ખીજડીયા-ચલાલા બ્રોડગેજ દોઢ માસમાં મંજુર કરવા ચક્રો ગતિમાન

અમરેલી,
અમરેલીથી બ્રોડગેજ ટ્રેન આપવા અમરેલીના સાંસદ શ્રી નારણભાઇ કાછડીયાની વારંવારની રજુઆતો અને લાંબી લડતના અંતે કેન્દ્રનાં રેલવે બોર્ડે કુલ બે ભાગમાં મંજુરી આપેલી જેમાં પ્રથમ ભાગનું બ્રોડગેજ રૂપાંતર કામગીરી ચિતલ સુધીની પુર્ણ થતા ચિતલથી લુણીધાર, વડીયાને જોડી જેતલસર સાથે કનેકશન આપતા હાલ વાયા ચિતલથી ટ્રેન સેવા શરૂ થઇ ગઇ છે. પરંતુ બીજા ભાગનું કામ એટલે કે ખીજડીયાથી વિસાવદર બ્રોડગેજ માટે મુકાયેલી દરખાસ્તમાં ધારી, ચલાલા વચ્ચે ઇકો ઝોન અને પર્યાવરણ અનુલક્ષીને કોર્ટ મેટરને કારણે રેલવે પ્રોજેક્ટની કામગીરી અટકેલી પરંતુ સાંસદશ્રી નારણભાઇ કાછડીયાની વારંવાર અને ઉગ્ર રજુઆતના કારણે રેલવે વિભાગે વચ્ચેનો રસ્તો કાઢી હાલ ચલાલાથી ખીજડીયા બ્રોડગેજ માટે ચર્ચાના અંતે ગત તા.25-7નાં રોજ ચિફ પ્રોજેક્ટ મેનેજર દ્વારા સતાવાર રીતે એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ગતીશક્તી સીવીલને દરખાસ્ત કરવામાં આવી છે જેમાં આરવીએનએલ દ્વારા ખીજડીયાથી ચલાલા સુધી બ્રોડગેજ માટે 41.71 કિ.મી. ના બ્રોડગેજ રૂપાંતર માટે ચિફ પ્રોજેક્ટ મેનેજર શ્રી પ્રવિણકુમાર વેસ્ટર્ન રેલ્વે અમદાવાદ દ્વારા રૂા.441.47 કરોડ નો રીવાઇઝ પ્રોજેક્ટ ફરીથી મુકીને આ પ્રોજેક્ટ રેલ્વે બોર્ડ નવી દિલ્હીના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટરને સુપ્રત કરવામાં આવ્યો છે અને તેને રેલ્વે કમીટી બહાલી આપે ત્યાર પછી રેલ્વેની પ્રક્રિયા શરૂ થશે અને આ પ્રક્રિયા અંદાજીત 1 થી દોઢ મહિનામાં શરૂ થઇ જશે તેવી રેલ્વે મંત્રીએ અમરેલીનાં સાંસદને ટેલીફોનીક રજુઆતમાં ખાત્રી આપેલ હોય તેને પણ 15 દિવસ જેવો સમય થઇ ગયો છે. આમ એકાદ મહિનામાં હવે અમરેલીનું બ્રોડગેજનું સપનુ સાકાર થાય તે દિશામાં હાલ કાર્યવાહી ચાલી રહી છે. બીજી તરફ જુનાગઢથી વિસાવદરની બ્રોડગેજ કામગીરી શરૂ થઇ ગઇ છે. મહત્વનો પ્રશ્ર્ન વિસાવદરથી ચલાલા વચ્ચેનો છે. તેથી જો કોર્ટ મેટરના ફેસલાની રાહ જોવામાં આવે તો ખુબ જ મોડુ થઇ જાય તેવુ ન થાય તે માટે વિસાવદરથી ચલાલા સુધીનો ભાગ બાકી રહેશે. કોર્ટ મેટરના ્ફેસલા બાદ પર્યાવરણની મંજુરી આવશે કે તુરત જ બાકી રહેતા ટુકડાની કામગીરી શરૂ થાય તેવી શક્યતાઓ હોવાનુ પણ ચર્ચામાં છે પરંતુ હાલ એકથી દોઢ માસમાં ચલાલાથી ખીજડીયા બ્રોડગેજ રૂપાંતરનાં પ્રોજેક્ટને બહાલી મળી જાય તેવી આશા રખાઇ રહી .