ધોરણ ૧૨ની પરીક્ષાને લઈને શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું કે, સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી ઉચ્ચસ્તરીય મીટિંગમાં નક્કી થયું છે કે ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ ૧૨ની પરીક્ષાઓ હાલની પધ્ધતિ પ્રમાણે લેવામાં આવશે. વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહની પરીક્ષાઓ ૧-૭-૨૧ ગુરુવારથી ચાલુ થશે. સમગ્ર રાજ્યમાં ૧ લાખ ૪૦ હજાર વિદ્યાર્થીઓ વિજ્ઞાન પ્રવાહમાં, ૫.૪૩ લાખ વિદ્યાર્થીઓ સામાન્ય પ્રવાહમાં એમ કુલ ૬.૮૩ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ભાગ લેશે.
વિજ્ઞાનપ્રવાહ ભાગ ૧ ૫૦ ગુણની બહુવિકલ્પ MCQ પદ્ધતિ અને ભાગ ૨ ગુણાત્મક ૫૦ ગુણની ૩ કલાકની પરીક્ષા રહેશે. આ જ રીતે સામાન્ય પ્રવાહની ૧૦૦ ગુણની વર્ણનાત્મક પરીક્ષા લેખિત અભ્યાસક્રમની ૩ કલાકની રહેશે. સંપુર્ણ SOP નું પાલન કરવામાં આવશે તે પ્રમાણે કડક સૂચના આપી છે. સરકાર વિદ્યાર્થીનું સ્વાસ્થ્ય, ભાવિ અને કેરિયર ત્રણેયનું ધ્યાન રાખે એવી સૂચના સીએમ રૂપાણીએ આપી છે.
SOP પ્રમાણે પરીક્ષાખંડમાં ૨૦ વિદ્યાર્થીઓ બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. હાલની વ્યવસ્થામાં પરીક્ષા કેન્દ્રો અને પરીક્ષા ખંડોમાં જરૂરી વધારો કરવામાં આવશે. વિદ્યાર્થીને પોતાના નિવાસસ્થાનની નજીકમાં નજીક તાલુકા મથકે પરીક્ષા કેન્દ્ર મળી રહે તેવી સૂચના સીએમ રૂપાણીએ આપી છે. કોરોનામાં કોઈપણ કારણોસર વિદ્યાર્થી ગેરહાજર રહેશે તો ૨૫ દિવસ બાદ સમયપત્રક અને નવા પ્રશ્ર્નપત્ર આધારે પરીક્ષાની તક આપવામાં આવશે.
ધોરણ ૧૦ના રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે. આ ઉપરાંત ધોરણ ૧૦ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ પરીક્ષા ફી પરત આપવાના પ્રશ્ર્નને લઈને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહૃાું કે, આ મામલે વાલીઓ અને સંચાલકો સાથે બેઠક કરવામાં આવશે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સામાન્ય રીતે લેવાતી પરીક્ષાની રીતે પરીક્ષા લેવા જાય તો ત્રણ કલાકનો સમય જોઈએ. જોકે વૈકલ્પિક અને ટૂંકા પ્રશ્ર્નોના પરીક્ષા પદ્ધતિમાં ૯૦ મિનિટમાં પરીક્ષા આપવાની રહે છે. કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારને બંને વિકલ્પોમાંથી એક વિકલ્પ પસંદ કરવાનું કહેવામાં આવ્યું છે. જોકે કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્યનો શિક્ષણ વિભાગ વિકલ્પ પસંદ કરશે.