ગુજરાત યુનિનું સર્વર ડાઉન થતા ટેકનિકલ ખામીન કારણે વિદ્યાર્થી પરિક્ષા ન આપી શક્યા

ગુજરાત યુનિ.દ્વારા યુજી-પીજીની વિવિધ સેમેસ્ટરની ઓનલાઈન મોડની પરીક્ષાનો ૧૩મીથી પ્રારંભ કરવામા આવ્યો છે.આ વખતની પરીક્ષામાં ૪૮ હજારથી વધુ વિદ્યાર્થીઓ હોવાથી યુનિ. માટે ઓનલાઈન પરીક્ષા લેવી થોડી કપરી થઈ પડી છે. આજે પરીક્ષાના બીજા દિવસે બી.કોમ સેમેસ્ટર ૩ અને ૫ની પરીક્ષામાં ટેકનિકલ ખામીઓ ઉભી થઈ હતી.સર્વર ડાઉન થતા અનેક વિદ્યાર્થીઓ પરીક્ષામાં લોગ ઈન જ ન થઈ શકયા હતા.જેથી ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષાથી બાકાત પણ રહૃાા હતા. યુજી-પીજીના બી.કોમ.-એમ.કોમ,બીબીએ-બીસીએ સહિતના વિવિધ કોર્સમાં સેમેસ્ટર ૩ અને ૫ની જુદી જુદી ૧૭ જેટલી પરીક્ષાઓ ૧૩મીથી ઓનલાઈન મોડમાં શરૃ થઈ છે.૧૯મી સુધી ચાલનારી આ પરીક્ષાઓમાં રોજ પાંચ સ્લોટમાં પરીક્ષા લેવામા આવે છે.

એમસીક્યુ આધારીત ૫૦ માર્કસ માર્કસની એક કલાકની પરીક્ષા લેવામા આવી રહી છે.આ પરીક્ષાઓમાં ૪૮ હજારથી વધુ વિદ્યાર્થીઓ છે ત્યારે વિદ્યાર્થીઓને લોગ-ઈન પાસવર્ડ એલોકેશનથી જ મુશ્કેલી આવી રહી છે. અગાઉ અનેક વિદ્યાર્થીઓને લોગ ઈન પાસવર્ડ મળી શક્યા ન હતા ત્યારે રૃબરૃ બોલાવીને ઘણા વિદ્યાર્થીઓને આપવા પડયા હતા. ત્યારબાદ ૧૧મીએ લેવાયેલી મોક ટ્રાયલ ટેસ્ટમાં ટેકનિકલ ખામીને લીધે ૫ હજાર જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપી શકતા ૧૨મીએ  ફરી લેવી પડી હતી.

મોક ટેસ્ટ બાદ ૧૩મીથી શરૃ થયેલી ફાઈનલ ઓનલાઈન પરીક્ષામાં ગઈકાલ બાદ આજે બીજા દિવસે પણ અનેક છબરડા-ખામીઓની ફરિયાદો ઉઠી હતી.ગઈકાલે એસવાય બી.કોમ ૩ સેમેસ્ટરમાં ઘણા વિદ્યાર્થીઓને આન્સર સબમિશનમાં મુશ્કેલી પડી હતી. આજે સવારના સ્લોટમાં બી.કોમ સેમેસ્ટર-૩ની પરીક્ષામાં સર્વર ડાઉન થતા સમયસર પરીક્ષા શરૃ થઈ શકી ન હતી.મોડી પરીક્ષા શરૃ થતા વિદ્યાર્થીઓને સમય વધુ આપવામા આવ્યો હતો.ત્યારબાદ સાંજે પાંચ વાગે બી.કોમ સેમેસ્ટર-૫ની પરીક્ષામાં પણ સર્વર ડાઉન થતા વિદ્યાર્થીઓ લોગ ઈન કરી શક્યા ન હતા. અનેક ફરિયાદૃો અને હંગામા બાદ યુનિ.દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જાહેરાત કરાઈ હતી.