ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર નરેશ કનોડિયા પંચમહાભૂતમાં વિલિન

  • ઢોલિવૂડના મહાનાયકની વિદાય, નરેશ કનોડિયાનું ૭૭ વર્ષની વયે કોરોનાથી નિધન
  • છેલ્લા બે દિવસમાં ‘મહેશ-નરેશ બંધુ બેલડી ખંડિત

 

ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર રહી ચૂકેલા અને પૂર્વ ધારાસભ્ય એવા નરેશ કનોડિયા કોરોનાને કારણે સારવાર દરમિયાન મોત થયું હતુ. મોટાભાઈ મહેશ કનોડિયાના નિધનના ત્રીજા દિવસે નાનાભાઈ નરેશ કનોડિયાનું પણ નિધન થયું હતુ. નરેશ કનોડિયાના પાર્થિવદેહના ગાંધીનગર સ્મશાનગૃહ ખાતે અંતિમ સંસ્કાર કરાયા હતા.

થોડા દિવસ પહેલા જ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતાં જે બાદ તેમને અમદાવાદની યુએન હોસ્પિટલમાં દાખલ કરાયાં હતાં જ્યાં તેમને અંતિમ શ્વાસ લીધા છે.

ગુજરાતી ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાએ ૭૭ વર્ષીય ઉંમરે અંતિમ શ્વાસ લેતા છેલ્લા ૨ દિવસમાં ‘મહેશ-નરેશ બંધુ બેલડી ખંડિત થઈ છે. તમને જણાવીએ કે રવિવારે નરેશ કનોડિયાના ભાઈ મહેશ કનોડિયાનું નિધન થયું હતું,

જો કે સારવાર દરમિયાન તેમની તબિયત લથડી હતી અને તેમના દિકરા તથા ગુજરાતી ફિલ્મ અભિનેતા હિતુ કનોડિયાએ પણ તેમના ચાહકોને તેમના સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. પહેલા મોટાભાઈ મહેશ કનોડિયા અને આજે નરેશ કનોડિયાનું કોરોનાની સારવાર દરમ્યાન હોસ્પિટલમા નિધન થયું છે.

ઉલ્લેખનીય છે કે ૨૦ ઓક્ટોબરે નરેશ કનોડિયાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેમને સારવાર અર્થે અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

૨૨ ઓક્ટોબરે યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી નરેશ કનોડિયાની એક તસવીર સામે આવી હતી, જેમાં તેઓ બેડ પર ઓક્સિજન માસ્ક સાથે સારવાર લેતા જોવા મળ્યા હતા.

આ પહેલા દેશ અને ગુજરાતમાં કોરોના વાઇરસનો પ્રથમ કેસ સામે આવ્યો ત્યારે નરેશ કનોડિયાએ ઢોલ વગાડીને ‘ભાગ કોરોના ભાગ, ભાગ કોરોના ભાગપતારો બાપ ભગાડે ગીત ગાઇને લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષિત કર્યું હતું.

નરેશ કનોડિયાનો જન્મ ૨૦ ઓગસ્ટ ૧૯૪૩ના રોજ મોઢેરાથી નજીક આવેલા મહેસાણા જિલ્લાના કનોડા ગામમાં થયો છે. નરેશ કનોડિયાએ ફિલ્મ ‘વેલીને આવ્યા ફૂલથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. નરેશ કનોડિયાએ અનેક હિટ ગુજરાતી ફિલ્મ આપી છે. નરેશ તથા ગુજરાતી એક્ટ્રેસ સ્નેહલતાની જોડી હતી, જેમણે અનેક હિટ ગુજરાતી ફિલ્મમાં સાથે કામ કર્યું છે. નરેશ કનોડિયાએ રીમા સાથે લગ્ન કર્યાં હતા.

નરેશ કનોડિયાએ અત્યાર સુધીમાં ૧૨૫થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ હતુ. તેમણે હિરણને કાંઠે, મેરુ માલણ, ઢોલામારુ, મોતી વેરાણા ચોકમા, પાલવડે બાંધી પ્રીત, પરદેશી મણિયારો, વણઝારી વાવ, તમે રે ચંપો ને અમે કેળ, જોડે રહેજો રાદ, પારસ પદમણી, કાળજાનો કટકો, બેની હું તો બાર વરસે આવીયો, વટ, વચન ને વેર, લાડી લાખની સાયબો સવા લાખનો જેવી અનેક સફળ ફિલ્મો આપી.

નરેશ કનોડિયાને દાદાસાહેબ ફાળકે એકેડમી એવોર્ડ પણ મળેલો છે. ૨૦૧૨માં ભારતીય સિનેમા જગતને સો વર્ષ પૂર્ણ થવાની ખુશાલીમાં મુંબઈ ખાતે યોજાયેલ એક સમારંભમાં દિલીપકુમાર, અમિતાભ બચ્ચન, સાયરાબાનું અને વિનોદ ખન્ના જેવા ભારતીય સીને જગતના મહારથીઓની સાથે ગુજરાતી ફિલ્મ જગતમાં નરેશ કનોડિયાના અનન્ય પ્રદાન બદલ તેમને આ એવોર્ડ આપવામાં આવેલ છે.

ગુજરાતીઓનું હ્રદય જીતનાર સદાબહાર અભિનેતાની ખોટ હંમેશા રહેશે: રૂપાણી

સીએમ વિજય રુપાણીએ સદ્દગતને શ્રદ્ધાંજલિ પાઠવતા જણાવ્યું હતું કે તેમણે ગુજરાતી ફિલ્મોમાં આપેલું યોગદાન સદાકાળ અવિસ્મરણીય બની રહેશે. રુપાણીએ દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી તેમના પરિવારજનોને પણ દિલસોજી પાઠવી હતી.

વડાપ્રધાને નરેશ કનોડિયાના નિધન પર દુ:ખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી

ગુજરાતના લોકલાડીલા વડાપ્રધાન મોદીએ નરેશ કનોડિયાને ટ્વિટ કરીને પાઠવી શ્રદ્ધાંજલિ આપી હતી. પીએમ મોદીએ ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે જણાવ્યું કે, ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર અને ભૂતપૂર્વ ધારાસભ્ય શ્રી નરેશ કનોડિયાના અવસાનથી વ્યથિત છું. મનોરંજન તથા સમાજસેવાના ક્ષેત્રે એમનું યોગદાન હંમેશા યાદ રહેશે. શોકગ્રસ્ત પરિવાર અને એમના વિશાળ ચાહકવર્ગને સાંત્વનાપઓમ શાંતિ !!

નરેશ કનોડિયાજીના નિધનથી ખૂબ જ દુ:ખ લાગ્યુ: અમિત ચાવડા

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતી ફિલ્મોના સુપરનાયક નરેશ કનોડિયાને ટ્વિટ કરીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. તેમણે જણાવ્યું હતું કે, ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ અભિનેતા, ગીત-સંગીતના પ્રસિદ્ધ કલાકાર અને પૂર્વ ધારાસભ્ય, સુપરસ્ટાર શ્રી નરેશ કુમાર કનોડિયાજીનું નિધનના અહેવાલ ખુબ જ દુ:ખદ છે. ભગવાન તેમની આત્માને શાંતિ અને તેમના પરિવારજનોને આ દુ:ખ સહન કરવાની શક્તિ આપે.

બીજા નરેશ કનોડિયા પેદા નહીં થાય: ફિરોઝ ઈરાની

નરેશ કનોડિયાની અનેક ફિલ્મોમાં ખલનાયકની ભૂમિકા ભજવનાર ફિરોઝ ઈરાનીએ કહૃાું કે એ ગયા એવું લાગે છે જાણે મારા મોટાભાઈ જતા રહૃાા. ફિલ્મોમાં અમે એકબીજાના દુશ્મન હતા પણ આમ અમે બોવ સારા દૃોસ્ત હતા. ભાઈ જેવા રિલેશન હતા હવે બીજા નરેશ કનોડિયા પેદા નહીં થાય. ભગવાન એમના આત્માને શાંતિ આપે.

એક આખા યુગનો અંત આવ્યો: હિતેન કુમાર

કારકિર્દૃીની પ્રથમ ફિલ્મ નરેશ કનોડિયા સાથે કરનાર સુપર સ્ટાર હિતેન કુમારે કહૃાું કે ઘણા ઓછા વ્યક્તિ એવા હોય કે જેમના જવાથી આપણે કહી શકીએ કે એક આખા યુગનો અંત આવ્યો. છેલ્લા ચાર દાયકાથી આ બંને ભાઈઓએ પોતપોતાના ક્ષેત્રમાં કલાજગત ની ખુબ સેવા કરી છે.

નરેશ કનોડિયાને નીચે મુજબના ગુજરાતી ફિલ્મોના એવોર્ડ પ્રાપ્ત થયેલ

(૧) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ તાનારીરી માટે (૧૯૭૪-૭૫) (સંગીતકાર તરીકે)

(૨) શ્રેષ્ઠ ગુજરાતી અભિનેતા માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (૧૯૮૦-૮૧)

(૩) દ્વિતીય શ્રેષ્ઠ ફિલ્મ માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (૧૯૮૦-૮૧) (નિર્માતા તરીકે)

(૪) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ જોગ સંજોગ માટે (૧૯૮૦-૮૧) (સંગીતકાર તરીકે)

(૫) શ્રેષ્ઠ સંગીત માટેનો એવોર્ડ ફિલ્મ લાજુ લાખણ માટે (૧૯૯૧-૯૨) (સંગીતકાર તરીકે)