ગાવડકા પાસે શેત્રુજી નદી પર ચેકડેમ રીપેરીંગ અને કોઝવેના કામ માટે રૂપીયા 66 લાખ મંજુર કરાવતા શ્રી કૌશીક વેકરીયા

અમરેલી ,

અમરેલી જિલ્લાએ વિકાસની રફતાર પકડી હોય એમ એક પછી એક વિકાસના કામો જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી કક્ષાએ મંજૂર થઇ રહેલ છે. જેમાં વધુ બે કામ ગાવડકા પાસેથી પસાર થતી શેત્રુંજી નદી પરના ચેકડેમ રીપેરીંગનું કામ અને તરવડા ગામ પાસે ફ્લડ ડેમેજ રિસ્ટોરેશન વર્ક ટૂ ચેકડેમ કોઝવેનું કામ મંજૂર કરવામાં આવ્યું છે. અમરેલી જિલ્લાના ખેડૂતોને સીધો લાભ કરતા સિંચાઇના કામો મંજૂર થતા આ વિસ્તારના અનેક ખેડૂતો માટે આ યોજના લાભકારી બની રહેશે. અમરેલી વિસ્તારના યુવાન લોકપ્રતિનિધિ અને ગુજરાત સરકારના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાની રજૂઆતનો સરકારશ્રી કક્ષાએ સફળ પડઘો પડતા તરવડા ચેકડેમનું રૂા. 42 લાખનું કામ મંજૂર થયું છે. જેનો વર્કઓર્ડર પણ એજન્સીને અપાઇ ગયેલ છે. એ ઊપરાંત શેત્રુંજી નદી પર ગાવડકા ગામ ખાતે ચેકડેમ રીપેરીંગના કામ બાબતે સિંચાઇ મંત્રીશ્રીને ધારાસભ્યશ્રી કૌશિક વેકરિયાએ રજૂઆત કરતા ચેકડેમ રીપેરીંગનું રૂા. 24 લાખનું કામ મંજૂર કરવામાં આવેલ છે. આમ બંને કામ મળી રૂા. 66 લાખના કામો મંજૂર કરવામાં આવ્યા છે. એમ અમરેલી વિસ્તારના ધારાસભ્ય કૌશિક વેકરિયાની અખબારી યાદીમાં જણાવવામાં આવે છે.