ખીજડીયા થી અમરેલી બ્રોડગેજનાં પ્રોજેક્ટને લીલીઝંડી

અમરેલી,
આખરે અમરેલીના લોકોની વર્ષો જૂની માંગણી સંતોષાતા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વ વાળી સરકારના રેલવે મંત્રાલય દ્વારા ખીજડીયા થી અમરેલી સુધી મીટરગેજ રેલ લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવાના પ્રોજેક્ટને લીલી ઝંડી આપી દેવામાં આવી છે. જે વાતની આજ તા. 25 ઓકટોબર ના રોજ કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી દ્વારા અમરેલીના સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાને ટેલીફોનીક જાણ કરવામાં આવી છે.આ તકે સાંસદશ્રીએ જણાવેલ છે કે, અમરેલી જિલ્લા મથકે બ્રોડગેજ મળે તેવી અમરેલીના લોકોની વર્ષો જૂની માંગણી હતી. આ માટે અમારા દ્વારા રેલવે મંત્રાલય સમક્ષ સતત રજૂઆતો કરવામાં આવેલ હતી. જેના ફળસ્વરૂપે આજરોજ રેલવે મંત્રાલય તરફથી પ્રથમ તબક્કામાં ખીજડીયા થી અમરેલી સુધી બ્રોડગેજ લાઈનના પ્રોજેક્ટને મંજૂરી આપી, અમરેલીના લોકોને આવનારા દિવાળીના પર્વ નિમિત્તે ભેટ આપવામાં આવેલ છે અને આગામી ટૂંક સમયમાં જ આ પ્રોજેક્ટનું ઓનલાઈન ટેન્ડર પણ થઈ જશે.અમરેલીના લોકોની વર્ષો જૂની માંગ અન્વયે બ્રોડગેજ પ્રોજેક્ટને મંજૂરી આપવા બદલ માન. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી જી, કેન્દ્રીય રેલ મંત્રી શ્રી અશ્વિની વૈષ્ણવજી, રાજ્ય રેલ મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશજી અને કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમભાઈ રૂપાલાનો સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ સહદય આભાર વ્યક્ત કરેલ .