ખોટું કરનારા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ દંડાશે : અજયકુમાર તોમર

  • અમરેલીના પુર્વ એસપી અને સુરતના પોલીસ કમિશ્નરે ધોકો પછાડ્યો: સુરતમાં ભૂમાફિયાની ખેર નથી
  • અમરેલી જિલ્લાના વતની બીટકોઇન વાળા શૈલેષ ભટ્ટ, અનિરૂધ્ધસિંહ રીબડા તેની સાબિતી છે : પત્રકારો સાથે વાતચીત કરતા સુરતના સી.પી. શ્રી તોમર

સુરત,
સુરતમાં ભૂમાફિયાઓ સામે પોલીસ કડક હાથે કામ કરશે. કોઇ પણ ફરિયાદી પુરતા પુરાવા સાથે પોલીસનો સંપર્ક કરશે તો પોલીસ કોઇ ચમરબંધી સામે પણ કડકહાથે કામ લેવામાં કોઇ કચાશ નહીં રાખે તેમ પોલીસ કમિશનરે કહ્યું હતું. સાથોસાથ એ સ્થિતિ પણ સ્પષ્ટ કરી હતી કે ખોટું કરનારા કોઇ પણ પોલીસ અધિકારી કે કર્મચારી સામે પણ કાયદાનો કોરડો વીંઝવામાં આવશે.
1992 માં અમરેલી ફરજ બજાવી ચુકેલા તત્કાલીન ડીએસપી અને હાલના સુરતના પોલીસ કમિશનર શ્રી અજયકુમાર તોમરે પત્રકારો સાથેની વાતચિતમાં કહ્યું હતું કે અનિરુદ્ધસિંહ રીબડાવાળા અને શૈલેષ ભટ્ટ સામે ગુનો નોંધી પોલીસ કાયદેસરની કાર્યવાહી કરવા કટિબદ્ધ હોવાનો અહેસાસ કરાવ્યો જ છે. આમ છતાં હજુ પણ કોઇ ફરિયાદી પુરતા પુરાવા સાથે પોલીસનો સંપર્ક કરશે તો પોલીસ કાયદેસરની કાર્યવાહી કરશે.
કોઇ પણ ભૂમાફિયા સામે ગુનો નોંધવામાં કોઇ કચાસ રાખવામાં નહીં આવે.તેમણે કહ્યું કે સાચું કામ કરવા માટે પોલીસને વિશાળ સત્તા આપવામાં આવી છે, ખોટું કામ કરવા માટે નહીં. જેથી જે પણ પોલીસ અધિકારી કે કર્મચારી ખોટું કરશે તેની સામે કડકહાથે કાર્યવાહી કરવામાં આવે. કોઈ પણ પોલીસ અધિકારી કે કર્મચારીને બક્ષવામાં નહીં આવે. બસ, વાત માત્ર એટલી જ છે કે પોલીસ અધિકારી કે કર્મચારીનો ભોગ બનનારી વ્યક્તિએ પુરાવા સાથે રજૂઆત કરવી પડશે જમીનને લગતા પ્રશ્નોમાં કોઇ પણ નાનો માણસ પણ જો પુરતા પુરાવા સાથે રજૂઆત કરશે તો કોઇની શેહશરમ રાખ્યા વગર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.