ગંભીર દુર્ઘટનામાં અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલના ઓક્સિજનનાં સહારે રહેલા 25 જેટલા દર્દીઓ બચી ગયાં

  • હોસ્પિટલનું મેનેજમેન્ટ સંભાળતા શ્રી પીન્ટુ ધાનાણીની સમય સુચકતાથી
  • ઓક્સિજન પાઇપ બ્લાસ્ટ થતા દર્દીઓ માટે સમાંતર પાઇપલાઇન શરૂ કરાવી અને બેભાન થઇ જનારા સ્ટાફના બે લોકોને પણ બચાવી લેવામાં આવ્યા

અમરેલી,
અમરેલીની શાંતાબા ગજેરા હોસ્પિટલમાં ઓક્સિજન પાઇપલાઇનમાં બ્લાસ્ટ થયાના રૂટીન સમાચાર સૌને મળ્યા હતા પણ આ ઘટનામાં જો ગફલત થઇ હોત તો કેવી ગંભીર દુર્ઘટના સર્જાત તેની અંદરની વિગતો હવે બહાર આવી છે.
અમદાવાદની હોસ્પિટલમાં આગનો બનાવ બન્યો તે પહેલા તા.5 ના સમી સાંજે અમરેલીના આકાશમાં વાદળો ચડી આવ્યા હતા અને વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો એ સાથે અમરેલીમાં મોટી હોનારત સર્જે તેવી દુર્ઘટના બનતી અટકી ગઇ હતી અને તેનું શ્રેય હોસ્પિટલના કેમ્પસ ડાયરેકટર શ્રી પીન્ટુભાઇ ધાનાણીને જાય છે.
તા.5 ની સાંજના 5:30 વાગ્યાના અરસામાં ઓક્સિજનની પાઇપલાઇનમાં સપ્લાય બદલાવવા કર્મચારી નીકુંજભાઇ ચાવડા, હોસ્પિટલના પટાવાળા કરણને લઇ અને મેડીકલ કોલેજ હોસ્ટેલમાં આવેલા સપ્લાય રૂમમાં ગયા અને અચાનક ઓક્સિજનની પાઇપ ધડાકાભેર ફાટી હતી અને તેમાંથી થયેલ ભડકાને કારણે દિવાલો કાળી થઇ ગઇ હતી વિજળીના કડાકાની સાથે જ થયેલા આ બ્લાસ્ટથી કરણ અને નીકુંજ બેભાન થઇ ગયા હતા અને એ જ ક્ષણે કેમ્પસ ડાયરેકટર શ્રી પીન્ટુભાઇને જાણ કરાતા તેમણે બેભાન થયેલા બંને કર્મચારીઓને ટ્રોમા સેન્ટરમાં ખસેડયા હતા અને પાઇપલાઇન બ્લાસ્ટ થતા હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓની ઓક્સિજનની સપ્લાય અટકી ગઇ હતી જેના કારણે ઓક્સિજન ઉપર રહેલા 25 જેટલા દર્દીઓના જીવ ઉપર જોખમ ઉભુ થઇ ગયુ હતુ શ્રી ધાનાણીએ તાત્કાલીક આગોતરી વ્યવસ્થાના ભાગરૂપે રાખેલી સમાંતર પાઇપલાઇનમાં ઓક્સિજનની સપ્લાય શરૂ કરાવી હતી અને ઉપર વોર્ડમાં પણ ઓક્સિજનના સીલીન્ડરો સ્ટેન્ડ બાય કરાવ્યા હતા પાઇપલાઇન ન ચાલે તો દર્દીઓને સીધા સીલીન્ડર ઉપર લઇ લેવા.
આ 25 જેટલા દર્દીઓની લાઇફલાઇન જેવા ઓક્સિજનને યુધ્ધના ધોરણે ચાલુ કરાવી અને તેના સ્ટાફના બંને કર્મચારીઓને બચાવવા માટે પણ તેમણે ફટાફટ નિર્ણયો લીધા હતા ઓક્સિજન રૂમમાં થયેલા બ્લાસ્ટને કારણે આ બંને કર્મચારીઓના શરીરમાં ઓક્સિજન લેવલ જે 100 સુધી હોય તે 150 થઇ ગયુ હતુ. તેમની તાત્કાલીક સારવાર શરૂ કરાવડાવી એક તરફથી એ ધોધમાર વરસાદ વિજળીના કડાકા ભડાકા અને ટ્રોમા સેન્ટર કોરોના વોર્ડ અને ઓક્સિજન સપ્લાય રૂમ વચ્ચે દોડા દોડી કરી ગણતરીની મીનીટોમાં સ્થિતીને થાળે પાડવા જતા શ્રી પીન્ટુભાઇ ધાનાણીને અકસ્માત પણ નડયો હતો પણ તેને ગણકાર્યા વગર મીલટ્રીની જેમ કામગીરી કરી પછીની એક કલાકમાં બ્લાસ્ટ થયેલી પાઇપલાઇન પણ રીપેર કરાવી નાખી હતી અને સારા નસીબે એ બંને કર્મચારીઓ પણ હેમ ખેમ બચી ગયા હતા અને કોરોનાનાં ઓક્સિજન ઉપર રહેલા દર્દીઓને પણ ઉની આંચ નહોતી આવી.