ગુજરાતમાં આમ આદમી પાર્ટી ક્રમશ: કોંગ્રેસનું સ્થાન લઈ લે એવી શક્યતા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમા બીજા ને અંતિમ તબક્કાના મતદાનનું પણ પરિણામ આવી ગયું ને આ ચૂંટણીમાં પણ ભાજપનો જયજયકાર થઈ ગયો છે. ગયા મંગળવારે રાજ્યનાં છ મોટાં શહેરોમાં ભાજપે કોંગ્રેસનાં સૂપડા સાફ કરી નાંખેલાં. ગયા મંગળવારે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર એ છ મહાનગરપાલિકાઓની ચૂંટણીનાં પરિણામ જાહેર થયેલાં. આ પરિણામોમાં ભાજપનો જયજયકાર થઈ ગયો હતો ને કોંગ્રેસનો સફાયો થઈ ગયો હતો. કોંગ્રેસને આ આઘાતની કળ વળે એ પહેલાં અઠવાડિયામાં તેને બીજો મોટો મરણતોલ ફટકો વાગ્યો છે ને જિલ્લા-તાલુકા પંચાયતો તથા નગરપાલિકાઓમાં પણ કોંગ્રેસનું ફીડલું વળી ગયું છે. મંગળવારે રાજ્યની 31 જિલ્લા પંચાયતો, 81 નગરપાલિકાઓ અને 231 તાલુકા પંચાયતોનાં પરિણામ આવ્યાં તેમાં કોંગ્રેસને સમ ખાવા પૂરતી એક પણ જિલ્લા પંચાયતમાં સત્તા નથી મળી કે તાલુકા પંચાયતમાં જીત મળી નથી. નગરપાલિકાઓમાં પાંચ-સાત એવી રડીખડી નગરપાલિકાઓ છે કે જ્યાં કોંગ્રેસ જીતી છે પણ એ જીત પણ બહુ હરખાવા જેવી નથી. રાજ્યમાં 81 નગરપાલિકાની ચૂંટણી હતી ને તેમાંથી કોંગ્રેસ આઠ નગરપાલિકા કબજે કરે તો પણ એ દસ ટકા પણ ન કહેવાય.
આટલી નગરપાલિકા તો અપક્ષો પણ જીતી જતા હોય છે એ જોતાં આ પરિણામ નગણ્ય કહેવાય ને કોંગ્રેસ સાવ સાફ થઈ ગઈ છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી. કોંગ્રેસ માટે આ હાર કારમી એટલા માટે છે કે મોટા ભાગની જિલ્લા અને તાલુકા પંચાયતો કોંગ્રેસે જીતી હતી. નગરપાલિકાઓ અર્ધ શહેરી વિસ્તાર છે ને આ વિસ્તારોમાં ભાજપનો દબદબો છે તેથી મોટા ભાગની નગરપાલિકાઓ ભાજપ પાસે જ હતી પણ જિલ્લા-તાલુકા પંચાયતો કોંગ્રેસના કબજામાં હતી. છેલ્લે 2015માં જિલ્લા-તાલુકા પંચાયતોની ચૂંટણી થઈ ત્યારે 31 જિલ્લા પંચાયતમાંથી 23 અને 230 તાલુકા પંચાયતમાંથી 169 કોંગ્રેસે જીતી હતી. એ વખતે એવું લાગતું હતું કે, આ જીતના કારણે ગુજરાતમાં કોંગ્રેસ ફરી બેઠી થઈ જશે. કોંગ્રેસે એ પછી 2017ની વિધાનસભા ચૂંટણીમાં પણ જોરદાર દેખાવ કરીને 77 બેઠકો જીતી ત્યારે આ વાત સાચી પડતી લાગતી હતી પણ માત્ર ત્રણ જ વર્ષમાં ચિત્ર બદલાઈ ગયું છે. કોંગ્રેસ મોંભેર પછડાઈ છે ને સાવ પતી ગઈ છે. એક પણ જિલ્લા કે તાલુકા પંચાયત એ ના જીતી શકે તેનાથી વધારે શરમજનક કશું ન કહેવાય.
ગુજરાતમાં 1985ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 182માંથી 149 બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો એ પછી કોંગ્રેસ બે વાર પોતે રાજી થઈ જાય એવો દેખાવ કરી શકી છે. 2000માં કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી હતા એ વખતે કોંગ્રેસ ભાજપને ધોળે દિવસે તારા દેખાડી દીધા હતા. 2000માં 25 જિલ્લા પંચાયતની ચૂંટણી થઈ તેમાંથી 23 જિલ્લા પંચાયત કોંગ્રેસે કબજે કરી હતી. છ મહાનગરપાલિકામાંથી સુરતને બાદ કરતાં ભાજપે બાકીના શહેરી ગઢ ગુમાવ્યા હતા. ભાજપ 1977થી રાજકોટ મહાનગરપાલિકામાં સત્તા ભોગવતો હતો પણ 2000માં તેનો કારમો પરાજય થયો હતો. 23 વર્ષ પછી ભાજપે રાજકોટમાં સત્તા ગુમાવી હતી. ભાજપ અમદાવાદમાં 1987થી સત્તામાં હતો અને 13 વર્ષ પછી સત્તા ગુમાવી હતી. રાજકોટ અને અમદાવાદ બંને વરસો જૂના ભાજપના ગઢ ધરાશાયી થયા હતા. નગર પાલિકાઓ અને નગર પંચાયતોમા પણ ભાજપની આબરૂનો કચરો થઈ ગયો હતો.
ગુજરાતમાં 2015ની ચૂંટણી વખતે આનંદીબેન પટેલ મુખ્યમંત્રી હતાં. પાટીદાર અનામત આંદોલનના કારણે પટેલો ભારે નારાજ હતા. પટેલોએ અનામતની માગણી સાથે આંદોલન કર્યું તેને કચડી નાંખવા માટે આનંદીબેન પટેલ સરકારે સખ્તાઈ બતાવી તેમાં પટેલો ભડકી ગયેલા. આનંદીબેન પટેલની સરકારે હાર્દિક પટેલ સહિતના પટેલ અનામત આંદોલનના નેતાઓ સામે રાજદ્રોહનો કેસ ઠોકીને જેલમાં ધકેલી દીધા તેનો બદલો લેવા પાટીદારોએ ભાજપ વિરુદ્ધ કચકચાવીને મતદાન કરેલું. તેમાં કોંગ્રેસનો જયજયકાર થઈ ગયેલો પણ પાંચ વર્ષ પછી સ્થિતિ બદલાઈ ગઈ છે. હવે પાટીદારો કોંગ્રેસ સાથે નથી ને ભાજપ સાથે છે તેથી કોંગ્રેસ સાવ પતી ગઈ છે. ભાજપ માટે આ જીત બહુ મોટી છે પણ નવી નથી. ગુજરાતમાં ભાજપે અઢી દાયકાથી ખિલા મારેલા છે ને આ જીત કરતાં પણ મોટી જીત મેળવી છે. બલ્કે ભાજપ તો સતત જીતતો જ રહ્યો છે. 2000 અને 2015 તેમાં અપવાદરૂપ છે અને એ સિવાયની બાકીની તમામ ચૂંટણીમાં ભાજપ જીત્યો છે ને તેમાંથી બે તો લોકસભાની ચૂંટણી છે કે જેમાં ભાજપે કોંગ્રેસને સાવ સાફ કરીને તમામ 26 બેઠકો જીતી છે. 2014 અને 2019ની લોકસભા ચૂંટણીઓ ભાજપની જીતમાં શિરમોર છે. આ જીત તેના કરતાં મોટી નથી પણ ભાજપે 2015માં ગુમાવેલી આબરૂ પાછી મેળવી છે એ રીતે મોટી જીત ચોક્કસ કહેવાય.
ભાજપની જીતના કારણો વિશે જોરશોરથી ચોવટ ચાલી રહી છે. ભાજપની સંગઠનની શક્તિ, વિજય રૂપાણી સરકારની સારી કામગીરી, પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની જોરદાર વ્યૂહરચના વગેરે કારણો ભાજપની જીત માટે કારણભૂત ગણાવાય છે. સી.આર. પાટિલ નવાસવા પ્રમુખ બન્યા છે તેથી તેમની તારીફમાં કસિદા પઢાઈ રહ્યા છે. ચઢતા સૂરજને સૌ પૂજે એ જોતાં પાટીલનાં વખાણ થાય તેમાં કશું ખોટું નથી. આ બધાં કારણોએ ભાજપની જીતમાં યોગદાન આપ્યું હશે તેમાં પણ શંકા નથી પણ સૌથી મોટું કારણ એ છે કે, ગુજરાતમાં ભાજપનો મુકાબલો કરવાની કોંગ્રેસમાં તાકાત જ નથી. ભાજપ ગુજરાતમાં મજબૂત છે ને તેનો યશ નરેન્દ્ર મોદીને જાય છે. ગુજરાતમાં નરેન્દ્ર મોદીના સમયથી ભાજપની હિંદુવાદી પાર્ટી હોવાની છાપ છે તેનો લાભ ભાજપને મળે છે. મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કરેલી કામગીરીનાં ફળ પણ હજુ ભાજપ ચાખી રહ્યો છે તેમાં શંકા નથી. આ બધાં કારણે ભાજપ મજબૂત છે જ પણ તેની નબળાઈઓ પણ છે. કેન્દ્ર અને રાજ્ય બંને ઠેકાણે ભાજપની સરકારો છે.
આજે પણ મોંઘવારી, બેરોજગારી સહિતની સમસ્યાઓ છે. પેટ્રોલ-ડીઝલના વધેલા ભાવ સામે લોકોમાં ભારે આક્રોશ છે પણ તકલીફ એ છે કે, આ આક્રોશનો લાભ લેવાની કોંગ્રેસમાં તાકાત જ નથી. કોંગ્રેસના નેતાઓમાં કોઈ કરિશ્મા નથી કે લોકો સાથે સંપર્ક નથી ધરાવતા. એ લોકો અંદરોઅંદર ટાંટિયાખેંચ ને સગાવાદમાંથી ઉપર આવતા નથી. લોકોનું શું થાય છે તેની તેમને પડી જ નથી તેના કારણે લોકો કોંગ્રેસને મત આપવા જ માગતા નથી. આ હાર તેનું જ પરિણામ છે. આ પરિણામોએ સાબિત કર્યું છે કે, ગુજરાતમાં હવે કોંગ્રેસ સાવ પતી ગઈ છે ને તેને કોઈ બેઠી કરી શકે તેમ નથી. કોંગ્રેસ પાસે નેતાગીરી નથી, સંગઠન નથી, જનાક્રોશનો લાભ લેવાની તાકાત નથી, મતદારોને આકર્ષવાની ક્ષમતા નથી ને બીજું ઘણું નથી. આ બધાં કારણોમાં સુધારો કરવાની દાનત નથી એ જોતાં કોંગ્રેસ સત્તામાં તો આવે એવી શક્યતા જ નથી પણ વિપક્ષ તરીકે પણ ચાલે એમ નથી એ જોતાં ગુજરાતની પ્રજાએ કોંગ્રેસના નામનું નાહી જ નાંખવું જોઈએ.
ગુજરાતની 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં ગુજરાતમાં ભાજપને પોતાની તાકાત અજમાવવાની છેલ્લી તક આ ચૂંટણી હતી. આ ચૂંટણીમાં ભાજપનો ડંકો વાગી જતાં હવે ભાજપ માટે 2022ની ચૂંટણી સરળ થઈ ગયેલી લાગે છે પણ સામે મજબૂત વિપક્ષ જરૂરી જ છે. લોકશાહીમાં મજબૂત વિપક્ષ જરૂરી છે એ જોતાં ગુજરાતમાં ભાજપની સર્વોપરિતા સ્થપાય એ સારું ના કહેવાય પણ અત્યારે આ વાસ્તવિકતા છે. આ વાસ્તવિકતા ક્યારે બદલાશે એ ખબર નથી પણ આ વાસ્તવિકતાએ ગુજરાતમાં અન્ય પક્ષો માટે એક તક ઊભી કરી છે તેમાં શંકા નથી. ખાસ કરીને આમઆદમી પાર્ટી માટે એક સારી તક આ સમીકરણોએ ઊભી કરી દીધી છે.
આમઆદમી પાર્ટીએ જિલ્લા-તાલુકા પંચાયતોમાં એટલો સારો દેખાવ નથી કર્યો. તેનું કારણ એ કે, ઉમેદવારીપત્રો ભરાતાં હતાં ત્યારે આમઆદમી પાર્ટીને કોઈ ગંભીરતાથી લેતું નહોતું તેથી તેમાં જોડાવા કોઈ તૈયાર નહોતું. આપ પાસે કાર્યકરો પણ નહોતા તેથી તેણે જે મળ્યા એવા ઉમેદવારોને ઊભા કરી દીધા. ટૂંકમાં આપના ઉમેદવારો એવા મજબૂત નહોતા ને મતદારોને પણ તેનામાં ભરોસો નહોતો. હવે સ્થિતિ બદલાઈ છે અને આમ આદમી પાર્ટીને મતદારો ગંભીરતાથી લેવા માંડ્યા છે. સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમઆદમી પાર્ટીએ કોંગ્રેસને સાવ સાફ કરીને 120માંથી 27 બેઠકો જીતી પછી લોકોને લાગે છે કે, આપ કોંગ્રેસને વિકલ્પ બની શકે છે. સુરતમાં પાટીદારો અને ખાસ તો સૌરાષ્ટ્રના પાટીદારો આમઆદમી પાર્ટીના પડખે થયા છે. તેમની મદદથી આપ સૌરાષ્ટ્રમાં પગપેસારો કરવામા સફળ થઈ છે ને ધીરે ધીરે તેની તાકાત વધારી શકે એ જોતાં ભવિષ્યમાં આપ મુખ્ય વિરોધ પક્ષ તો બની જ શકે.