ગુજરાતમાં ભાજપની જીતમાં અમિત શાહનો કેટલો જાદુ ?

ગુજરાતમાં ભાજપની જીતનો શ્રેય કોને જાય છે એ માટે હોડ શરૂ થઈ ગઈ છે. મીડિયા પોતપોતાની લોબી પ્રમાણે શ્રેય આપી રહી છે. કોઈ ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને શ્રેય આપે છે તો કોઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને શ્રેય આપે છે. કોઈ વળી નરેન્દ્ર મોદીના કરિશ્માને કારણે ભાજપ જીત્યો છે એવું કહે છે પણ વાસ્તવમાં આ જીતનું સૌથી વધારે શ્રેય અમિત શાહને જાય છે.
અમિત શાહે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો સંપૂર્ણ દોર પોતાના હાથમાં લઈ લીધો હતો. ઉમેદવારોની પસંદગીથી માંડીને ચૂંટણી પ્રચારની વ્યૂહરચના સુધીનું બધું અમિત શાહે જ નક્કી કરેલું એ જોતાં આ જીતનું ખરું શ્રેય અમિત શાહને આપી શકાય. ભાજપ પાસે જોરદાર સંગઠન છે અને લોકો હિંદુત્ત્વના કારણે ભાજપને પસંદ કરે છે એ પરિબળ તો સૌથી મોટું કહેવાય પણ અમિત શાહે આ સંગઠનને જોરદાર નેતૃત્વ પૂરું પાડીને ભાજપને જીત અપાવી એ પણ કબૂલવું પડે. સી.આર. પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ સહિતના નેતા બેકગ્રાઉન્ડમાં હતા. અમિત શાહ જ છવાયેલા હતા એ જોતાં જીતનું શ્રેય શાહને જાય છે.
અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટીના કેસમાં ગાજ્યા મેઘ વરસ્યા નહીં જેવો ઘાટ થયો છે પણ સાથે સાથે તેમના માટે એક હકારાત્મક વાત એ પણ છે કે, ગુજરાતના રાજકારણમાં આમ આદમી પાર્ટીની એન્ટ્રી થઈ ગઈ છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં સરકાર રચવાની વાતો કરતો હતો પણ મુખ્ય વિરોધ પક્ષ બનવાની પણ નજીક નથી પહોંચ્યો એ તેના માટે મોટો ફટકો કહેવાય. અલબત્ત પહેલીવાર મોટાપાયે ચૂંટણી લડનારી આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં અત્યાર સુધી આવેલા બીજા બધા ત્રીજા પરિબળ કરતાં બહેતર દેખાવ કર્યો છે એ કબૂલ કરવું પડે.
ગુજરાતના રાજકારણમાં દિગ્ગજ મનાતા શંકરસિંહ વાઘેલાએ રાષ્ટ્રીય જનતા પાર્ટી બનાવેલી ને તેને 1998માં માત્ર 4 બેઠકો મળી હતી. એ જ રીતે ભાજપના બીજા દિગ્ગજ કેશુભાઈ પટેલે ગુજરાત પરિવર્તન પાર્ટી બનાવેલી તેને ગણીને ત્રણ બેઠકો મળી હતી. ગોરધન ઝડફિયા સહિતના નેતાઓએ બનાવેલી પાર્ટીઓએ તો ખાતાં પણ નહોતી ખોલાવી શકી ને ક્યાં પતી ગઈ એ જ ખબર નથી. તેની સરખામણીમાં આમ આદમી પાર્ટી સારી બેઠકો લઈ ગઈ છે એ સ્વીકારવું પડે.
આમ આદમી પાર્ટીને જે પણ બેઠકો મળી એ જે તે ઉમેદવારના આગવા ચાહક વર્ગના કારણે પણ હોઈ શકે છે પણ ગુજરાતમાં આમ આદમી પાર્ટી આવી ગઈ છે એ નક્કી છે. ગુજરાતમાં ભાજપ જે રીતે મજબૂત છે એ જોતાં આમ આદમી પાર્ટી ક્યારેય પણ ગુજરાતમાં સત્તામાં આવી શકશે કે કેમ એ વિશે શંકા છે પણ એ કોંગ્રેસના સ્થાને મુખ્ય વિરોધ પક્ષનું સ્થાન લઈ જશે તેમાં શંકા નથી.
કોંગ્રેસે તેના ઈતિહાસનો સૌથી શરમજનક દેખાવ કરીને વીસેક બેઠકો જીતી છે. 1990માં વિષ્વનાથ પ્રતાપસિંહની આંધી વખતે કોંગ્રેસને માત્ર 33 બેઠકો મળી હતી. મતદાન થયું ત્યાં લગી એવું લાગતું હતું કે, કોંગ્રેસનો તેનાથી ખરાબ દખાવ તો નહીં જ થાય પણ કોંગ્રેસ સાવ તળિયે જઈને બેસી ગઈ છે. આમ આદમી પાર્ટીના કારણે ભાજપ વિરોધી મતો વહેંચાઈ ગયા તેમાં કોંગ્રેસનું બોર્ડ પતી ગયું એવા દાવા થાય છે પણ એ વાતમાં દમ નથી. કોંગ્રેસનો વોટ શેર ભાજપ કરતાં લગભગ અડધો છે ને આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસના મતોનો સરવાળો કરો તો પણ ભાજપ બહુ આગળ રહે છે એ જોતાં આપના કારણે કોંગ્રેસ જીતી એ વાતમાં દમ નથી.આ પરિણામો પરથી એક વાત સ્પષ્ટ છે કે, ગુજરાતમાં હવે કોંગ્રેસે પોતાનું અસ્તિત્વ ટકાવવા માટે ફાંફાં મારવાના દિવસો આવી ગયા છે. કોંગ્રેસ પતી તો ગયેલી જ છે ને લોકો હવે તેને સ્વીકારતા નથી એ સ્પષ્ટ છે. આ સંજોગોમાં કોંગ્રેસે હવે લોકો વચ્ચે જવું પડશે, લોકોનો વિશ્ર્વાસ કેળવવો પડશે, નહિંતર સાવ પતી જશે, તેનું અસ્તિત્વ જ મટી જશે.ગુજરાતની સાથે હિમાચલ પ્રદેશમાં પણ મતગણતરી હતી. હિમાચલ પ્રદેશમાં ભાજપની હાર થઈ છે અને કોંગ્રેસ ફરી સત્તામાં આવી છે. કોંગ્રેસ માટે આ બહુ મોટું આશ્ર્વાસન છે .