ગરીબ કલ્યાણ મેળાઓ થકી અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટાડવાનો અમારો પ્રયાસ છે: મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ  

ભારતના બંધારણમાં કરાયેલા કલ્યાણ રાજ્યના નિર્દેશને ઉજાગર કરવા રાજ્ય સરકારે સેવા યજ્ઞ આદર્યો છે:મુખ્યમંત્રીશ્રી

 મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં અમરેલીમાં જિલ્લાકક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો

 અમરેલી જિલ્લાના ૮૨ હજાર લાભાર્થીઓને રૂપિયા ૧૦૨ કરોડની સહાયનું વિતરણ

 મુખ્યમંત્રીના હસ્તે સ્ટેજ પરથી લાભાર્થીઓને પ્રતિકરૂપે સાધન સહાયનું વિતરણ કરાયું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના દિશાદર્શનમાં ગરીબ કલ્યાણ મેળાઓ થકી ગરીબ પરિવારના લોકો સમાજની મુખ્ય ધારામાં જોડાયા છે

ગુજરાતના વિકાસનું મોડલ સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થયું છે: સૌનો સાથ સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસનો મંત્ર વડાપ્રધાનશ્રીએ આપ્યો છે

ઉદ્યમીઓને રાજ્ય સરકારના લાભો ઘરઆંગણે આપવાનો સેવાયજ્ઞ એટલે ગરીબ કલ્યાણ મેળો

ગરીબ અને અમીર વચ્ચેની અસમાનતાની ખીણ વધુ પહોળી ન બને તે જરૂરી

 

અમરેલીતા. ૨૬ ફેબ્રુઆરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલએ બારમા તબક્કાના ગરીબ કલ્યાણ મેળાના ત્રીજા દિવસે  અમરેલી ખાતે દરિદ્ર નારાયણને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરતા જણાવ્યું હતું કે ગરીબ કલ્યાણ મેળાઓ થકી અમીરો અને ગરીબો વચ્ચેનું અંતર ઘટાડવાનો અમારો પ્રયાસ છે. ગરીબ અને અમીર વચ્ચેની અસમાનતાની ખીણ વધુ પહોળી ન બને તે જરૂરી છે તેમ કહી વંચિતોના વિકાસની વિભાવના સ્પશ્ટ કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં સ્પષ્ટ કહ્યું કે તત્કાલિન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શનમાં ગુજરાતમાં વર્ષ-૨૦૦૯-૧૦થી ગરીબ કલ્યાણ મેળાઓ ગરીબ વર્ગના લોકોની ઉન્નતિનું માધ્યમ બન્યા છે. ગુજરાત સરકારના અવિરત સેવાયજ્ઞનો સંદર્ભ આપીને મુખ્યમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે ભારતના બંધારણમાં કલ્યાણ રાજ્યનો નિર્દેશ કરવામાં આવ્યો છે. સામાજિક સમરસતા સાથે ગરીબ વર્ગના લોકો આગળ આવે અને તેમની પ્રગતિ થાય તે માટે ગરીબ કલ્યાણ મેળાઓ અને અન્ય સરકારી સામાજિક સેવાઓ બંધારણની આ કલ્યાણરાજની સંકલ્પનાને સાકાર કરે છે.

ગરીબ કલ્યાણ મેળામાં ગરીબોને તેમના હક્કનું આપવામાં આવે છે. આ ઉપકાર નથી પરંતુ અમારી નૈતિક ફરજ છે તેમ જણાવીને મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે સુશાસનની પ્રતીતિ સાથે દરિદ્રનારાયણનો ઉદ્ધાર કરવો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં આત્મનિર્ભર ભારતના અભિયાનને સફળ કરવા માટે આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતનો મંત્ર ચરિતાર્થ કરવો છે. મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ગરીબ કલ્યાણ મેળો ઉદ્યમીઓને રાજ્ય સરકારના લાભો ઘરઆંગણે આપવાનો સેવાયજ્ઞ છે.

દેશમાં જયારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે ગુજરાત સરકારની ગરીબ કલ્યાણ મેળા સહિતના સામાજિક સેવાયજ્ઞો થકી સમાજના દરેક વર્ગના ઉત્કર્ષની સંકલ્પના પણ સાકાર થઇ રહી છે તેમ ઉમેર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ  મોદીએ ચીંધેલા પ્રાકૃતિક ખેતીના માર્ગથી ખેતીનું અને લોકો બંનેનું આરોગ્ય જળવાઈ રહેશે તેમ કહીને ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું હતું. ગુજરાત રાજ્ય તેની સ્થાપનાથી સતત પ્રગતિશીલ છે અને છેલ્લા અઢી દાયકાના શાસનમાં વિકાસની રાજનીતિ થકી ગુજરાત સમગ્ર દેશમાં એક વિકસિત રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે તેમ જણાવીને ગુજરાત મોડલે દેશને પણ નવતર પહેલ થકી પ્રેરણા આપી છે.

મુખ્યમંત્રીશ્રીએ અમરેલીના વતની એવા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાને યાદ કરીને આજે અમરેલી જિલ્લાના લાભાર્થીઓને વિવિધ યોજનાકીય લાભો વિતરિત કરવાનો અવસર મળ્યો તે અંગે હર્ષની લાગણી વ્યક્ત કરી હતી.

સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજયમંત્રી અને જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી આર.સી. મકવાણાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના છેવાડાના લોકોના કલ્યાણ માટે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની અનેક યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. મંત્રીશ્રીએ આર્થિક પછાત તેમજ સામાજીક અને શૈક્ષણિક ઉપરાંત અતિ પછાત વર્ગના લોકોના કલ્યાણ માટે અને તેના જીવનમાં ગુણાત્મક પરિવર્તન આવે અને તેઓ પગભર થાય તે માટે સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસોની રૂપરેખા આપી હતી.

કાર્યક્રમના પ્રારંભે શાળાઓના વિધાર્થીઓએ દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓ રજુ કરી હતી. પ્રભારી મંત્રીશ્રી તેમજ  અમરેલી જિલ્લાની વિવિધ સંસ્થાઓ-પદાધિકારીઓએ મુખ્યમંત્રીશ્રીને મોમેન્ટો આપી આવકાર્યા હતા. પ્રભારી સચિવ શ્રી સંદીપકુમારે સૌનું શાબ્દીક કરી ૧૨મા તબક્કાના ગરીબ કલ્યાણ મેળામાં અમરેલી જિલ્લાના લાભાર્થીઓને મળી રહેલા લાભોની આંકડાકીય રૂપરેખા આપી હતી.

પ્રાસંગિક ઉદબોધન આપતા સાંસદ શ્રી નારણભાઈ કાછડીયાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દિશાદર્શન હેઠળ ૨૦૦૯-૧૦ થી શરૂ કરવામાં આવેલા ગરીબ કલ્યાણ મેળાનો આ ૧૨મો તબક્કો ગરીબોના કલ્યાણ માટેનું નવું સોપાન બનશે. રાજ્યના ગરીબોને ગરીબીમાંથી બહાર લાવવા મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલએ શરૂ કરેલા સેવાયજ્ઞોની વાત કરી તેઓના ૨૦૦ જનકલ્યાણના નિર્ણયોને આવકાર્યા હતા. આ ઉપરાંત તેઓએ કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓનો ઉલ્લેખ કરી અમરેલી જિલ્લામાં મળેલા લાભો અંગે વિગતવાર માહિતી આપી હતી. આંકડાકીય વિગતો આપતા સાંસદશ્રીએ ઉમેર્યું હતું કે આ ગરીબ મેળા અંતર્ગત અમરેલી જિલ્લાના ૮૪ હજારથી વધારે લાભાર્થીઓને ૧૦૨ કરોડના લાભ અને સહાય આપવામાં આવશે.

આ પ્રસંગે ગ્રામીણ વિસ્તારોમાં થઈ રહેલા કામો અને યોજનાઓને પ્રસ્તુત કરતી પંચાયત વિભાગની ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરષોત્તમભાઇ રૂપાલા અને ઇફ્ફ્કોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણીએ સંદેશા દ્વારા શુભકામનાઓ પાઠવી હતી. જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણાએ આભારવિધિ કરી હતી. અમરેલી જિલ્લાના ૮૨ હજારથી વધારે લાભાર્થીઓને ૧૦૨ કરોડના લાભ અને સહાય આપવાના આ સેવા યજ્ઞનો પ્રારંભ કરતા સ્ટેજ પરથી પ્રતીકરૂપે ચેક, માનવ ગરિમા જેવી વિવિધ યોજનાઓની કીટ તેમજ અન્ય વ્યવસાયલક્ષી કીટોનું મુખ્યમંત્રીશ્રી, પ્રભારી મંત્રીશ્રી તેમજ અન્ય મહાનુભાવોના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પૂર્વે વિવિધ યોજનાઓના લાભાર્થીઓએ તેઓને મળેલી લોન/સહાય અને લાભોના લીધે તેઓના જીવનમાં થયેલા બદલાવો અંગે પ્રતિભાવો આપી રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમ પૂર્વે મુખ્યમંત્રીશ્રીએ અમરેલી શહેરની મધ્યમાં આવેલા રાજકમલ ચોક ખાતે રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડો. જીવરાજ મહેતાની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શહીદ સ્મારક ખાતે શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ સુશ્રી રેખાબેન મોવલિયા, ધારાસભ્ય શ્રી જે. વી. કાકડીયા, પ્રદેશ મંત્રી શ્રી ભરતભાઈ બોઘરા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરીયા, પૂર્વ ધારાસભ્યો સર્વે શ્રી બાવકુભાઈ ઉંધાડ, હીરાભાઈ સોલંકી, વી. વી. વઘાસીયા, મનસુખભાઈ ભુવા, કાળુભાઈ વિરાણી, પ્રદેશ યુવા મોરચાના ઉપપ્રમુખ શ્રી મનીષ સંઘાણી, પ્રદેશ મહિલા મોરચાના મંત્રી સુશ્રી ભાવનાબેન ગોંડલીયા, જાણીતા ઉદ્યોગપતિ શ્રી વસંતભાઈ ગજેરા, પ્રભારી સચિવ શ્રી સંદીપ કુમાર, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી દિનેશ ગુરવ, વહીવટી તંત્રના અધિકારી કર્મચારીઓ તેમજ બહોળી સંખ્યામાં લાભાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.