ગુજરાતમાં એક જ દિવસમાં ૧.૮૦ લાખથી વધુ લોકોને અપાઈ કોરોના રસી

ગુજરાતમાં ગત ૧૬ જાન્યુઆરીથી શરૂ થયેલા કોરોના વૅક્સિનેશન અભિયાન બાદ અત્યાર સુધીમાં રસીનો પ્રથમ ડોઝ લેનારા લોકની સંખ્યા ૧૬.૫૩ લાખને પાર પહોંચી ચૂકી છે. મંગળવારે એક જ દિવસમાં ૧.૮૦ લાખથી વધુ લોકોને કોરોના વૅક્સિન આપવામાં આવી છે. જેમાં ત્રીજા તબક્કાની વૅક્સિન લેનારા લોકોની સંખ્યા ૧.૩૦ લાખથી વધુ છે. રાજ્યમાં ૧૬,૫૩,૭૦૫ લોકોને કોરોના વૅક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવી ચૂક્યો છે. જ્યારે વૅક્સિનનો બીજો ડોઝ લેનારા લોકોની સંખ્યા ૩,૮૫,૭૦૯ પર પહોંચીં છે.

મંગળવારે કુલ ૧,૮૦,૫૦૭ વ્યક્તિઓને કોરોનાની રસી આપવામાં આવી છે. જેમાં ૬૦ વર્ષથી વધુ વયના સિનિયર સિટીઝન અને ૪૫ વર્ષથી વધુ વયના ગંભીર બીમારી ધરાવતા ૧,૩૦,૪૨૬ લોકોને કોરોના વૅક્સિન આપવામાં આવી છે. રાજ્ય સરકારનો દાવો છે કે, કોરોના વૅક્સિનના પ્રથમ અને બીજા ડોઝ તરીકે અત્યાર સુધીમાં ૨૦.૩૯ લાખ જેટલા લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. જેમાં કોઈને પણ ગંભીર આડઅસર જોવા નથી મળી. સમગ્ર દેશમાં કોરોના રસી આપવામાં ગુજરાત બીજા સ્થાને છે, જ્યાં અત્યાર સુધીમાં ૨૦.૩૯ લાખ લોકોને રસી અપાઈ છે. જ્યારે પ્રથમ સ્થાને રહેલા રાજસ્થાનમાં અત્યાર સુધીમાં ૨૩.૩૦ લાખ લોકોને વૅક્સિન અપાઈ છે.

જે બાદ મહારાષ્ટ્ર ૧૯.૪૦ લાખ વૅક્સિન સાથે ત્રીજા અને ઉત્તર પ્રદેશ ૧૯.૨૦ લાખ કોરોના વૅક્સિન આપીને ચોથા સ્થાને રહૃાું છે. શહેરમાં આજથી બે દિવસ માટે કોરોના વૅક્સિનેશનની કામગીરી બંધ રહેશે. સરકારની માર્ગદર્શિકા અનુસાર, આજે ૧૦ માર્ચે મમતા દિવસ અને આવતી કાલે ૧૧ માર્ચે મહાશિવરાત્રીની જાહેર રજા હોવાથી વૅક્સિનેશનની પ્રક્રિયા બંધ રહેશે. જ્યારે શુક્રવારે ૧૨ માર્ચથી રસીકરણની કામગીરી રાબેતા મુજબ શરૂ થઈ જશે.