- નિષ્ઠા અને પ્રામાણિકતાથી રાજ્ય અને દેશની સેવા કરી સાદગીભર્યા અને કુશળ મુખ્યમંત્રી તરીકે તેઓ લોકપ્રિય બન્યા
અમરેલી,
29 મી ઓગસ્ટ ઇ.સ. 1887ના દિવસે અમરેલીમાં ડો. જીવરાજ મહેતાનો જન્મ થયો. પિતાશ્રી નારાયણભાઇ મુળજીભાઇ મહેતા અને માતૃશ્રી ઝમકબા અને બન્ને પ્રભુપરાયણ કર્મનિષ્ઠા અને વત્સલ દંપતિના સંસ્કાર શિશુ જીવરાજે ઝીલ્યા હતા. તીવ્ર બુધ્ધિ અને અડગ પુરુષાર્થ ના બળે તેજસ્વી પરિણામ સાથે માધ્યમિક શિક્ષણ અમરેલીમાં પુરૂ કરી તેઓ મુંબઇની ગ્રાન્ટ મેડીકલ કોલેજમાં જોડાયા, અભ્યાસ કરવા માટે તેઓ લંડન ગયા ત્યાં પણ તેજસ્વી પરિણામ સાથે એમ.ડી. અને એમ.સી.પી.એલ.ની ડીગ્રીઓ તથા ઇનામો મેળવ્યા.ડો. જીવરાજ મહેતાની શકિતને વડોદરાના મહારાજા સર શ્રી સયાજીરાવ ગાયકવાડે ઓળખી લીધી અને તેથી એમને મહારાજા પરિવારના અંગત તબીબ અને પછીથી વડોદરા રાજયના મુખ્ય તબીબ અમલદાર તરીકે નીમવામાં આવ્યા.ઇ.સ. 1947માં ભારત સ્વતંત્ર બન્યું ત્યારે ભારતના આરોગ્ય ખાતાના મુખ્ય નિયામક તરીકે ડો. જીવરાજ મહેતાની નિમણુંક થઇ. એ સમયે પાકિસ્તાનથી ત્રસ્ત અને પીડિત હિજરતીઓ ભારતમાં સતત આવતા હતા એમના તનના અને મનના ઘા રૂઝવવામાં ડો. જીવરાજ મહેતાએ પૂરી નિષ્ઠા અને સહાનુભૂતિથી દિવસ રાત કાર્ય કર્યુ હતું. ઇ.સ. 1960માં અલગ ગુજરાત રાજયની રચના થઇ અને સ્વાભાવિક રીતે જ ડો. જીવરાજ મહેતા ગુજરાતના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા. એમણે ગુજરાતનું નવ ઘડતર કરવામાં અથાક પરિશ્રમ ઉઠાવ્યો અને ગુજરાતના વિકાસને સંગીન પાયો પૂરો પાડયો.
ફર્ટીલાઇઝર કોર્પોરેશન, નવાગામ ખાતે નર્મદા બંધનો શુભારંભ વિધિ અને ગુજરાત રાજયની રાજધાની ગાંધીનગરની યોજના જેવા મહત્વના કાર્યો એમના નેતૃત્વ નીચે સાકાર બન્યા તત્કાલીન વડાપ્રધાન પં. જવાહરલાલ નહેરૂ ડો. જીવરાજ મહેતાની શકિત અને નિષ્ઠાને બરાબર જાણતા હતા એટલે ડો. જીવરાજ મહેતાને ઇંગ્લેન્ડમાં ભારતના હાઇકમિશનર તરીકે નીમવામાં આવ્યા. હાઇકમિશનર પદેથી નિવૃત થતા તેમની સેવાઓ તાત્કાલિક વડાપ્રધાન શ્રીમતિ ઇન્દીંરા ગાંધીએ માંગી અને ડો. જીવરાજ મહેતા અમરેલી મત વિસ્તારમાંથી ચૂંટાઇ સંસદ સભ્ય બન્યા. ઇ.સ. 1977માં તેઓ નિવૃત થયા અને સામાજિક સેવાઓ હાથ પર ધરી.ઈ.સ. 1960માં પહેલી મે ગુજરાતનું અલગ રાજ્ય થયું ત્યારે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા. ગુજરાતના પ્રશ્નો ઊંડો અભ્યાસ કરી વિવિધ પ્રશ્નો એક પછી એક હલ કર્યા. નવા રાજ્યની નવી રાજધાની ક્યાં રાખવી એ અંગે લાંબી મંત્રણા પછી ગાંધીનગર રાખવાનું નક્કી કરવામાં આવ્યું. તેમણે 1960માં ગુજરાત સ્ટેટ ફર્ટીલાઈઝર કંપનીની રચના કરી. વડોદરામાં પ્રેટ્રોકેમિકલ્સ ઉદ્યોગની સ્થાપના કરી. અમદાવાદમાં એશિયાની પ્રખ્યાત સિવિલ હોસ્પીટલનું બાંધકામ કરાવ્યું. આ ઉપરાંત ગુજરાતમાં ખાદી અને ગ્રામોધ્ધાર બોર્ડની રચના કરવામાં આવી. ગુજરાતમાં દારૂબંધી દાખલ કરી.તેઓ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તેઓ બીજી વાર ચૂંટાઈ આવ્યા. તેમણે નિષ્ઠા અને પ્રામાણિકતાથી રાજ્યથી અને દેશની સેવા કરી. સાદગીભર્યા અને કુશળ મુખ્યમંત્રી તરીકે તેઓ લોકપ્રિય થયા. પૂર્ણ દીર્ઘ આયુષ્ય ભોગવી તેઓ 91 વર્ષે 1978માં અવસાન થયું. અમદાવાદ ખાતે તેમનું કાયમી સંભારણુ બની રહે તે માટે જીવરાજ મહેતા હોસ્પિટલ શરૂ કરી છે. ગાંધીનગર ખાતે એક સંકુલનું નામ તેમની સ્મૃતિમાં રાખવામાં આવ્યું છે.