ખાંભા-શેત્રુંજીમાં છેલ્લા ૧૫ દિવસમાં ૪ સિંહના મોતથી ખળભળાટ

અમરેલી જિલ્લામાં ગીર રેન્જ અને બૃહદગીર રેન્જ વિસ્તારમાં સિંહોના શંકાસ્પદ બીમારીના કારણે મોત થયાનુ સામે આવતા વનવિભાગમાં દોડધામ મચી રહી છે. જાફરાબાદ તાલુકામાં આવેલા માઇન્સ વિસ્તારમાં ૫ થી ૯ વર્ષની સિંહણ બીમાર જોવા મળતા વનવિભાગ દ્વારા તેમનુ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. ત્યારબાદ વનવિભાગે બાબરકોટમાં સારવાર અપાઇ હતી અને સારવાર દરમ્યાન તેનું મોત થયુ છે. વનવિભાગે પી.એમ કર્યું પરંતુ બીમારીના કારણે મોત થયાનું સામે આવ્યુ છે. ખાંભા-શેત્રુંજીમાં પણ છેલ્લા ૧૫ દિવસમાં ૪ સિંહના મોતના અહેવાલ છે. સિંહના મોતના અહેવાલથી વનવિભાગ દોડતું થયું છે.

સિંહણનુ પી.એમ કરનાર ડોકટર શેત્રુંજી ડીવીઝનના છે. તેમને પણ આ મુદ્દે ઉચ્ચ અધિકારીઓના આદેશ થી મૌન સેવ્યું છે. જ્યારે ફરી બેબસિયા નામનો વાયરસ સક્રિય થયો હોવાની વાત સામે આવતા ઉચ્ચ અધિકારીઓ આ મુદ્દે માત્ર તપાસ કરવાની પુષ્ટિ આપી રહૃાા છે. સિંહોના મોત થવાનો સિલસિલો ફરી શરૂ થયો છે. ખાંભા વિસ્તારમાં પણ સિંહોના મોત થઇ રહૃાા છે. સમગ્ર વિસ્તારમાં સિંહોના મોતથી સિંહપ્રેમીઓ અને પર્યાવરણ પ્રેમીઓ દ્વારા પણ ચિંતા વ્યક્ત કરાઇ છે. જાફરાબાદ રેન્જમાં ૧ સિંહના મોત બાદ ઉચ્ચ અધિકારીઓએ તપાસના આદેશ આપ્યા છે. ફરી સિંહોની ચકાસણી કરવા માટે સૂચના આપી દેવાઇ છે. સિંહ બીમાર છે કે કેમ તેની તમામ મુમેન્ટ ચકાસવા માટે સૂચના આપવામાં આવી છે. કયો વાયરસ છે તે ખુલીને બોલવા વનવિભાગના અધિકારીઓ તૈયાર નથી. સમગ્ર ઘટનાને લઈ ભારે ચિંતા જોવા મળી રહી છે.