ગુજરાતમાં હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓના નગારા વાગવા લાગ્યા છે

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે, ત્યારે કોંગ્રેસ અને ભાજપમાં તડામાર તૈયારીઓ થવા લાગી છે. રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હોય કે પછી વિધાનસભા-લોકસભાની ચૂંટણી હોય, મુખ્ય સ્પર્ધા ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ રહે છે. ગુજરાત રાજ્યની સ્થાપના વર્ષ 1960માં થયા પછી દોઢ દાયકા સુધી રાજ્યમાં કોંગ્રેસનું જ વર્ચસ્વ રહ્યું હતું, તે પછી વર્ષ – 1974-75 માં જનતા મોરચાની સરકાર બની હતી અને તેના મુખ્યમંત્રી બાબુભાઈ જશભાઈ પટેલ હતા. બીજી રીતે જુઓ તો પૂરી બહુમતી હોવા છતાં ગુજરાતની ગાદીએથી અધૂરી મુદતે સારાનરસા કારણોસર અનેક લોકો ફેંકાયા છે કે ફંગોળાયા છે કે શુભ હેતુસર વિદાય થયા છે. ચીમનભાઈ પટેલ સત્તા પર હતા ને મુદત પૂરી થયા પહેલા જિંદગીની મુદત પૂરી થતાં સિંહાસન ખાલી પડ્યું. એટલે કે એમની છેલ્લી ટર્મ અધૂરી રહી.
તો વળી શંકરસિંહ અને દિલીપ પરીખ પણ અધૂરી ટર્મવાળા ગણાય. કેશુભાઈની છેલ્લી ટર્મ પણ સંઘના આદેશથી મોદી આવી જતાં અધૂરી રહી. કેશુબાપાને કચ્છનો ભૂકંપ નડી ગયો. ખુદ મોદીની ગુજરાતના મુખ્યમંત્રી તરીકેની છેલ્લી ટર્મ તેઓ દિલ્હી જતાં અધૂરી રહી. અધૂરી ઈનિંગે જ આનંદીબેન પટેલે પણ મુખ્યમંત્રીપદ છોડવું પડ્યું. અને સૌથી વધુ પંકાયેલા દિગ્ગજ માધવસિંહ સોલંકીએ પણ પૂર્ણ બહુમત હોવા છતાં ગુજરાતની ગાદી છોડીને અમરસિંહ ચૌધરીને સોંપી દેવી પડી હતી. હજુ આમાં કેટલીક રોમાંચક વિગતોનો ઉલ્લેખ આપણે વિષયાંતરના ભયથી બાકી રાખીએ છીએ.
વર્ષ 1980 પછી ફરી કોંગ્રેસનો જ દબદબો રહ્યો હતો, પરંતુ વર્ષ – 1995 પછી ફરી પાસુ પલટાયુ અને લગભગ અઢી દાયકાથી ભાજપનું ગુજરાતમાં શાસન ચાલી રહ્યું છે. એ દરમિયાન શંકરસિંહ વાઘેલા, દિલીપભાઈ પરીખ, છબીલદાસ મહેતા જેવા અલ્પજીવી અપવાદોને બાદ કરતા ભાજપનો દબદબો રહ્યો હતો અને સુરેશ મહેતા, કેશુભાઈ પટેલ પછી નરેન્દ્ર મોદી સીએમ બન્યા હતા. ગુજરાતની ગાદીનો ઈતિહાસ જય સોમનાથ અને પાટણની પ્રભુતાથી છલકતો છે અને કનૈયાલાલ મુનશીએ એ બહુ જ રસપ્રદ રીતે આલેખેલો છે. પરંતુ ગુજરાતની ગાદી અસામાન્ય છે એમાં બે મત નથી.
આઝાદી પછી ગુજરાતમાં ત્રીજા પક્ષના ઘણા પ્રયોગો થયા હતા. કિમલોપ નામની રાજકીય પાર્ટી, જનતાદળ ( ગુજરાત), કેશુભાઈ પટેલે ભાજપમાં બળવો કર્યા પછી શરૂ કરેલી જીપીપી પાર્ટી, તે પહેલા શંકરસિંહ વાઘેલાએ બળવો કરીને રચેલી રાષ્ટ્રીય જનતા પાર્ટી (રાજપા) સહિતના ઘણા પ્રયોગો થયા, પરંતુ અલ્પજીવી નિવડ્યા. તે ઉપરાંત દરેક ચૂંટણીમાં એનસીપી, સમાજવાદી પાર્ટી, બસપા વગેરે રાજકીય પક્ષો અને હવે આમ આદમી પાર્ટી પણ ઉમેદવારો ઊભા કરવા લાગી છે, પરંતુ હજુ સુધી કોઈને નોંધપાત્ર સફળતા મળી નથી. જે ઉમેદવારો જીતે છે, તેઓ જો ભાજપ કે કોંગ્રેસના ન હોય તો અપક્ષ કે અન્ય કોઈ પાર્ટીના ઉમેદવારો તરીકે પોતાની વ્યક્તિગત ઈમેજ અને તાકાતના આધારે જ જીત્યા હોય છે.
હવે આમ આદમી પાર્ટી ઉપરાંત અસરૃદ્દીન ઓવૈસીની પાર્ટી તથા બીટીપી ( એટલે કે ભારતીય ટ્રાઈબલ પાર્ટી જેની સ્થાપના છોટુભાઈ વસાવાએ ઈ. સ. 2017 માં કરેલી છે ) નું પણ ગઠબંધન થયું છે. આથી હવે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી, બીટીપી અને ઓવૈસીની પાર્ટી વચ્ચે સ્પર્ધા થશે તે ઉપરાંત સપા-બસપા અને અન્ય નાના મોટા પક્ષો તથા સ્વબળે જીતી શકે તેવા અપક્ષો પણ ચૂંટણીઓમાં ઝંપલાવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ
બીટીપી અને ઓવૈસી પાર્ટી ઓલ ઈન્ડિયા મજલીસ-એ-ઈત્તેહદુલ મુસ્લિમિન ભાજપની ’બી’ ટીમ તરીકે મેદાનમાં ઉતરશે અને ભાજપ અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં જીતી શકે તેમ નહીં હોવાથી તેઓને મેદાનમાં ઉતારશે, તેવા થઈ રહેલા આક્ષેપોનો જવાબ આપતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હમણાં જ એમ કહ્યું કે, કોંગ્રેસની હાલત એવી કફોડી છે કે ક્યારેક દયા આવે છે અને હસવું પણ આવે છે. કોંગ્રેસે મત મેળવવા જે-જે નુસખાઓ કર્યા, તેના કારણે જ કોંગ્રેસ ભાંગી પડી છે. કોંગ્રેસની વોટબેંક હવે કદાચ ઓવૈસીની પાર્ટી એઆઈએમઆઈએસ તરફ વળી ગઈ હોવાની આશંકાથી કોંગ્રેસ દ્ધિધામાં ફસાણી છે. રૂપાણીના આ નિવેદનનો પણ કોંગી નેતાઓ આકરો જવાબ હવે આપશે અને આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે ગુજરાતની જનતા અટવાતી રહેવાની છે. હવે આ બધું પંચાયતો-નગરપાલિકા-મહાનગરપાલિકાઓની ચૂંટણી સુધી ચાલતું જ રહેવાનું છે.બીટીપીના બે ધારાસભ્યોએ આ પહેલા પણ રાજ્યસભાની ચૂંટણી સમયે ભાજપને ફાયદો થાય તેવું વલણ લીધું હતું અને ઓવૈસીએ બિહારમાં મહાગઠબંધનના મતો કાપીને એનડીએને પરોક્ષ મદદ કરી હતી. હવે કદાચ ગુજરાતમાં પણ ભાજપને મદદ કરવા માટે આ ગઠબંધન રચાયું હોવાની અટકળો થઈ રહી છે, પરંતુ સિક્કાની બીજી બાજુ પણ છે. સીધી દૃષ્ટિએ તો બીટીપી અને ઓવૈસીનું ગઠબંધન કોંગ્રેસના મતો કાપે તેથી ભાજપનો ફાયદો થાય તેવું દેખાય, પરંતુ પ્રવર્તમાન સંજોગોમાં આ ગણિત ઊંધુ પણ પડી શકે છે. ગ્રેટર હૈદરાબાદમાં જે રીતે ભાજપે નગર નિગમની ચૂંટણીમાં ફાઈટ આપી, તે પછી કદાચ તેનો રાજકીય બદલો લેવા ઓવૈસીની પાર્ટીએ ગુજરાતમાં ગઠબંધન બનાવ્યું હોય અને હકીકતમાં ભાજપના ઉમેદવારોને હરાવવાની ગણત્રી હોય તેવું પણ બની શકે છે, બીટીપી-ઓવૈસીના ગઠબંધન સાથે કોંગ્રેસ ચૂંટણી સમજૂતિ કરે તેવી શક્યતાઓ છે, પરંતુ ભાજપ કે કોંગ્રેસ બંને પક્ષોને આ પ્રકારની સમજૂતિ પછી આંતરિક બળવાનો ખતરો પણ રહેતો હોવાથી હવે ચૂંટણી નજીક આવે, ત્યારે જ સ્થિતિ સ્પષ્ટ થઈ શકે છે.