ખૂંખાર ખેલાડી શરદ પવારે આખરે  દેશમુખની હાલત કૂતરા જેવી કરી

મહારાષ્ટ્રમાં મૂકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહાર વિસ્ફોટકો ભરેલી કાર મૂકવાના કેસમાં અંતે મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખના માથેથી ઘાત ટળી ગઈ. આ કેસમાં મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીરસિંહે મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગતસિંહ કોશિયારી અને મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને અનિલ દેશમુખે વાઝેને દર મહિને ૧૦૦ કરોડ રૂપિયાનુ ઉઘરાણું કરવાનો ટાર્ગેટ આપેલો એવો ધડાકો કર્યો ત્યારે હોહા થઈ ગયેલી. દેશમુખને ગમે ત્યારે ઘરભેગા કરી દેવાશે ને તેમના સ્થાને કોણ ગૃહ મંત્રી બનશે એવી વાતો પણ શરૂ થઈ ગયેલી, પણ શરદ પવારે ઠંડે કલેજે બાજી ગોઠવીને બધી વાતોની હવા કાઢી નાખી.

પવારે રવિવારે જ પરમબીર સામે શંકાનો માહોલ ઊભો કરી દીધેલો. સોમવારે તેમણે જાહેર કરી દીધું કે, પરમબીર જે સમયે સચિન વાઝેને દેશમુખ મળ્યાનું કહે છે એ વખતે તો દેશમુખ બીમાર હતા ને હૉસ્પિટલમાં હતા તેથી પરમબીરની વાતમાં માલ નથી. ને જે વાતમાં માલ જ ના હોય એ વાતમાં રાજીનામું શું આપવાનું? પવારના એલાન પછી ઉદ્ધવ દેશમુખને હટાવે એ વાતમાં માલ નથી જ એ જોતાં દેશમુખ બચી ગયા છે એ નક્કી છે, પણ હવે પરમબીરનું શું થશે એ સવાલ ઊભો થઈ ગયો છે કેમ કે અનિલ દેશમુખ સામે આક્ષેપો કરનારા પરમબીરસિંહ પણ દૂધે ધોયેલા નથી જ.

પરમબીરસિંહ અત્યારે ભલે એનસીપીની સામે પડ્યા હોય પણ એ વાસ્તવમાં એનસીપીના પીઠ્ઠું જ છે. આપણે ત્યાં આઈપીએસ અને આઈએએસ અધિકારીઓ પોતાનું ગૌરવ જાળવીને વર્તવાના બદલે સત્તામાં બેઠેલા લોકોના દલાલ તરીકે વર્તવામાં ગૌરવ અનુભવે છે ને પરમબીર પણ તેમાંના એક છે. પરમબીરે વરસો પહેલાં એનસીપી-કૉંગ્રેસના લાડકા બનવા માટે ‘ભગવા આતંકવાદ’નું તૂત ઊભું કરવામાં વરવી ભૂમિકા ભજવેલી.

મહારાષ્ટ્રના માલેગાંવમાં ૮ સપ્ટેમ્બર, ૨૦૦૬ના દિવસે ૩ બૉમ્બધડાકા થયા તેમાં ૭ લોકો ઢબી ગયેલાં ને ૮૦ લોકો ઘાયલ થયા હતા. એ પછી ૨૯ સપ્ટેમ્બર, ૨૦૦૮ના દિવસે ફરી માલેગાંવમાં બૉમ્બધડાકા થયેલા. ૨૦૦૬ના માલેગાંવ બ્લાસ્ટની તપાસ ચાલુ હતી ત્યારે જ થયેલા આ ધડાકાને આતંકવાદી કૃત્ય હોવાનું જાહેર કરીને પહેલાં શંકાની સોય સ્ટુડન્ટ્સ ઈસ્લામિક મુવમેન્ટ ઑફ ઈન્ડિયા (સિમિ) તરફ તકાયેલી. સિમિએ પાકિસ્તાની જાસૂસી સંસ્થા આઈએસઆઈ સાથે મળીને માલેગાંવમાં બ્લાસ્ટ કરાવ્યા છે તેવું જાહેર કરાયેલું. માલેગાંવ બૉમ્બ બ્લાસ્ટની તપાસ મહારાષ્ટ્ર પોલીસ કરતી હતી ત્યારે સિમિ ને આઈએસઆઈના એંગલથી જ તપાસ થતી હતી, પણ પછી મહારાષ્ટ્ર એટીએસને તપાસ સોંપાઈ ને આખું ચિત્ર બદલાઈ ગયું.

મહારાષ્ટ્ર એટીએસના વડા તરીકે એ વખતે મુંબઈમાં થયેલા નવેમ્બર, ૨૦૦૮ના આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા હેમંત કરકરે હતા, જ્યારે પરમબીરસિંહ તેમના આસિસ્ટન્ટ હતા. મહારાષ્ટ્ર એટીએસની તપાસમાં પણ શરૂઆત તો સિમિ અને આઈએસઆઈ સામે જ શંકા હતી, પણ એટીએસ દ્વારા તપાસ હાથમાં લેવાઈ તેના થોડા સમય પહેલાં ધડાકો કરાયેલો કે હિન્દુ જાગરણ મંચ અને અભિનવ ભારત નામનાં બે હિન્દુવાદી સંગઠનોએ અમદાવાદમાં જુલાઈ ૨૦૦૮માં થયેલા બૉમ્બ ધડાકાનો બદલો લેવા માલેગાંવમાં ધડાકા કરાવેલા.

આ ધડાકા કરવા સુરતમાંથી મોટર સાઈકલ ખરીદાયેલી. તેના આધારે પોલીસે ૨૦૦૬મા માલેગાંવ બ્લાસ્ટનો કેસ પણ ઉકેલી નાખ્યો હોવાનો દાવો કરાયેલો. હેમંત કરકરે અને પરમબીરની જુગલ જોડીએ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુર, કર્નલ પ્રસાદ શ્રીકાન્ત પુરોહિત, મેજર રમેશ ઉપાધ્યાય, શ્યામ સાહુ, એસ. એન. કલસાગરા, સમીર કુલકર્ણી તથા દયાનંદ પાંડેને ઉઠાવીને અંદર કરી દીધેલાં. સાધ્વી પ્રજ્ઞા તથા બીજાં હિન્દુવાદીઓ સામે મકોકા સહિતના કાયદા હેઠળ કેસ ઠોકી દેવાયેલા. મકોકા હેઠળ કેસ ઠોકી દેવાય એટલે જેલમાંથી બહાર આવવાના રસ્તા જ બંધ થઈ જતા હોય છે કેમ કે પોલીસ જે પણ પુરાવા રજૂ કરે એ માન્ય રખાતા હોય છે. પોલીસ મારઝૂડ કરીને આરોપીઓ પાસે નિવેદનો લખાવી લે એ પણ પુરાવા ગણાય તેથી સાધ્વી પ્રજ્ઞા, કર્નલ પુરોહિત ને બીજાં લોકો કદી બહાર આવશે જ નહીં એવું સૌએ માની લીધેલું.

કરકરે તો બે મહિના પછી જ મુંબઈ પરના આતંકવાદી હુમલામાં મરાયા તેથી એ આખી તપાસ પરમબીરના હાથમાં જ હતી. પરમબીરે તપાસ દરમિયાન સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને માનસિક અને શારીરિક બંને અત્યાચાર કર્યા હોવાના આક્ષેપ પ્રજ્ઞાના પરિવારે કરેલા. હાલમાં ભાજપનાં સાંસદ પ્રજ્ઞાએ પણ જેલમાંથી બહાર આવીને આ આક્ષેપો દોહરાવેલા. આ આક્ષેપો કેટલા સાચા એ રામ જાણે પણ માલેગાંવ કેસની તપાસના કારણે ‘ભગવો આતંક’ શબ્દો રમતા થઈ ગયેલા. આ દેશના હિંદુઓએ આતંકવાદના રવાડે ચડવાની જરૂર નથી પણ પરમબીર જેવા રાજકારણીઓને રાજી કરવામાં ધન્યતા અનુભવતા અધિકારીઓના પાપે હિંદુઓ આતંકવાદના રવાડે ચડી ગયા હોવાનો દેકારો મચી ગયેલો.

આ બધું ચાલતું હતું એ વખતે કેન્દ્રમાં કૉંગ્રેસની સરકાર હતી ને મહારાષ્ટ્રમાં કૉંગ્રેસ-એનસીપીની સરકાર હતી. પરમબીરે આ બધા ઉધામા શાને માટે કરેલા એ કહેવાની જરૂર નથી. શરદ પવાર એ વખતે કેન્દ્રમાં પ્રધાન હતા ને તેમનો ભારે દબદબો હતો. પરમબીરે પવારને વહાલા થવા બધું કરેલું ને એ જ પવાર હવે પરમબીરનો ભરોસો કરવા તૈયાર નથી. તેનું કારણ એ પણ હોઈ શકે કે, પરમબીર પોતાના આકા બદલવા ને દૂધ-દહીં બંનેમાં પગ રાખવા માટે જાણીતા છે, જ્યારે અનિલ દેશમુખ તો પવારના એકદમ વફાદાર છે.

મહારાષ્ટ્રમાં સળંગ ૧૫ વર્ષના શાસન પછી એનસીપી-કૉંગ્રેસ ૨૦૧૪માં હાર્યાં ને ભાજપ-શિવસેનાની સરકાર આવી ત્યારે પરમબીરે દેવેન્દ્ર ફડણવીસના પગ પકડી લીધેલા ને પુણેના પોલીસ કમિશનર બની ગયેલા. ફડણવીસનું પતન થયું એટલે એ પાછા પવારના પડખામાં ઘૂસી ગયા ને પવારની મદદથી જ મુંબઈના પોલીસ કમિશનર બનેલા એવું કહેવાય છે. પવાર જમાનાના ખાધેલ માણસ છે ને અધિકારીઓનો ઉપયોગ કઈ રીતે કરવો એ તેમને આવડે છે તેથી પરમબીરને પાછા પડખામાં તો લીધા પણ તેમના પર પૂરો ભરોસો નથી મૂક્યો. પરમબીરે પાછું પવારના માનીતા દેશમુખ સામે જ ઘૂરકિયું કરતાં પવારને મેરી બિલ્લી મુઝ કો હી મ્યાઉં જેવું થયું હશે તેથી તેમણે પરમબીરને લાત મારીને હડધૂત કરી દીધા છે ને દેશમુખની પડખે ઊભા રહી ગયા છે.

આ કેસમાં હવે શું થશે એ કહેવાની જરૂર નથી. પવારે પરમબીરે કરેલા આક્ષેપો મુદ્દે તપાસનો મમરો રવિવારે જ મૂકી દીધેલો. શિવસેના પહેલાં દેશમુખને ખંખેરી નાખવાની વાતો કરતી હતી, પણ પવારે તપાસની વાત મૂકી એટલે શિવસેનાએ પણ સોમવારે તેમના સૂરમાં સૂર પુરાવીને કહી દીધું કે, તપાસ થવાની જ હોય તો હમણાં દેશમુખ પાસે રાજીનામું અપાવવાની જરૂર જ ક્યાં છે? પવારે રવિવારે જ પોલીસ ખાતામાં અત્યંત સન્માનનિય હોય એવા અધિકારી મારફતે ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ એવું સૂચન કરેલું ને ભૂતપૂર્વ પોલીસ વડા જૂલિયો ફ્રાન્સિસ રિબેરોનું નામ પણ સૂચવેલું. રિબેરો માટે બધાંને માન છે ને તેમને બધાં પ્રમાણિક માને છે તેથી કોઈ વાંધો ના લે એ વાત પવાર જાણતા જ હોય.

પવાર ખેલંદા માણસ છે તેથી એ પણ જાણતા જ હશે કે, રિબેરો સોનાની જાળ પાણીમાં ના નાખે ને આવા છૂંછા જેવા કેસમાં હાથ ના જ નાખે. તેમને પાકે પાયે ખબર હશે જ કે રિબેરો આ લફરામાં નહીં પડે તેથી તેમણે રિબેરોનું નામ રમતું કરી દીધું. પવારની ધારણા પ્રમાણે રિબેરોએ ઘસીને ના પાડી દીધી છે એટલે હવે મહારાષ્ટ્ર સરકાર નક્કી કરશે તેની પાસે તપાસ કરાવાશે ને કુલડીમાં ગોળ ભાંગીને આખી વાતનો વીંટો વાળી દેવાશે. ઘરના ભૂવા ને ઘરનાં ડાકલાં એટલે નાળિયેર ઘર ભણી ફેંકાવાનું નક્કી જ છે. આપણે ત્યાં રાજકારણીઓ સામેની મોટા ભાગની તપાસમાં થાય છે એમ દેશમુખ સામેની તપાસમાં પણ કશું નહીં નીકળે ને અંતે ક્યાં ગ્યા’તા કાંઈ નહીં ને શું લાવ્યા કાંઈ નહીં જેવું થઈને ઊભું રહેશે. ભાજપ અત્યારે ગમે તેટલી કૂદાકૂદ કરે પણ એ કશું કરી શકવાનો નથી ને આખી વાતનું ફીંડલું વળી જશે એ નક્કી છે. દેશમુખ આટલા ગંભીર આક્ષેપો પછી પણ ગૃહ મંત્રી જ રહેશે ને ખાઈ, પીને રાજ કરશે.

પરમબીર સુપ્રીમ કોર્ટમાં ગયા છે ને દેશમુખ સામેના આક્ષેપોની તપાસનો આદેશ આપવા વિનંતી કરી છે. સુપ્રીમ શું કરશે એ ખબર નથી, પણ દેશમુખ સામેના આક્ષેપો અંગે તેમની પાસે કોઈ પુરાવા હોવાની શક્યતા ઓછી છે. સચિન વાઝે અને પરમબીર અંદરખાને મળેલા હોય ને વાઝેએ કોઈ પુરાવા રાખ્યા હોય તો વાત અલગ છે, બાકી પરમબીર આ કેસમાં કશું ફીણી શકે એવી શક્યતા ઓછી છે. ઊલટાનું એ ભાજપના ઈશારે આ ઉધામા કરી રહ્યા છે એવી છાપ પડી રહી છે કેમ કે તેમણે ભાજપના માનીતા મુકુલ રોહતગીને વકીલ તરીકે રોક્યા છેે. ભાજપનો ઈતિહાસ તો યુઝ ઍન્ડ થ્રોનો છે જ ને સુશાંત કેસમાં બહુ ચગેલા બિહારના ભૂતપૂર્વ પોલીસ વડા ગુપ્તેશ્ર્વર પાંડેનો કિસ્સો તાજો જ છે. પરમબીર બીજા પાંડે બને એવા અણસાર અત્યારે તો છે.