ખુદ ફડણવીસ જોતા રહી ગયા ને ભાજપે અણવર શિંદેને જ વરરાજા બનાવી દીધા

બધા માનતા હતા કે ફડણવીસ મુખ્યમંત્રી થશે પણ ભાજપ હાઈકમાન્ડે ખરા હીરોને જ હીરો બનાવ્યો. મહારાષ્ટ્રના રાજકીય સંકટમાં નવા નવા વળાંક આવી રહ્યા છે અને કોઈ પોલિટિકલ નોવેલમાં બને એવી ઘટનાઓ બની રહી છે. આવી જ એક ઘટનામાં બુધવારે રાત્રે ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદેથી રાજીનામું ધરી દીધું. ઉદ્ધવ ઠાકરેએ મહારાષ્ટ્રના મુખ્યમંત્રીપદેથી રાજીનામું ધરી દીધું એ ઘટના અણધારી હતી કેમ કે સૌ એમ જ માનતાં હતાં કે, ઉદ્ધવ છેક સુધી લડી લેશે અને વિધાનસભામાં વિશ્ર્વાસના મતનો સામનો કરશે. તેના બદલે ઉદ્ધવે રાત્રે સાડા નવ વાગ્યે ફેસબુક પર રાજીનામું આપવાની જાહેરાત કરીને સૌને આંચકો આપી દીધેલો.
ઉદ્ધવ આજે નહીં તો કાલે જશે જ એ નક્કી હતું તેથી લોકો માટે આ આંચકો બહુ મોટો નહોતો પણ ગુરુવારે બપોરે ઉદ્ધવ ઠાકરે સામે બળવો કરનારા એકનાથ શિંદેએ ખરેખર મોટો આંચકો આપી દીધો. સૌએ એવું માની લીધેલું કે, ઉદ્ધવ ઠાકરે ગયા એટલે હવે ભાજપના દેવેન્દ્ર ફડણવીસ જ ગાદી પર બેસશે.

ઉદ્ધવના રાજીનામાને પગલે મહારાષ્ટ્ર પ્રદેશ ભાજપ પ્રમુખ ચંદ્રકાન્ત પાટીલે ફડણવીસને પેંડા ખવડાવેલા ને ભાજપે ફટાકડા ફોડેલા તેના પરથી ફડણવીસનો રાજ્યાભિષેક થશે એવું લાગતું હતું પણ તેના બદલે ફડણવીસે એકનાથ શિંદે મુખ્યમંત્રી બનશે એવી જાહેરાત કરીને સૌને ખરેખર મોટો આંચકો આપી દીધો. લોકો આ આંચકો સહન કરે એ પહેલાં તો મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેએ ગુરુવારે સાંજે ૭.૩૦ વાગે શપથ પણ લઈ લીધા.
મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી તરીકે એકનાથ શિંદેની તાજપોશી ખરેખર આંચકાજનક છે ને વાસ્તવમાં તો ભાજપની મહેનત પર પાણી ફરી વળ્યું હોય એવું લાગે છે. એકનાથ શિંદેની બગાવત પાછળ ભાજપ હતો એ ઓપન સિક્રેટ છે. ભાજપના નેતા શાણા થઈને ભલે એવું કહેતા હતા કે, આ શિવસેનાનો આંતરિક મામલો છે ને અમારે તેની સાથે નાહવા નિચોવવાનો સંબંધ નથી પણ એકનાથ શિંદે પોતાના સાથીઓને લઈને પહેલાં ગુજરાતના સુરત આવ્યા ને પછી ત્યાંથી આસામના ગુવાહાટી ગયા તેના પરથી સ્પષ્ટ હતું કે, ભાજપ એકનાથ શિંદેને તન,મન, ધનથી મદદ કરી રહ્યો છે.

બંને ભાજપશાસિત રાજ્યો છે તેથી એકનાથ શિંદેએ તેમના પર પસંદગી ઉતારી એ સ્પષ્ટ હતું. ભાજપની મદદથી જ શિંદે સમર્થક ધારાસભ્યો ગુવાહાટીમાં પડી રહ્યા હતા. ઉદ્ધવ ઠાકરેના આદેશથી તેમની સરકારે એકનાથ શિંદે સહિતના ૧૬ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા અરજી કરી ત્યારે પણ ભાજપ શિંદેના પડખે રહેલો. ભાજપની મદદથી જ હરીશ સાલ્વે જેવા ધૂરંધર વકીલ સુપ્રીમ કોર્ટમાં શિંદે માટે લડવા મેદાનમાં ઉતરેલા ને શિંદે જૂથના સમર્થક ધારાસભ્યો માટે ૧૧ જુલાઈ સુધીનો સમય મેળવવામાં સફળ રહેલા. શિંદે જૂથને રાહત ના મળી ત્યાં લગી ભાજપ અવઢવમાં હતો પણ જેવી સુપ્રીમે રાહત આપી કે તરત જ એકનાથ શિંદેને ખુલ્લો ટેકો આપીને શિવસેના, એનસીપી ને કૉંગ્રેસના બનેલી મહાવિકાસ આઘાડીની સરકારને ગબડાવવા ભાજપ મેદાનમાં આવી ગયો હતો.

ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસે મંગળવાર રાતે રાજ્યપાલ ભગતસિંહ કોશિયારીને મળીને ઉધ્ધવ ઠાકરે સરકાર સામે અવિશ્ર્વાસનો પ્રસ્તાવ લાવવાની માગણી કરી નાંખી હતી. રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી ભાજપના જૂના જોગી છે તેથી ભાજપની માગણીને એ સ્વીકારશે જ તેમાં મીનમેખ નહોતો. આ ધારણા સાચી પડી ને ભાજપે અવિશ્ર્વાસનો પ્રસ્તાવ વિધાનસભામાં લાવવાની માગણી કરી તેના ૧૨ કલાકમાં તો રાજ્યપાલે માગણી મંજૂર પણ કરી નાંખી. ભગતસિંહ કોશિયારીએ ગુરુવારે સવારે ૧૧ વાગ્યે વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવાની જાહેરાત કરીને સાંજે પાંચ વાગ્યા સુધીમાં કોઈ પણ સ્થિતિમાં આખી પ્રક્રિયા આટોપી લેવામાં આવે એવું ફરમાન કર્યું તેની સામે શિવસેનાએ કકળાટ કરી નાંખ્યો હતો. શિવસેનાએ બળાબળનાં પારખાં કરવાના રાજ્યપાલના આદેશને ગેરબંધારણીય ગણાવીને તેને પડકારેલો પણ સુપ્રીમ કોર્ટે તેનું પડીકું કરી નાંખીને ગુરુવારે જ વિશ્ર્વાસનો મત લેવા ફરમાન કર્યું.

આ બધું ભાજપના કારણે જ શક્ય બન્યું કેમ કે શિંદે પાસે મહારાષ્ટ્ર સરકાર સામે લડવાની, રાજ્યપાલને પોતાની તરફ કરવાની કે સુપ્રીમ કોર્ટમાંથી પોતાને અનુકૂળ આવે એવા ચુકાદા લઈ આવવાની તાકાત જ નહોતી. ભાજપ જ પડદા પાછળ રહીને બધું કરતો હતો. દેવેન્દ્ર ફડણવીસ જ બધી મહેનત કરતા હતા ને ફડણવીસ એકનાથ શિંદેને ગાદી પર બેસાડવા આટલી બધી મહેનત ના જ કરે એ કહેવાની જરૂર નથી. ફડણવીસના બદલે શિંદેને મુખ્યમંત્રી બનાવવાનો નિર્ણય આ કારણોસર જ આંચકાજનક છે. દેવેન્દ્ર ફડણવીસે શિંદેને ગાદી પર બેસાડવા માટે હિંદુત્વનું બહાનું આગળ ધર્યું છે. ફડણવીસનો દાવો છે કે, મહારાષ્ટ્રની જનતાએ મહાવિકાસ આઘાડીને બહુમતી નહોતી આપી ને વાસ્તવમાં તો ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી પછી ભાજપ જ સૌથી મોટો પક્ષ હતો.

ભાજપ-શિવસેનાએ જોડાણ કરીને ચૂંટણી લડી હતી પણ શિવસેનાએ કૉંગ્રેસ અને એનસીપી સાથે મળીને સરકાર બનાવી. શિવસેનાએ બાળાસાહેબના સિદ્ધાંતોને પણ કોરાણે મૂકી દીધા હતા ને હિંદુત્વને હાંસિયામાં ધકેલી દીધું હતું તેથી ઉદ્ધવને ગબડાવીને શિંદેને મુખ્યમંત્રીપદે બેસાડવાનો નિર્ણય લેવો પડ્યો છે. ફડણવીસની વાત હાસ્યાસ્પદ છે. ભાજપને હિંદુત્વની એટલી જ ચિંતા હોય તો ૨૦૧૯માં ઉદ્ધવને કેમ મુખ્યમંત્રી નહોતા બનાવ્યા ? ૨૦૧૯માં તો શિવસેના કૉંગ્રેસ અને એનસીપી સાથે નહોતી પણ ભાજપ સાથે હતી. એ વખતે શિવસેના બાળાસાહેબના સિદ્ધાંતોને અનુસરતી હતી તો પછી ભાજપે કેમ ઉદ્ધવને ગાદી પર નહોતા બેસાડ્યા ?
આ સવાલનો જવાબ ફડણવીસ કે ભાજપ જાહેરમાં આપી શકે તેમ નથી કેમ કે વાસ્તવમાં ભાજપે શિવસેના સામે શરણાગતિ સ્વીકારી છે.

શિવસેનામાં બળવાની ઘટના ઉદ્ધવ અને શિંદેએ સાથે મળીને બનાવેલી સ્ક્રીપ્ટ હોવાની શક્યતા પહેલા દિવસથી વ્યક્ત કરાઈ રહી છે. શિંદેની તાજપોશી પછી લાગે કે, આ વાત સાચી છે. ભાજપ જાહેરમાં તમાચો મારીને મોં લાલ રાખે છે પણ અંદરખાને ઉદ્ધવ અને શિંદેએ મળીને ભાજપને શિવસેનાને મુખ્યમંત્રીપદ આપવાની ફરજ પાડી છે. સંજય રાઉતે કહેલું કે, અમે શિંદેને છોડી નથી શકવાના અને શિંદે અમને છોડી નહીં શકે. ઉદ્ધવે મુખ્યમંત્રીપદ છોડવાની અને શિવસેનાનું નેતૃત્વ છોડી દેવાની તૈયારી બતાવીને કહેલું કે, સરકાર ગમે તેની આવે પણ કોઈ શિવસૈનિક જ મુખ્યમંત્રી બનવો જોઈએ. કૉંગ્રેસ-એનસીપી સિવાયના બીજા પક્ષની મદદથી સરકાર બનતી હોય તો તેના માટે પણ તૈયારી બતાવી હતી ને આ બધું સાચું પડ્યું છે