ગીરના જંગલમાં સૂર્ય આથમવા સાથે કાયદો ને વ્યવસ્થા પણ ડૂબી જાય છે?

શિયાળાએ જમાવટ કરી છે. હજુ ઠંડી વધવાની છે. ગીરકાંઠાના ગામડાઓમાં આ મોસમમાં દૂર દૂરથી સિંહની ડણક સંભળાય છે. લોકડાઉનના લાંબા અંતરાલ પછી હવે સાસણમાં દેવળિયા પાર્ક અને આંબરડી પાર્કમાં સિંહદર્શનનો કાર્યક્રમ ચાલુ છે. સૌરાષ્ટ્ર – ગુજરાતની આગવી ઓળખ સમાન ગીરના સિંહ પર છેલ્લા બે – ત્રણ વર્ષથી સંકટના વાદળો ઘેરાયેલા છે. શનિ-રવિ અને અન્ય રજા – તહેવારોમાં અહીં સિંહદર્શન માટે ટોળેટોળા લોકો ધસી આવે છે. એશિયાઈ સિંહના આ પૃથ્વી પરના છેલ્લા સરનામા તરીકે ગીર અભયારણ્ય છે. લોકોની સિંહનો સાક્ષાત્કાર કરવાની ઉત્કંઠામાં સ્થાનિક પરિબળોને ત્રૈલોકય મોહિની લક્ષ્મીના દર્શન થતા હવે ખાનગી રીતે સિંહ દર્શનના કાર્યક્રમો ગોઠવાઈ રહ્યાં છે  અને એમાં પ્રવાસીઓ પાસેથી તગડી રકમ લેવામાં આવે છે. આ વાત જંગલખાતું, સરકાર અને પ્રજા એમ બધાય સમાન રીતે જાણે છે. એમાં જ્ઞાનભેદ નથી. કોઈનો વાંક શોધવાનો અર્થ નથી કારણ કે માણસજાતની મનોવૃત્તિ જ આ સમસ્યાના મૂળમાં છે.

ખાનગી સિંહદર્શન એ કોઈ પાપ નથી પણ એ માટે સિંહને જો કોઈ રીતે યાતના ભોગવવાની થાય તો એ પાપ છે. ગીરમાં ખાનગી વાહનો દ્વારા સિંહનો પીછો કરવો કે સિંહની રંજાડ કરવાની વાતો નવી નથી. સિંહના તમામ પ્રકારનાં મુક્ત અને પ્રાકૃતિક સ્વૈરવિહાર પર અનેક પ્રકારે ભીંસ વધતા તેનો મૃત્યુદર ઊંચો જવો સ્વાભાવિક છે. વિધાનસભામાં ગુજરાત સરકારે કબૂલાત આપી છે કે છેલ્લા બે-ત્રણ વરસમાં કુલ 200થી વધુ સિંહના મૃત્યુ નીપજયા છે, આ સિંહના ચાહકો માટે એક મોટો આઘાત છે. સિંહનો વસ્તીદર તબક્કાવાર વધવા તરફ હતો ત્યાંથી એકાએક આ વિપરીત વળાંક આવ્યો છે. ગીરના જંગલમાંથી પસાર થતા રેલવે ટ્રેક પર આજ સુધીમાં અનેક સિંહબાળે જિંદગી ગુમાવી છે. કયારેક પુખ્ત સિંહ પણ ટ્રેનની હડફેટે ચડી ગયેલા છે. ગીર અભ્યારણ્યમાં સદીઓથી વસતા માલધારીઓને હાંકી કાઢવાના સરકારના દુ:સાહસના આ પરિણામો છે કે શિકાર માટે સિંહ દૂર દૂર સુધી રઝળપાટ કરતા થયા છે.

શેત્રુંજી નદી કાંઠાના રસ્તે છેક પાલીતાણા , ગોંડલ, જૂનાગઢ, સાવરકુંડલા, લીલિયા અને ખાંભા સુધી સિંહ પરિવારો દેખાયા છે. રાજકોટના પાદર સુધી સિંહના હવે તો આંટાફેરા છે. ગીર અભયારણ્યની બહાર અત્યારે સોથી વધુ સંખ્યામાં સિંહ લટાર મારી રહ્યાં છે. તકલીફની વાત એ છે કે જ્યાં સિંહ જોવા મળે ત્યાંથી તુરત જ ફોન પર પ્રસારણની પાંખે દોડો દોડોનો સાદ વહેતો થાય છે. અને ખાનગી વાહનો આવી ચડે છે. પછી સિંહને રંજાડવાની જે પ્રવૃત્તિઓ થાય છે તેના વીડિયો બહુ વાયરલ થયેલા છે. જંગલખાતાનાં અધિકારીઓએ એને આધારે તાકીદના પગલા લેવાની સાવધાની દાખવવાની જરૂર છે. સિંહનાં કુલ મૃત્યુઆંકમાં કેટલાક કિસ્સાઓ રંજાડના પણ છે. જેઓ ખાનગી સિંહ દર્શનના કાર્યક્રમો દ્વારા ટંકશાળ પાડે છે તેમના  સાગરિતો જંગલમાં દૂર દૂરથી સિંહને ખોટી રીતે ખસેડે છે. ચોક્કસ સ્થળ તરફ જ સિંહ પરિવારને હાંકી જવા માટે ત્રણ દિશાએથી એમના પર ત્રાસ ગુજારવામાં આવે છે.

શાંત ચિત્તે મચ્છુન્દ્રી નદીના રેતાળ ભીના પટમાં શિયાળાની તાજગીપૂર્ણ હવા અને રાત્રિનો ચડતો પહોર સિંહનો આરામકાળ છે. કારણ કે મધ્યરાત્રે એ ગીરના ડુંગરાઓમાં પરિભ્રમણે કે શિકારે નીકળે છે. સિંહના આવા સુખદ સમયમાં જ એને છંછેડીને હાંકવામાં આવે છે. કાયદો અને વ્યવસ્થા ગીરના જંગલમાં સૂર્ય આથમવાની સાથે જાણે કે આથમી જાય છે અને જંગલનો કાયદો અસ્તિત્વમાં આવી જાય છે. આફ્રિકન સિંહ માનવશત્રુ છે, પરંતુ એશિયાઈ સિંહ તો માનવમિત્ર માનવામાં આવે છે. ગીરના સિંહ ભાગ્યે જ અને સાવ અંતિમ ક્ષણે જ માનવ પર હૂમલો કરે છે. કારણ કે આ સિંહનો માનવ પર બહુ વિશ્વાસ છે અને એ કુદરતી ક્રમ છે. પ્રાચીનકાળમાં રાજાઓ સિંહનો શિકાર કરતા પહેલાં એને ઉશ્કેરતા કારણ કે એ સિવાય શિકાર કરવામાં કોઈ બહાદુરી નથી.

હવે સિંહના શિકાર તો નથી થતાં પરંતુ અત્યન્ત પીડાદાયક એવી રંજાડમાંથી આ દુર્લભ વન્ય પ્રજાતિ પસાર થઈ રહી છે.ખેલાડીઓએ ચાલાકીથી ગીરના જંગલોમાં સરકારી છટકબારીઓનો લટકમટક ઉપયોગ કરીને  સંખ્યાબંધ નવા રિસોર્ટસ્ ખડકી દીધા છે. અનેક નવા રિસોર્ટસના ખાતમુર્હૂતો પણ થઈ ગયા છે. ધારી પાસે આંબરડીમાં લાયન પાર્ક સરકારે જ ખુલ્લો મૂકયો છે પરંતુ ગીર રિસોર્ટસના માલિકોના દબાણને કારણે ત્યાં વધુ સિંહ વસાવવામાં આવતા નથી. રાજકારણીઓના પૂર્ણ કક્ષાના હસ્તક્ષેપથી ગીરના સિંહની સલામતી ઘટી છે. આ અભયારણ્યને હવે રાજકારણીઓના ભયથી મુકત કરવાની તાતી જરૂરિયાત છે.

એશિયાઈ સિંહ છે જ દર્શનપ્રિય. બચ્ચાઓને જન્મ આપ્યા પછી સિંહણ દૂર દૂર જતી રહે છે ને સિંહથી અલગ રહી બચ્ચાઓને ઉછેરવાની કામના રાખે છે. આવા કિસ્સાઓમાં એકલી અટૂલી સિંહણ અને તેના બચ્ચા ગીરકાંઠાના ગ્રામવિસ્તારોમાં આવી ચડે છે. ત્યારે પણ રંજાડ વધી જાય છે. સિંહ સાથે ન હોય ત્યારે સિંહણ ગભરાયેલી હોય છે અને જાણકારો એનો દૂર દૂર સુધી પીછો કરે છે, વીડિયો શુટિંગ કરે છે અને સોશ્યલ મીડિયામાં પ્રસારિત કરે છે. આ પ્રક્રિયા દરમિયાન સિંહણ પર કોલ્ડ્રીંકસની ખાલી બોટલસ્  ફેંકીને એને ઈજા પહોંચાડનારાઓ પણ છે. આ પ્રકારની રંજાડ અટકાવવા માટે રાજ્ય સરકારે વન્ય જીવ સંરક્ષણ અધિનિયમમાં સુધારાઓ કરવાની અને દોષિતો સામે આકરા પગલા લેવાની જરૂર છે. સરકાર દ્વારા સિંહ દર્શનની જે વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તે પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે અપૂરતી છે.

ઉપરાંત તેની બુકિંગ સિસ્ટમમાં પણ સમસ્યાઓ છે. સરકારે જ સિંહદર્શનના સમગ્ર વ્યવસ્થાતંત્રનું અપગ્રેડેશન કરવાની જરૂર છે. ગીરની નદીઓમાં પાણી આ વખતે તો ભરપૂર છે. તો પણ આવનારા ઉનાળામાં સિંહ વધુ લાંબો પ્રવાસમાં કરતા જોવા મળશે. કારણ કે દર ઉનાળે એનો પ્રવાસ વધતો જણાયો છે. વનખાતાએ આંતરરાષ્ટ્રીય સ્તરના સિંહ નિષ્ણાતોને બોલાવીને તૈયાર કરવાના ‘લાયન મેન્યુઅલ’નો હજુ કોઈ ધડો નથી. આ અંગેની વાત મહાન વન્ય પ્રાણી નિષ્ણાત સ્વર્ગસ્થ રૂબિન ડેવિડે તત્કાલીન સરકારને કહી હતી. ગીરમાં ઠંડી આપડા મલકમાં સૌથી વધુ અનુભવાય છે. એનું કારણ એની લીલી કુંજાર વનશ્રી છે. ગીર માત્ર સિંહનું જ નહિ, અનેક સિંહપ્રેમીઓનું પણ વતન હોય એવા દ્રશ્યો ચોતરફની વનરાજિમાં જોવા મળે છે. સિંહને તેના આ પ્રિય વતનથી અલગ ન થવું પડે તે જવાબદારી અને  આપદધર્મ એકલી રાજ્ય સરકારનો નથી, પ્રજાનો પણ છે.