ગીરનું જંગલ સિંહ પરિવારોને હેરાન કરવાનો પાર્ટી વિસ્તાર બની ગયું છે

ચિત્તાઓના આગમનના ઉત્સવને હવે જમાનો વીતી ગયો છે ત્યારે એશિયાઈ સિંહના છેલ્લા વતન ગીર તરફ ધ્યાન આપવાની જરૂર છે. સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતની ઓળખ સરીખી એશિયન સિંહની પ્રજાતિ ઘેરા સંકટમાંથી પસાર થઇ રહી છે. રાજ્ય સરકાર અને એના જંગલખાતાએ સિંહને રંજાડતી ઘટનાઓના આરોપીઓ પર કોઇ પગલા ન લીધા તેનું આ પરિણામ હવે સપાટી પર આવ્યું છે. ગીરનું જંગલ કે સાસણ ગીર તો એશિયાટિક લાયનની માતૃભૂમિ છે અને આ નામશેષ થવા આવેલી પ્રજાતિનું છેલ્લું વતન છે. છેલ્લા કેટલાક દિવસથી એક પછી એક સિંહના મૃતદેહો મળતા જે રીતે આંકડો ઉપર જઇ રહ્યો છે તે અંગે વન અધિકારીઓની કોઇ જવાબદારી રાજ્ય સરકારે ફિક્સ કરી નથી. તેઓને સિંહની હયાતી સલામત રાખવાના પગાર આપવામાં આવે છે છતાં જેમનો સમગ્ર ષડયંત્રમાં હાથ છે તે અધિકારીઓ ખુલ્લે આમ ફરી રહ્યા છે અને તેઓ એમ માને છે કે તેઓના કરતૂતો કોઇ જાણતું નથી જ્યારે કે ગીર પંથકમાં એવા તત્ત્વો કુખ્યાત છે. રાજ્ય સરકારે હજુ સુધી એમના પર કોઇ પગલા લીધા નથી.

ગીરનું જંગલ છેલ્લા એક દાયકાથી સિંહ પરિવારોને હેરાન કરવાનો મોજીલો પાર્ટી વિસ્તાર બની ગયું છે. મૂળભૂત નિયમ એવો હતો કે ગીરમાં સિંહ દર્શન કરવા દિવસે જવાનું અને સંધ્યા ઢળે ને ગિરિકંદરાઓમાં અંધારા ઉતરી આવે એ પહેલા બહાર આવી જવાનું. આજે તો વિવિધ બહાના બતાવીને કે ‘રોકડિયા’ બહાના પરખાવીને અનેક પ્રવાસીઓ જંગલમાં રાત વીતાવવા લાગ્યા છે. અત્યારે તો કેટલાક સુરતના હીરાવાળાઓ ગીરના જંગલની ટેકરીઓ પર હેલિપેડ બનાવી રહ્યા છે. શું તેઓ ત્યાં ઉતરાણ કરીને પછી પદયાત્રા કરશે ? નહિ, જો હેલિપેડ બની જશે તો પછી આખી રાત તેઓ જંગલમાં સિંહને રંજાડતા રહેશે. રાજ્ય સરકાર પાસે આ હેલિપેડની કોઇ જ માહિતી નથી. તો બીજી વિગત તો શું હોય ?

સિંહના ઉપરા ઉપરી થતા અપમૃત્યુ એટલી ગંભીર ઘટના છે કે સિંહ ચાહકોએ એની સામે ઊહાપોહ કર્યો છે પરંતુ આ એ ચાહકો છે જેઓ રાત્રિના સિંહ હદ બહાર આવે તો એનો સો કિલોમીટર સુધી પીછો કરીને મોબાઇલમાં ક્લીપ બનાવે છે. સિંહને ચાહવાની રીત જ આખી પલટાઇ ગઇ છે જેને કારણે સિંહ પર ભીંસ વધતી જાય છે. સિંહના શરીરનું ઉષ્ણતામાન બહુ વધારે હોય છે, એને કારણે બપોરે એને હાંફ ચડે છે. આવા સમયે સિંહ મચ્છુન્દ્રી કે શેત્રુંજી જેવી નદીઓના ભીનાં રેતાળ પટમાં વિશ્રામ કરે છે. આખી બપોર પોતાના પરિવાર સાથે એણે ત્યાં પસાર કરવાની હોય છે. હવે લોકો છેક અંતરિયાળ એ નદીઓના પટ સુધી પહોંચીને ત્યાં સિંહને છંછેડવા લાગ્યા છે. અત્યારે તળ ગીરમાં સિંહ છે એનાથી ક્યાંય વધુ તો ગીરની બહાર છે. ગીરના જંગલને અલવિદા કહેવાની એની દાયકાજૂની શરૂઆત છે જે સરકાર કે વનખાતાની સમજણની બહાર છે.

ગીર અભયારણ્યની સ્થાપના ઈ.સ. ૧૯૬૫માં કરવામાં આવી છે. તે કુલ ૧૪૧૨ ચોરસ કિલોમીટર (૨૫૮ ચોરસ કિલોમીટર રાષ્ટ્રીય ઉદ્યાન અને ૧૧૫૪ કિલોમીટર અભયારણ્ય)ના વિસ્તારમાં ફેલાયેલું ઘટાટોપ અને મનોહર વન્યતીર્થ છે. આ ઉપરાંત પાણિયા અને મિતિયાળા અભયારણ્ય પણ ગીરનો જ એક ભાગ છે, એને ઉમેરો તો કુલ અભયારણ્ય ઘણું મોટું ગણાય. અંદાજે ૫૦૦ આસપાસની સંખ્યાના વનરાજ માટે આટલો વિસ્તાર પૂરતો છે તો પણ પ્રવાસીઓની રંજાડ, ખાનગી લાયન શો યોજનારા અસામાજિક તત્ત્વોનો શિકારી કક્ષાનો ત્રાસ અને ઘટતા જતા પાણી-ખોરાકને કારણે ૨૦૦થી વધુ સિંહ અભયારણ્યને છોડીને મહેસૂલી વિસ્તારોમાં અત્યારે સ્વૈરવિહાર કરી રહ્યા છે. આ બહાર નીકળેલા સિંહને જો વાચા હોત તો તેઓ ચોક્કસ એમ કહેત કે અભયારણ્યની બહાર જ અમને અભયનો અનુભવ થાય છે. આ બહાર જતા રહેલા સિંહ પરિવારોના કારણો, જીવન રીતિ અને પુનઃસ્થાપન અંગે પણ રાજ્ય સરકારે કોઇ  સત્તાવાર અહેવાલ તૈયાર કરાવ્યો નથી.

ખાનગી લાયન શોનું આયોજન કરનારા અસામાજિક તત્ત્વોએ છેલ્લા એક દાયકામાં ચિક્કાર પૈસા બનાવ્યા છે. ગીરના જંગલમાં હવે ચોતરફ રિસોર્ટ બંધાયેલા છે. આ તત્ત્વો દરરોજ રાત્રે સિંહને ચોક્કસ જગ્યાએ માંસાહાર કરવા આવવાની ટેવ વિકસાવે છે. એ માંસ વાસી પણ હોય છે જે સિંહની ઈમ્યુન સિસ્ટમને પ્રભાવિત કરે છે. સિંહમાં ખતરનાક રોગપ્રતિકારક શક્તિ હોય છે જે આવું વાસી માંસ ખાવાથી ક્ષીણ થઇ જાય છે. પછીથી સિંહને અકાળે વૃદ્ધાવસ્થા આવે છે અને તે શિકાર પણ કરી શકતો ન હોવાથી ખાનગી લાયન શોના આયોજક તત્ત્વોએ વિકસાવેલી કુટેવ પ્રમાણેની ચોક્કસ જગ્યાએ આવતો રહે છે. જેની ત્રાડથી આખું જંગલ કંપી ઊઠે એની હાલત એક માંદા શ્વાન જેવી કરી મૂકનારા જે તત્ત્વો છે તેની યાદી જંગલ ખાતાના અધિકારીઓ પાસે છે પરંતુ એના પર ભારે ‘વજન’ હોવાને કારણે એ ફાઇલ તેઓના  સ્વદોષે ખુલતી નથી.

અત્યારે જે રીતે રાજ્ય સરકાર ફાંફા મારે છે તે જ ઉપક્રમ ચાલુ રહેશે તો ગીરનું જંગલ ખાલી થતા વાર નહિ લાગે. હવે તો તાન્ઝાનિયામાં સિંહની પ્રજાતિના વિખ્યાત ઉદ્ધારક આજકાલમાં ગીર આવી પહોંચવાના છે. આ એ રિચાર્ડ કોક છે જેણે અત્યારના રોગચાળાની અગાઉ દહેશત વ્યક્ત કરી હતી પરંતુ ત્યારે આ સિંહજ્ઞ મહાપુરુષને ‘કોક’ માનીને સરકારે ગણકાર્યા ન હતા. એમ તો ઈ.સ. ૨૦૧૬-૧૭માં કુલ ૧૮૪ સિંહના અપમૃત્યુ અંગે વિધાનસભામાં વનમંત્રીના જવાબને વિરોધપક્ષે ઠંડે કલેજે સાંભળી લીધો હતો. એ જ વિપક્ષ અને શાસક પક્ષ અત્યારે વ્યર્થ વિવાદ કરી રહ્યા છે. નામદાર ગુજરાત હાઇકોર્ટે અગાઉ સુઓમોટો રીટ કરીને રાજ્ય સરકારની ઊંઘ ઊડાડી હતી.

આટલી ખતરનાક પરિસ્થિતિ છતાં સરકારી અધિકારીઓના કાફલાઓ ગીરના રિસોર્ટમાં અને અર્ધરાજકારણીઓના ફાર્મ હાઉસોમાં રાતોરાત પડાવ નાંખે છે અને સતત સિંહના લોકેશન શોધતા રહે છે. સિંહને હેરાન કરવામાં આપણે હવે કંઇ જ બાકી રાખ્યું નથી, જેટલા સિંહ અત્યારે ગીરમાં છે તેટલા ત્યાં સચવાય તોય બહુ છે. જે અભયારણ્યમાં રાત્રે એક પણ ખાનગી વાહનને જવાની મંજુરી નથી ત્યાં પણ રાતે પ્રવાસીઓ રખડતા જોવા મળે છે. જંગલ ખાતાના ટોચના અધિકારીઓના અંગત સંગ્રહમાં ખાનગી લાયન શો અને સિંહ રંજાડની અનેક વીડિયો ક્લીપ હોય છે, તેઓ ધારે તો એકેએકને જેલના સળિયાની પાછળ ધકેલી શકે છે પરંતુ દુર્ભાગ્યે તેઓ એવું કશું ધારતા નથી.

પૂરેપૂરો તો કદાચ એકલા વનખાતાના અધિકારીઓનો વાંક ન પણ હોય પરંતુ ગીરની પ્રજા અને ત્યાંના લોક સમુદાય જે વાતો કરે છે તે સાવ નિરર્થક તો નહિ હોય ને ? આમ પણ એ તો નિયમ જ છે કે વાંક એનો જ બતાવવામાં આવે છે જેની જવાબદારી હોય અને તે જવાબદારી નિભાવવાનું ચૂકી ગયા હોય. સિંહના મૃતદેહો મળવાની શરૂઆત થઇ અને પછી નેશનલ ઝૂ ઓથોરિટીના સભ્યો દિલ્હીથી ગીર આવ્યા ત્યાં સુધીમાં વનખાતાએ કેટલી થિયરીઓ બદલાવી એનો ઈતિહાસ તપાસો તો તુરત ખ્યાલ આવશે કે કોની છત્રછાયામાં ગીરનું ક્રમશઃ અપરાધીકરણ થઇ રહ્યું છે. સિંહનો નજરોનજરનો સાક્ષાત્કાર પ્રવાસી માટે જિંદગીની એક યાદગાર અને રોમાંચક ઘટના હોય છે. એની રાજસ્વીતાનો પ્રભાવ કદી વીસરાતો નથી. પરંતુ એ રાજા છે અને દરેક રાજાને મળવાનો એક પ્રોટોકોલ હોય છે. માણસ જાતે એ બધા પ્રોટોકોલ તોડી નાંખતા એશિયન સિંહ પર મોતનું તાંડવ ત્રાટક્યું છે.