ગુજરાત યુનિ ઓફલાઈનની સાથે ઓનલાઈન પરીક્ષા લેશે, જીટીયું અવઢવમાં

ગુજરાત યુનિવર્સિટીએ ઓફલાઈન પરીક્ષા મોકૂફ રાખીને વિદ્યાર્થીઓને ઓફલાઈન સાથે ઓનલાઈન પરીક્ષાનો વિકલ્પ પણ આપ્યો છે. કોરોનાની સ્થિતિ ક્યારે સુધરે તે નક્કી ન હોય યુનિવર્સિટી ફરી વખત ઓનલાઈન પરીક્ષા માટે સજ્જ બની છે. જ્યારે જીટીયુએ ઓફલાઈન પરીક્ષા મોકૂફ કર્યા બાદ હજુ સુધી ઓનલાઈન પરીક્ષા અંગે વિચાર્યું નથી. કોરોનાના વધતા સંક્રમણના કારણે મોટાભાગની યુનિવર્સિટીઓ ઓનલાઈનના વિકલ્પ તરફ ઢળવા મજબૂર બની છે. ગુજરાત યુનિવર્સિટીએ બીએસસી, બીએડ, એમએ, એમએસસી, એમકોમના સેમેસ્ટર-૩ અને બીકોમ, બીએ, બીબીએ, બીસીએ સેમેસ્ટર-૫ની ઓફલાઈન પરીક્ષા મોકૂફ જાહેર કરી હતી.

હવે યુનિવર્સિટીએ જે વિદ્યાર્થીઓ ઓનલાઈન પરીક્ષા આપવા માગે છે તેની પાસેથી તા.૧૫ ડિસેમ્બર સુધીમાં પસંદગી આપવા જણાવી દીધું છે. જેને ઓફલાઈન પરીક્ષા આપવી છે તેણે વિકલ્પ આપવાનો રહેશે નહીં. ઓનલાઈન પરીક્ષા એમસીક્યુ સ્વરૂપે લેવાશે. વિકલ્પ પસંદગી માટે વિદ્યાર્થીએ પોતાનો એનરોલમેન્ટ નંબર, મોબાઈલ નંબર તથા ઈ-મેલ દૃાખલ કરવાનો રહેશે. એકવાર પસંદગી આપ્યા બાદ બદલી શકાશે નહીં. પરીક્ષાની તારીખનો કાર્યક્રમ હવે જાહેર કરવામાં આવશે. બાર કાઉન્સિલે ઓનલાઈન પરીક્ષા નહીં લેવા તાકીદ કરી તે સૂચક છે.

બીજી તરફ જીટીયુએ ઓફલાઈન પરીક્ષા મોકૂફ કર્યા પછી ઓનલાઈન વિશે કશું વિચાર્યું નથી. એમસીક્યુમાં અમુક પ્રશ્ર્નો પૂછી શકાતા નથી. મેરિટોરિયસ વિદ્યાર્થીઓની ફરિયાદ છે કે તેમને માર્કમાં નુકસાન જાય છે. ઓનલાઈન પરીક્ષામાં વિદ્યાર્થીનું ઈન્સ્ટ્રુમેન્ટ બગડે તો ફરી ચાન્સ આપવો પડે છે.