ગુંડા એક્ટની શરૂઆત વ્યાજખોરોથી થશે : શ્રી નિર્લિપ્ત રાય

  • એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા અમરેલી જિલ્લાનાં અઢીસો માથાભારે લોકોની કુંડળીઓ તૈયાર કરાવાઇ : ગમે ત્યારે એક્શન
  • લેન્ડ ગ્રેબીંગ એક્ટ અને ગુંડા એક્ટ હેઠળ પોલીસ તંત્ર દ્વારા પેપર વર્ક શરૂ કરી દેવામાં આવ્યું : દાદાના દિકરાઓ અને ભુમાફીયાઓની હવે કાયમી ધોરણે સુધારણા શરૂ થશે
  • જુગારી અને છેડતી કરનારા તથા બળાત્કારીઓ સામે પાસા હેઠળ પગલા લેવા તૈયારી પોલીસ દ્વારા ગુંડા એક્ટની શરૂઆત ગુજરાતમાં પ્રથમ અમરેલીમાં કરાય તેવી શક્યતા

અમરેલી,
જેમ ગુજસીટોકમાં સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ કેસ અમરેલીમાં થયો હતો તેમ ગુંડા એક્ટ અને લેન્ડ ગ્રેબીંગમાં પણ શરૂઆત અમરેલીથી થાય તેવા સંકેતો મળી રહયા છે.
પોલીસ તંત્ર દ્વારા અમરેલી જિલ્લાના બસોથી અઢીસો જેટલા છાપેલ કાટલાઓની કુંડળી તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે અને ગુંડા એક્ટ હેઠળ બહુ ઝડપથી પોલીસ એક્શન લેશે અને તેની શરૂઆત લોકોને નીચોવી નાખતા વ્યાજખોરોથી થનાર હોવાનો નિર્દેશ એસપીશ્રી નિર્લિપ્ત રાયએ આપ્યો હતો.લેન્ડ ગ્રેબીંગ એક્ટ અને ગુંડા એક્ટ હેઠળ અમરેલી જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા પેપર વર્ક શરૂ કરી દેવામાં આવ્યું હોવાનું અને જિલ્લામાં દાદાના દિકરાઓ અને ભુમાફીયાઓની હવે કાયમી ધોરણે સુધારણા કરવાની શરૂઆત કરી દેવામાં આવી છે આ ઉપરાંત જુગારી અને છેડતી કરનારા તથા બળાત્કારીઓ સામે પાસા હેઠળ પગલા લેવા તૈયારી પણ થઇ રહી છે અને નવા ઘડાયેલા ગુંડા એક્ટની શરૂઆત ગુજરાતમાં પ્રથમ અમરેલીમાં કરાય તેવી શક્યતા છે.