ગીરનારમાં ગુરૂદત સન્મુખ કમંડળ કુંડમાં શ્રી મોરારીબાપુની રામકથાનો 17મીથી પ્રારંભ

  • ગરવા ગિરનારની ટોચ પર પૂજ્ય મોરારી બાપુ દ્વારા કથા ગાન
  • તુલસીશ્યામ બાદ ચોર્યાસી સિધ્ધના જયાં બેસણા છે તે ગરવા ગીરનારમાં રામકથા ગુંજી ઉઠશે

જુનાગઢ,
પૂજ્ય મોરારી બાપુની વૈશ્વિક વ્યાસવાટિકાનાં ફ્લાવર્સને નવરાત્રના કથા પ્રસાદ રૂપે પૂજ્ય બાપુએ ગરવા ગિરનારની ટોચ પર ગુરુદત્ત સન્મુખ સ્થિત કમંડળ કુંડનાં સાનિધ્યમાં કથા આપી છે. કુલ કથા ક્રમની 849મી કથા છે. સોરઠના અવધૂત જોગંદર સમાન ગિરનાર પર્વત પરની આ પ્રથમ ઐતિહાસિક કથા છે. તારીખ 17 ઓક્ટોબર સવારના 9/30થી 25/10 નાં નવલાં નોરતાંનાં આ પ્રાણવાન પર્વમાં અવધૂત- નગાધિરાજ ગિરનારની સહુથી ઉપરની ટૂક પર- કોરોનાના કપરા કાળમાં સંજીવની સમાન શ્રોતા વિનાની આ છટ્ઠી કથા ગવાશે. જ્યાં 84 સિદ્ધનાં બેસણાં છે, નવનાથે જ્યાં અખંડ ધૂણો પ્રકટાવેલો છે, જ્યાં 64 જોગણીઓ બિરાજે છે. જેનાં સર્વોચ્ચ શિખર પર ભગવાન ગુરુ દત્તની અખંડ-અનંત ઉર્જાથી સભર અક્ષય તપસ્થલી છે. એવા આ અદ્ભુત સ્થાન પર બાપુની શ્રોતા વગરની છઠ્ઠી રામકથા કથા ગવાશે.ઉલ્લેખનીય છે કે ગિરનાર ક્ષેત્ર પૂજ્ય બાપુ નું અતિ પ્રિય સ્થાન છે. મહાશિવરાત્રિનાં દિવસોમાં પ્રતિવર્ષ તેઓ ગિરનારક્ષેત્રમાં થોડા સમય માટે રોકાવાનું પસંદ કરે છે. દર વર્ષે શરદ પૂનમની સંધ્યાએ રૂપાયતન પરિસરમાંથી, પ્રતિષ્ઠિત નરસિંહ મહેતા એવોર્ડ સમારોહમાં ગુજરાતી ભાષાના પસંદગી પામેલા કવિને સન્માને છે.ગિરનાર પર્વત પર અંબાજીની ટૂક પછી ગોરખનાથનું શિખર આવે અને ત્યાંથી નીચે ઉતરીને દત્તાત્રેય ટૂક તરફ જતાં, માર્ગ પર ’કમંડલ કુંડ’ આવે છે. અહીં દત્તાત્રેય ભગવાનનો ધૂણો છે. અહીં 3000 ફૂટની ઊંચાઈએ પણ અન્નક્ષેત્ર ચાલે છે. આપહેલા પણ જુનાગઢ શહેર અને પંથકમાં કથા ગાન થયું છે. પરંતુ હિમાલય પરનું કૈલાસ-માનસરોવર, નિલગિરિ પર્વત પરનું ભૂસંડી સરોવર, બર્ફાની બાબા અમરનાથ તેમ જ ચારધામ – બદ્રિનાથ, કેદારનાથ, યમનોત્રી અને ગંગોત્રી જેવા દુર્ગમ ક્ષેત્રમાં રામકથાનું ગાન કરી ચૂકેલા મોરારીબાપુ ગિરનાર પર્વત પર પહેલીવાર કથા કરી રહ્યા છે.
અલબત્ત, આ પૂર્વે ’તુલસી-શ્યામ’ કે જે ગિરનારી પર્વતશૃંખલાનો જ હિસ્સો છે, તેનાં પર 700 પગથિયા ઉપર આવેલા મા રુક્મિણીજીનાં ચરણોમાં કથાગાન થયું . પણ અહીં 9000 પગથિયાં ચડીને 3000 ફૂટ ભૌતિક ઉંચાઇ પરની અમાપ આધ્યાત્મિક ઉંચાઇ પરનું કથાગાન ગિરનાર સમાન અનોખાં સ્થાન પરનું વિરલ ગાન છે. મોરારીબાપુએ ખાસ સંદેશ આપતા જણાવ્યું છે કે “કોરોના સંદર્ભે સરકાર અને આરોગ્યતંત્રની જે કંઈ પણ માર્ગદર્શિકા અને નિયમો છે,.
તેનું ચુસ્ત પાલન કરીને આ કથા યોજાશે. વાદ્યકારો અને થોડા ટેકનિશિયન સિવાય કથામાં કોઈ શ્રોતા નહીં હોય.’કમંડલ -કુંડ’ની આ કથા કરવી એવો રાજકોટના જયંતીભાઈ ચાંદ્રા અને ચાંન્દ્રા પરિવારનો મનોરથ હતો. જયંતિભાઈએ ગિરનાર ક્ષેત્રના તમામ સાધુ-સંતો, મહંતો, મહામંડલેશ્વરો પાસે રૂબરૂ જઇને આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. સહુ પૂજ્ય ચરણના શુભાશિષથી તેમનો મનોરથ સાર્થક થવા જઇ રહ્યો છે. વનવિભાગથી લઈને સરકારી તંત્રની મંજૂરીની તમામ ઔપચારિકતા તેમણે પૂર્ણ કરી છે. બધાં જ નીતિ-નિયમોને આધિન રહીને કથાનું આયોજન કરાયું છે.વ્યાસપીઠનાં કરોડો શ્રોતાઓ નવરાત્રીય અનુષ્ઠાનના દિવસોમાં કથાશ્રવણનો શુભ લાભ પામવા આતુરતાથી 17 ઓક્ટોબરની પ્રતિક્ષા કરી રહ્યા છે. આસ્થા ચેનલનાં માધ્યમથી તેમ જ યુ-ટ્યૂબ પરથી કથા ગાનનું લાઇવ પ્રસારણ જોઇ – સાંભળી શકાશે.