આજે સવારથી જેમ જેમ પરિણામો આવતા રહ્યા, તેમ તેમ ભાજપનો વિજયરથ ગતિ પકડતો ગયો. ભાજપને વિક્રમજનક બેઠકો મળી છે, કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે, જ્યારે ગુજરાતમાં શાસન કરવાના આમ આદમી પાર્ટીના સપના પણ અધૂરા રહી ગયા છે.ગઈ કાલે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની મતગણતરી શરૂ થઈ, ત્યારથી જ ભાજપ લીડ લઈ રહ્યું હતું અને છેલ્લા અહેવાલો મળ્યા ત્યારે ભાજપને કુલ જીત મળીને કુલ 156 બેઠકો મળી છે, જે વિક્રમજનક પ્રચંડ ઐતિહાસિક વિજય છે, જ્યારે કોંગ્રેસ બૂરી રીતે ધોવાઈ ગઈ છે, જ્યારે ‘આપ’ના ગુજરાતમાં સરકાર રચવાના સપના પણ અધૂરા રહી ગયા છે. મોદીએ કહ્યું હતું કે ગુજરાતે તો કમાલ કરી છે.
ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપની સ્પષ્ટ બહુમતીની સરકાર બની રહી છે. અમદાવાદની ઘાટલોડિયા સીટ પરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જીતી ગયા છે. આ સિવાય રાજકોટ પશ્ચિમની બેઠક, જે સીટ પરથી નરેન્દ્ર મોદી જીતીને મુખ્યમંત્રી બન્યા હતાં, વિજય રૂપાણી પણ એ જ સીટ પરથી મુખ્યમંત્રી બન્યા હતાં એ સીટના ઉમેદવાર ડો. દર્શિતા શાહ જીતી ગયા છે. દર્શિતા શાહે વિજય રૂપાણીનો રેકોર્ડ તોડીને પ૪,૦૦૦ માર્જિન સાથે જીત મેળવી લીધી છે, જ્યારે ભૂપેન્દ્ર પટેલે પણ ૬૪,૦૦૦ મતના માર્જિનથી જીત મેળવી છે. જીતની ઉજવણી ગાંધીનગર કમલમ્માં થઈ ગઈ હતી જ્યારે આજે સાંજે મોદી પણ દિલ્હી કાર્યાલયમાં આ જીત વધાવવા માટે આવ્યા હતા અને કાર્યકરોને સંબોધન કર્યું હતું. માનવામાં આવે છે કે, 11 કે 12ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શપથવિધિ યોજવામાં આવશે.
ગુજરાત વિધાનસભા ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ચૂંટણીની જાહેરાતની ભારે ઉત્કંઠા જોવા મળી હતી. અંતે ચૂંટણીપંચે ૩ નવેમ્બરે ચૂંટણી જાહેર કરતા આતૂરતાનો અંત આવ્યો હતો. ત્યારપછી ૧ ડિસેમ્બરે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતની ૮૯ સીટ પર જ્યારે પ ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની ૯૩ સીટ પર મતદાન થયું હતું. જેમાં અનુક્રમે ૬૩.૩૧ અને ૬પ.૩૦ ટકા મતદાન થયું હતું. જેનું સરેરાશ મતદાન ૬૪.૩૦ ટકા થાય છે. જે ગઈ ચૂંટણી કરતા ૪ ટકા જેટલું ઓછું છે. જેની સવારના ૮ વાગ્યાથી ૩૭ મતગણતરી કેન્દ્રો પર ૧૮ર સીટની મતગણતરી શરૃ થઈ ગઈ છે. આ ચૂંટણી પરિણામમાં મુખ્યમંત્રી સહિત ર૦ મંત્રીઓ મળીને કુલ ૧૬ર૧ ઉમેદવારનું રાજકીય ભાવિ નક્કી થવા જઈ રહ્યું છે. ટ્રેન્ડમાં ભાજપે ૧પ૦ ની સીટ વટાવી જતા પ્રદેશ કાર્યાલય કમલમ્ પર જીતની ઉજવણી થઈ રહી છે.
ભાજપની સ્પષ્ટ બહુમતી જાહેર થતાં ૧૧ ડિસેમ્બરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શપથવિધિનું આયોજન કરવામાં આવશે, જો કે શક્ય છે કે આ દિવસે માત્ર મુખ્યમંત્રીપદના જ શપથ અપાવવામાં આવશે અને સાથે જ મંત્રીમંડળની શપથવિધિ પણ થઈ શકે છે. નોંધનીય છે કે ૧પ ડિસેમ્બરથી કમુરતાની શરૃઆત થતી હોવાથી એ પહેલા જ ગુજરાત ભાજપ મંત્રીમંડળની શપથવિધિ યોજી દેવામાં આવશે એવું માનવામાં આવે છે. આ શપથવિધિમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ પણ હાજર રહેશે.