનગર ખાતેના સુશાસન સપ્તાહના ઉદ્દઘાટન સમારોહનું જીવંત પ્રસારણ જિલ્લાના સૌ અધિકારીશ્રીઓએ નિહાળ્યું હતું.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, નાયબ વન સંરક્ષક સુશ્રી પ્રિયંકા ગેહલોત તેમજ મહેસુલ, પોલીસ, આરોગ્ય, આયોજન, સમાજ કલ્યાણ જેવા વિવિધ વિભાગોના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.