ગુજરાતમાં શ્રીકાર વરસાદને કારણે ૨૦૬ ડેમમાં ૬૫.૬૪ ટકા પાણી

  • મોસમનો ૧૦૨.૭૩% વરસાદ થયો

    ગુજરાતમાં થોડા દિવસોથી પડી રહેલા શ્રીકાર વરસાદને કારણે આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. ચોમાસાની આ મોસમમાં રાજ્યમાં અત્યારસુધી ૩૩.૬૦ ઇંચ સાથે મોસમનો ૧૦૨.૭૩% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગયા વર્ષે એટલે ૨૦૧૯માં કુલ સરેરાશ વરસાદ ૧૪૬ ટકા થયો હતો. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં ૧૮૮.૪૦ ટકા નોંધાયો છે. રાજ્યના ૨૦૬ ડેમમાં ૬૫.૬૪ ટકા પાણી છે. રાજ્યના ૭૬ જળાશયો ૧૦૦ ટકા ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા ડેમમાં પાણીની જળ સપાટીમાં ધરખમ વધારો થયો છે. હાલ ૨.૨૪ લાખ ક્યુસેક પાણીની આવક થઇ છે. છેલ્લા ૧૨ કલાકમાં નર્મદા ડેમની સપાટીમાં ૧.૪ મીટરનો વધારો થયો છે.
    જેને પગલે ડેમની સપાટી વધીને ૧૨૬.૮૯ મીટરે પહોંચી ગઇ છે. ડેમની મહત્તમ સપાટી ૧૩૮.૬૮ મીટરની છે. ડેમમા હાલ ૨૦૫૨ એમસીએમ લાઈવ સ્ટોરેજ પાણીનો જથ્થો છે. જેના કારણે ગુજરાતીઓને પીવાના પાણીની તંગી સર્જાવવાની સંભાવના નહીંવત જણાય છે. ઉત્તર ગુજરાતમાં હજુ સરેરાશ કરતાં ઓછો વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાંથી પાટણ જિલ્લામાં સૌથી ૨૫.૭૮ ઇંચ સાથે સૌથી વધુ ૧૧૦.૮૦% વરસાદ વરસ્યો છે. આ સિવાય મહેસાણામાં ૯૦.૦૧%, સાબરકાંઠામાં ૮૩.૧૫%, બનાસકાંઠામાં ૭૮.૧૩% ગાંધીનગરમાં ૯૩.૨૦%, અરવલ્લીમાં ૭૮.૧૦% વરસાદ વરસી ચૂક્યો છે.
    બનાસકાંઠાના વાવ તાલુકામાં ૭.૬૩ ઇંચ સાથે સૌથી ઓછો ૩૬.૬૯% વરસાદ વરસ્યો છે. અમદાવાદ જિલ્લામાં અત્યાર સુધી ૨૧.૮૧ ઇંચ વરસાદ નોંધાયો છે, જે સરેરાશ ૭૯.૨૧% છે. અમદાવાદ જિલ્લામાંથી ધંધુકામાં સૌથી વધુ ૯૨.૬૯%, અમદાવાદ શહેરમાં ૨૮.૪૬ ઇંચ સાથે ૯૦.૬૨% વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં ૩૦ વર્ષની સરેરાશ ૨૬.૬૩ ઇંચ છે જેની સરખામણીએ આ વખતે ૩૫.૯૪ ઇંચ સાથે મોસમનો૧૩૪.૮૧% વરસાદ નોંધાઇ ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં આ વખતે ૫૧.૩૭ ઇંચ વરસાદ પડયો છે.