ગુજરાતના બે રજનીકાન્ત જેવા જ લોકપ્રિય મહેશ-નરેશની જુગલ જોડી સદા યાદ રહેશે

હજુ હમણાં જ ગુજરાતના જાણીતા સંગીતકાર અને ભૂતપૂર્વ સાંસદ મહેશ કનોડિયા 83 વર્ષની વયે ગાંધીનગરમાં ગુજરી ગયા એ વાતને હજુ માંડ ત્રણ દિવસ પણ થયા નથી ત્યાં મંગળવારે તેમના નાના ભાઈ અને એક જમાનાના ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયાએ પણ વસમી વિદાય લઈ લીધી. નરેશ કનોડિયા કોરોનાનો ભોગ બન્યા પછી અમદાવાદની એક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયેલા ને તેમના ચાહકો તેમની તબિયત વિશે ચિંતામાં હતા. નરેશ કનોડિયાની તબિયત વિશે અફવાઓ પણ આવ્યા કરતી હતી ને શનિવારે એ ગુજરી ગયા એવી વાત પણ ફરતી થઈ ગયેલી.

મંગળવારે ફરી નરેશ કનોડિયાના નિધનના સમાચાર આવ્યા ત્યારે પહેલાં તો સૌને એમ જ લાગેલું કે, આ નવું પડીકું ફરતું થયું છે. રવિવારથી એવા સમાચાર ચાલતા જ હતા તેથી ને શનિવારનો અનુભવ હતો તેથી પહેલાં તો કોઈએ આ વાત માની જ નહીં પણ તેમના દીકરા હિતુ કનોડિયાએ ટ્વિટ કરીને સમાચાર આપ્યા પછી સૌને ખાતરી થઈ કે, નરેશભાઈ હવે ખરેખર આપણી વચ્ચે રહ્યા નથી ને કાયમ માટે વિદાય થઈ ગયા છે. ત્રણ દિવસ પહેલાં મહેશભાઈએ વિદાય લીધી હતી ત્યારે સૌ કહેતા કે, મહેશ-નરેશની જોડી ખંડિત થઈ ગઈ. આ સમાચારે સૌને અહેસાસ કરાવ્યો કે, હવે આ જુગલ જોડી જ રહી નથી ને આપણે વચ્ચે તેમની યાદો જ રહી ગઈ છે. તેમને મળવું જોઈએ એનાથી બહુ જ ઓછું માન મળ્યું એનો કલારસિકોને અફસોસ રહેશે. તેઓએ દક્ષિણ ભારતમાં જન્મ લીધો હોત તો રજનીકાન્ત જેટલા પૂજાયા હોત.

આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિનું નિધન થાય પછી તેને શ્રદ્ધાંજલિ આપવામાં લોકો પાછું વળીને જોતા નથી. નરેશ કનોડિયાના કિસ્સામાં પણ એવું થઈ રહ્યું છે. નરેશભાઈના નિધનથી ગુજરાતી ફિલ્મોનો સુવર્ણ યુગ આથમી ગયો ત્યાંથી માંડીને તેમને મહાન અભિનેતા ગણાવવા સુધીની શ્રદ્ધાંજલિઓ અપાઈ રહી છે. દરેકના પોતપોતાના અભિપ્રાય હોય છે ને વ્યક્તિનું મૂલ્યાંકન કરવાના પોતપોતાના માપદંડ હોય છે તેથી તેના વિશે ટિપ્પણી કરવી ઉચિત નથી પણ નરેશ કનોડિયાના નિધનથી ગુજરાતે પોતાની આગવી છાપ છોડનારો એક સજ્જન ને માટી સાથે જોડાયેલો માણસ ચોક્કસ ગુમાવ્યો છે.

ગુજરાતી ફિલ્મોમાં સુવર્ણ યુગ જેવું કશું હતું નહીં ને ભવિષ્યમાં એવો સમય આવશે કે નહીં એ ખબર નથી પણ નરેશ કનોડિયાને જેવી લોકપ્રિયતા મળી એવી લોકપ્રિયતા બહુ ઓછા અભિનેતાઓને મળે. ગુજરાતીમાં એક જમાનામાં સામાજિક ફિલ્મો બનતી ને હિન્દી ફિલ્મોના ટોચના કલાકારો પણ તેમાં કામ કરતા. 1970ના દાયકામાં ગુજરાતી ફિલ્મોની તરાહ બદલાઈ ને સૌરાષ્ટ્રની કહેવાતી લોકકથાઓ પર આધારિત ફિલ્મોનો ફાલ ઉતરવા માંડ્યો. ઉપેન્દ્ર ત્રિવેદી હીરો ને સ્નેહલતા હીરોઈન હોય એવી થોકબંધ ફિલ્મો બનવાનું શરૂ થયું. એ વખતે સિંગલ સ્ક્રીન થિયેટરનો જમાનો હતો ને ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે મનોરંજન કરમુક્તિનો લાભ અપાતો તેથી ગામડાંમાં આ ફિલ્મો ધૂમ મચાવતી.

ઉપેન્દ્ર ત્રિવેદીએ આ ફિલ્મોના જોરે એકાદ દાયકા સુધી સુપરસ્ટારપદ ભોગવ્યું. કિરણ કુમાર, રાજીવ, અસરાની વગેરે પણ એ જમાનામાં ગુજરાતી ફિલ્મોમાં હીરો બનીને આવ્યા પણ ઉપેન્દ્ર ત્રિવેદી જેવી સફળતા ન મેળવી શક્યા. ઉપેન્દ્ર ત્રિવેદી પછી નરેશ કનોડિયાએ એ વારસો સાચવ્યો ને ગુજરાતની ગ્રામીણ પ્રજાના સુપરસ્ટાર તરીકે જબરદસ્ત લોકચાહના મેળવી. ઉપેન્દ્ર ત્રિવેદીના સમયથી જ ગુજરાતી ફિલ્મોમાં અભિનય આવડતો હોય કે ન આવડતો હોય, કોઈ ફરક પડતો નહોતો ને નરેશ કનોડિયાના સમયમાં પણ એ પરંપરા ચાલુ રહી. વાંક ઉપેન્દ્ર ત્રિવેદી કે નરેશ કનોડિયાનો નથી કેમ કે એ વખતે ફિલ્મો જ એવી લખાતી ને નિર્દેશકો પણ એવા હતા.

નરેશ કનોડિયા એ ફોર્મ્યુલામાં બરાબર ફિટ થઈ ગયા ને એક પછી એક સુપરહિટ ફિલ્મો આપી. 1970માં આવેલી વેલીને આવ્યાં ફૂલ કનોડિયાની પહેલી ફિલ્મ હતી ને પછીના દાયકામાં તેમણે ઘણી ફિલ્મો કરી પણ 1980ના દાયકામાં ઉપેન્દ્ર ત્રિવેદીનાં વળતાં પાણી થવાં શરૂ થયાં પછી નરેશ કનોડિયા યુગ શરૂ થયો. ઢોલા મારૂ કનોડિયાને સુપરસ્ટાર બનાવનારી પહેલી ફિલ્મ હતી ને નરેશભાઈ પછી છવાઈ ગયા. ગુજરાતમાં શહેરી વર્ગમાં મોટા ભાગનાં લોકો એ વખતે પણ ગુજરાતી ફિલ્મો નહોતા જોતા પણ ગ્રામીણ વિસ્તારોમાં નરેશ કનોડિયા લોકોના હૃદય પર રાજ કરતા હતા તેમાં શંકા નથી. પહેલાં સ્નેહલતા ને પછી રોમા માણેક સાથે તેમણે સુપરહિટ જોડી જમાવી. ગુજરાતમાં એક મોટો વર્ગ આ જોડીઓ પર ઓળઘોળ હતો. કનોડિયાએ કેટલી ફિલ્મોમાં કામ કર્યું એ વિશે મતભેદ છે. ક્યાંક સવાસો ફિલ્મોનો આંકડો છે તો ક્યાંક ત્રણ સો ફિલ્મો કહેવાય છે. જે પણ આંકડો હોય પણ આ ફિલ્મોએ ગુજરાતી દર્શકોના એક મોટા વર્ગને જોરદાર મનોરંજન ચોક્કસ પૂરું પાડેલું.

નરેશ કનોડિયાએ હિન્દી ફિલ્મોમાં પગ જમાવવા પણ પ્રયત્ન કર્યા હતા. ગુજરાતી ફિલ્મોના જ નહીં પણ દક્ષિણ ભારતની ચાર ભાષાને બાદ કરતાં દેશની કોઈ પણ પ્રાદેશિક ભાષાના હીરો માટે હિન્દી ફિલ્મોમાં હીરોનો રોલ મેળવવો બહુ મુશ્કેલ છે. બલકે લગભગ અશક્ય છે કેમ કે પ્રાદેશિક ભાષાની ફિલ્મોનાં લોકપ્રિયતાના ધારાધોરણ અલગ છે. બીજી તરફ હિન્દી ફિલ્મોમાં હીરો બનવા માગતા કલાકાર પાસે શારીરિક દેખાવથી માંડીને અભિનય સુધીની બાબતોમાં અલગ અપેક્ષાઓ રખાતી હોય છે. મોટા ભાગના પ્રાદેશિક ભાષાની ફિલ્મોના હીરો આ માપદંડમાં બંધબેસતા નથી હોતા.

આ વાત નરેશ કનોડિયાને પણ લાગુ પડતી જ હતી તેથી હિન્દી ફિલ્મોમાં કોઈ તેમને હીરો બનાવે એ શક્ય નહોતું એટલે કનોડિયાએ પોતે જ ‘છોટા સા આદમી’ નામે ફિલ્મ બનાવી નાખી ને હીરો બની ગયા. ગુજરાતી કૃષ્ણકાન્ત ફિલ્મના હીરો હતા ને ગુજરાતી કલાકારોની ભરમાર હતી. સંગીત મહેશ-નરેશે આપેલું ને હીરોઈન તરીકે કોમલ મહુવાકર નામની છોકરી હતી કે જે પછી ક્યાં ખોવાઈ ગઈ એ જ ખબર નથી. આ ફિલ્મ ન ચાલી કેમ કે તેમાં કશું ચાલે એવું જ નહોતું તેથી ફિલ્મ વિશે કોઈને કશું યાદ નથી પણ કિશોર કુમારે ગાયેલું ગીત ‘છોટા સા આદમી હૂં અમિતાભ નહી હૂં’ આજેય સાંભળવું ગમે એવું છે. નરેશ કનોડિયા આ ફિલ્મના અનુભવે સમજી ગયા કે, હિન્દી ફિલ્મોમાં આપણું ગજું નથી તેથી તેમણે ગુજરાતી ફિલ્મો પર જ ધ્યાન કેન્દ્રિત કર્યું ને પછી પણ ઘણી સુપરહિટ ફિલ્મો આપી.

નરેશ કનોડિયાની ઓળખ ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર તરીકેની સ્થાપિત થઈ એ સાચું છે પણ તેમનું યોગદાન ગુજરાતી ફિલ્મો પૂરતું મર્યાદિત નથી. ગુજરાતી સંગીત અને સ્ટેજ શોને લોકપ્રિય બનાવવામાં પણ તેમનું મોટું યોગદાન છે. કનોડિયા પરિવારે જે કંઈ મેળવ્યું તેના પાયામાં મહેશ કનોડિયા હતા પણ નરેશ કનોડિયાએ તેમાં ઉમેરો કર્યો એ કબૂલવું પડે. મહેશ કનોડિયા કલાકાર વધારે હતા જ્યારે નરેશ કનોડિયા પરફોર્મર વધારે હતા. સ્ટેજ શો કરનારે દર્શકોના મનોરંજન માટે નખરાં કરવાં પડે, અદાઓ બતાવવી પડે ને એ બધું નરેશભાઈ પાસે હતું. નરેશ-મહેશની જોડી એ રીતે એકબીજાને પૂરક હતી તેથી સ્ટેજ શોમાં તેમને અકલ્પનિય સફળતા મળી.

નરેશ કનોડિયાને ફિલ્મોમાં મળેલી સફળતા તો પ્રસંશનીય છે જ પણ વધારે પ્રસંશનીય તેમણે આ જબરજસ્ત સફળતા મેળવવા કરેલો સંઘર્ષ ને પછી સફળતાને પચાવી એ છે. ઉત્તર ગુજરાતના સાવ નાનકડા ગામમાંથી આવીને કનોડિયા બંધુઓએ પોતાની આગવી ઓળખ ઊભી કરી. સાવ ગરીબ પરિવાર, સામાજિક રીતે પણ પછાત ગણાતી જ્ઞાતિ ને કોઈ આધાર નહીં છતાં મહેશ-નરેશે જે મેળવ્યું એ બહુ ઓછા લોકો મેળવી શકે. જિંદગીમાં સંઘર્ષ કરીને ટોચ પર પહોંચી શકાય છે ને સુપરસ્ટાર બની શકાય છે એ આ માણસે સાબિત કરેલું. આ સફળતા છતાં એ કદી છક્યા નહીં એ મોટી વાત છે. કદી આછકલાઈ, હલકી વાત કે હલકો વ્યવહાર જોવા જ ન મળે. મહેશ કે નરેશ કનોડિયા ભણ્યા નહોતા ને નરેશ કનોડિયા તો મજાકમાં પોતાને અંગૂઠાછાપ પણ ગણાવતા. જે માણસ ભવની ભઠ્ઠીમાં તપેલો હોય એ અક્ષરજ્ઞાન મેળવે કે ના મેળવે તેનાથી કોઈ ફરક પડતો નથી એ વાત નરેશ કનોડિયાએ સાબિત કરી હતી. પ્રભુ તેમના આત્માને શાંતિ આપે.