ગુજરાતમાં બહુ ગાજેલી ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીનાં પરિણામ આવી ગયાં ને ભાજપે સપાટો બોલાવીને કૉંગ્રેસ ને આમ આદમી પાર્ટી બંનેના બૂડબૂડિયા બોલાવી દીધા. ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કુલ ૧૧ વોર્ડ છે ને દરેક વોર્ડમાં ચાર લેખે ૪૪ બેઠકો છે. ભાજપે ૪૪માંથી ૪૧ બેઠકો જીતીને રોલર ફેરવી દીધું. કૉંગ્રેસને ભાગે ગણીને બે બેઠકો આવી ને આમ આદમી પાર્ટીએ એક બેઠક જીતીને ખાતું ખોલાવ્યાનો સંતોષ માનવો પડ્યો. ભાજપ માટે ગુજરાતમાં જીત એ નવી વાત નથી પણ ગાંધીનગરની જીત મહત્ત્વની છે કેમ કે ભાજપે પહેલી વાર ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્પષ્ટ બહુમતી મેળવી છે.
ભાજપે આ પહેલાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તડજોડ કરીને સત્તા મેળવેલી પણ સ્પષ્ટ બહુમતી નહોતી મેળવી. ગુજરાતમાં નરેન્દ્ર મોદીનો સૂરજ સોળે કળાએ તપતો હતો ત્યારે પણ ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપને સ્પષ્ટ બહુમતી નહોતી મળી.
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ૨૦૧૦માં અસ્તિત્વમાં આવી અને ૨૦૧૧ના એપ્રિલમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની પહેલી ચૂંટણી યોજાઈ હતી. નરેન્દ્ર મોદી એ વખતે ગુજરાતના મુખ્યમંત્રી હતા ને તેમના એકચક્રી શાસનનો તબક્કો ચાલતો હતો છતાં ભાજપ જીત્યો નહોતો. કૉંગ્રેસે સ્પષ્ટ બહુમતી મેળવીને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન કબજે કરી હતી. એ પછી ૨૦૧૬માં યોજાયેલી ચૂંટણી વખતે પણ ભાજપ સ્પષ્ટ બહુમતી નહોતો મેળવી શક્યો. આ વખતે ભાજપે સ્પષ્ટ બહુમતી સાથે જીત મેળવી છે ને ગાંધીનગરમાં ભાજપ જીતતો નથી એ મહેણું ભાંગ્યું છે. ભાજપે ગાંધીનગરમાં જોરદાર પ્રભાવ ધરાવતી કૉંગ્રેસનો સાવ સફાયો કરીને આ મહેણું ભાંગ્યું છે એ મોટી વાત છે. કૉંગ્રેસ આ પહેલાં ગાંધીનગરમાં સારો દેખાવ કરી શકતી તેનું કારણ શંકરસિંહ વાઘેલા હતા. વાઘેલાનું ગામ વાસણા ગાંધીનગરની પાસે જ છે ને ગાંધીનગરની આસપાસનાં ગામોમાં વાઘેલાનું વર્ચસ્વ હતું એવા ક્ષત્રિય-ઠાકોર સમાજનાં લોકોનાં ગામ છે.
ગાંધીનગરમાં આસપાસના ગામોનાં લોકો આવીને વધારે પ્રમાણમાં વસ્યાં છે તેથી વાઘેલાનો તેમના પર પ્રભાવ હતો. ૨૦૧૧ અને ૨૦૧૬ની ચૂંટણી વખતે વાઘેલા કૉંગ્રેસમાં જ હતા તેથી કૉંગ્રેસને તેનો લાભ મળેલો. હવે ગાંધીનગરમાં કૉંગ્રેસ પાસે એવો કોઈ દમદાર નેતા જ નથી. સી.જે. ચાવડા ક્ષત્રિય નેતા છે ને વાઘેલાની જગા લેવા મથે છે પણ વાઘેલા જેવો તેમનો પ્રભાવ નથી.
ભાજપને નવું સીમાંકન અને ‘આપ’ની હાજરી બંને પણ ફળ્યાં છે. નવા સીમાંકનમાં ગાંધીનગરથી દસ કિલોમીટરની ત્રિજ્યામાં આવતાં ગામોને પણ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભેળવી દેવાયાં છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મોદીના સમયથી જ ભાજપે જોરદાર વિકાસ કર્યો છે ને તેનો મહત્તમ લાભ ગામોનાં લોકોને મળ્યો છે. તેમની જમીન કરોડોની થઈ ગઈ છે ને કલ્પના ન કરી હોય એવી સવલતો મળી છે. આ કારણે આ મતદારો ભાજપને મત આપે એ સ્વાભાવિક છે ને તેનો ભરપૂર લાભ ભાજપને મળ્યો છે.
ભાજપને મતોનું વિભાજન પણ ફળ્યું છે. ભાજપે કુલ બેઠકોમાંથી ૮૫ બેઠકો કબજે કરી છે પણ તેને મળેલા મતોની ટકાવારી ૪૬.૪૯ ટકા છે. સામે કૉંગ્રેસને ૨૮.૦૨ ટકા ને ‘આપ’ને ૨૧.૭૭ ટકા મત મળ્યા છે. કૉંગ્રેસ અને ‘આપ’ને મળેલા કુલ મતોનો સરવાળો ૪૯.૭૯ ટકા છે. મતલબ કે, ભાજપને મળેલા મતો કરતાં વધારે છે. અલબત્ત, આપણે ત્યાં જે સિસ્ટમ છે તેમાં જેને વધારે બેઠકો મળે એ જીતે છે ને ભાજપ વધારે બેઠકો મેળવીને જીત્યો છે એ હકીકત છે.
ગાંધીનગરમાં ચૂંટણી પ્રચાર વખતે કૉંગ્રેસે જોરદાર ટક્કર આપવાની હવા જમાવેલી પણ કૉંગ્રેસ ચિત્રમાં જ ન હોય એવાં પરિણામ આવ્યાં છે. ગાંધીનગરમાં ‘આપ’એ પણ જોરદાર દેખાવ ઊભો કરવાની હવા જમાવેલી પણ ‘આપ’ માટે ધાર્યું પરિણામ આવ્યું નથી. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે તો ટોણો પણ માર્યો કે, ગાજ્યા મેઘ વરસ્યા નહીં. પાટિલની પાર્ટી અત્યારે ટોચ પર છે ને રાજકારણમાં નહીં પણ ક્યાંય પણ જો જીતા વો હી સિકંદર હોય છે તેથી પાટિલને આવો ટોણો મારવાનો અધિકાર છે જ.
.
સોશિયલ મીડિયા પર પણ ભાજપ સમર્થકો ‘આપ’ની બરાબર ફિરકી લઈ રહ્યા છે. જે હારે તેણે આ બધું સહન કરવાની તૈયારી રાખવાની જ હોય ને ‘આપ’ પણ હારી નથી બલ્કે ભૂંડી રીતે હારી છે તેથી તેણે પણ આ સહન કરવાની તૈયારી રાખવી જ પડે. જો કે ગમે તેટલી ટીકા થતી હોય પણ આ પરિણામોનું વિશ્લેષણ કરીએ તો સમજાય કે, આ ચૂંટણીમાં ‘આપ’નો દેખાવ એટલો ખરાબ પણ નથી. આંકડાની રીતે ‘આપ’ને ધારી સફળતા ભલે ના મળી હોય પણ ગાંધીનગરના મતદારોમાં પગપેસારો કરવામાં આપ’ ચોક્કસ સફળ થઈ છે. ‘આપ’ ભાજપની જગા લઈ શકશે એમ કહીએ તો આ વાત કહેતા ભી દીવાના ઔર સુનતા બી દીવાના જેવી લાગે પણ એ કૉંગ્રેસની જગા લઈ શકે છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.
‘આપ’એ આ વાત ફેબ્રુઆરીમાં યોજાયેલી ગુજરાતની અન્ય મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં પણ સાબિત કરેલી. એ વખતે પણ અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ છ મ્યુનિસિપલ કોર્પોરેશનનાં પરિણામોમાં ભાજપનો જયજયકાર થઈ ગયો હતો પણ વધારે ચર્ચા સુરતમાં આમ આદમી પાર્ટીએ કરેલા દેખાવની હતી. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની કુલ ૧૨૦ બેઠકો હતી ને તેમાંથી ભાજપે ૯૩ બેઠકો જીતીને લગભગ ૮૦ ટકા બેઠકો જીતીને પોતાનું પ્રભુત્વ ફરી સ્થાપિત કર્યું હતું પણ તેના કારણે કોઈને આશ્ર્ચર્ય થયું નહોતું. લોકોને આશ્ચર્ય ‘આપ’એ બાકીની ૨૭ બેઠકો જીતીને કરેલા દેખાવથી થયું હતું. ગુજરાતના બીજા કોઈ શહેરમાં ‘આપ’ને એક પણ બેઠક નહોતી મળી. કોર્પોરેશનમાંથી પાંચ કોર્પોરેશનમાં તો ‘આપ’નું ખાતું પણ નહોતું ખૂલ્યું ને સુરતમાં આટલી બધી અધધધ બેઠકો મળી ગઈ તેથી સૌ અચંબામાં પડી ગયેલાં.
સુરત ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલનું હોમ ટાઉન છે. પ્રદેશ પ્રમુખના ઘરમાં જ ‘આપ’એ ગાબડું પાડ્યું હતું ને પાટીલ પોતે કબૂલ્યું હતું કે, સુરતમાં ‘આપ’ આટલી બધી બેઠકો લઈ ગઈ એ ભાજપની સોનાની થાળીમાં ખીલા સમાન છે. ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી વખતે કૉંગ્રેસે પાટીદારોના જોરે ભાજપને બીજે બધે હંફાવી દીધેલો ત્યારે સુરત ભાજપની પડખે રહેલું તેમાં ભાજપની આબરૂ સચવાયેલી. ‘આપ’ના સારા દેખાવના કારણે ભાજપના આ ગઢમાં ગાબડું પડ્યું કે શું એવો સવાલ પણ પૂછાવા લાગેલો. જો કે ‘આપ’એ ભાજપના ગઢમાં ગાબડું નહોતું પાડ્યું પણ કૉંગ્રેસને પછાડીને જીત મેળવી હતી. ભાજપે પહેલાંની ચૂંટણી કરતાં વધારે બેઠકો મેળવી હતી પણ કૉંગ્રેસ ઝીરો પર આવી ગઈ હતી.
સુરતનાં એ પરિણામો એ વાતનો સ્પષ્ટ સંકેત હતો કે, ‘આપ’ કૉંગ્રેસનો વિકલ્પ બની શકે છે ને હવે ગાંધીનગરમાં ફરી એ જ વાત સાબિત થઈ છે. ગાંધીનગરમાં કૉંગ્રેસ અગાઉની ચૂંટણીઓમાં ભાજપ કરતાં તાકાતવર સાબિત થયેલી પણ આ વખતે ‘આપ’એ તેના મતોમાં ગાબડું પાડ્યું તેમાં કૉંગ્રેસ સાવ લબડી ગઈ. સુરત જેવી જ હાલત થઈને ઊભી રહી ગઈ.
કૉંગ્રેસ માટે ગાંધીનગરનાં પરિણામો ખતરાની નિશાની છે ને કૉંગ્રેસ હજુ નહીં જાગે તો સાવ પતી જશે. ગુજરાતમાં કૉંગ્રેસ ધીરે ધીરે ભૂંસાઈ રહી છે ને શહેરી વિસ્તારોમાંથી તો સાવ સાફ થઈ ગઈ છે. સાત-આઠ મહિના પહેલાંની છ મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી એક કોર્પોરેશનમાં કૉંગ્રેસ ખાતું પણ નહોતી ખોલાવી શકી ને બાકીની પાંચમાંથી ત્રણમાં કૉંગ્રેસની બેઠકોની સંખ્યા બે આંકડે પણ નહોતી પહોંચી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ૧૯૨ બેઠકો છે ને તેમાં કૉંગ્રેસને માત્ર ૧૩ બેઠકો મળી હતી. કૉંગ્રેસની સૌથી શરમજનક હાલત રાજકોટમાં થઈ હતી. રાજકોટ કોર્પોરેશનની કુલ ૭૨ બેઠકો છે ને તેમાંથી કૉંગ્રેસે સમ ખાવા પૂરતી ચાર બેઠક જીતી હતી. જામનગરમાં કૉંગ્રેસ બે આંકડે માંડ માંડ પહોંચીને ૧૦ બેઠકો જીતી શકી હતી પણ ભાવનગર અને વડોદરામાં કૉંગ્રેસ સિંગલ ડિજિટ પર આવી ગઈ હતી. હવે ગાંધીનગરમાં પણ એ જ હાલત થઈ છે ને કૉંગ્રેસ માંડ બે બેઠક જીતી શકી છે. હજુ પાંચ વર્ષ પહેલાં તેની સત્તા હતી એ શહેરમાં સાવ પતી ગઈ છે.
કૉંગ્રેસનો ગ્રામીણ વિસ્તારોમાં હજુ પ્રભાવ છે. જિલ્લા-તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓમાં કૉંગ્રેસે જીતેલી બેઠકો તેનો પુરાવો છે. સૌરાષ્ટ્રમાં ભાણવડ નગરપાલિકા પણ કૉંગ્રેસે કબજે કરી છે તેથી તેના માટે હજુ આશા છે જ પણ આ આશા સાવ મરી ના પરવારે એ માટે મહેનત કરવી પડે. પોતાનો ગરાસ સાચવવા માટે મથવું પડે. કૉંગ્રેસ એ મથામણ કરતી નથી જ્યારે ‘આપ’નો કોઈ આધાર નથી છતાં એ મથામણ કરે છે. તેનું ફળ તેને ગાંધીનગરમાં મળ્યું છે ને કૉંગ્રેસ નહીં જાગે તો બીજે પણ
ગમેઊઁઁમળી શકે. ગાંધીનગરની જેમ કૉંગ્રેસથી થાકેલા મતદારો ‘આપ’ તરફ વળવા માંડે એવું બને.