ગુનેગાર ગમે તે સમાજનો હોય તેના વિરૂધ્ધ એક સમાન કાર્યવાહી કરવામાં આવેલ છે : શ્રી નિર્લિપ્ત રાય

  • કાઠી ક્ષત્રીય સમાજ ગુજરાતના નામે સોશ્યલ મિડીયામાં વાયરલ મેસેજની મુદાવાઇઝ સ્પષ્ટતા
  • પોલીસે સુર્ય સેનાના કોઇ આગેવાનોને ફરજમાં રૂકાવટની નોટીસો આપી જ નથી : અફવાઓથી દુર રહેવા લોકોને અપીલ

અમરેલી, અમરેલીમાં એસપીશ્રી નિર્લિપ્ત રાયની કચેરી દ્વારા એક યાદીમાં જણાવવામાં આવ્યુ છે કે, તાજેતરમાં પત્રકારશ્રીઓને સંબોધીને એક મેસેજ સોશિયલ મિડીયામાં વાયરલ કરવામાં આવેલ છે, આ મેસેજમાં અમરેલી પોલીસ અધિક્ષકશ્રી દ્વારા કાયદો હાથમાં લેવામાં આવે છે. અને કાયદાને ગૌણ સમજે છે, તેવી રજુઆત કરી, લોકોમાં ગેરસમજ ઉભી થાય, તે માટે હકીકતને વિકૃત રીતે મુદ્દા વાઇઝ રજુ કરવામાં આવેલ છે, જે મુદ્દાઓ અંગેની સ્પષ્ટતા નીચે મુજબ છે.
1 પોલીસનો વિડીયો ઉતારવાના મામલે અશોક બોરીચાના બહેન પર 307 નો ગુનો નોંધીને બાદમાં તે કલમ હટાવીને ચાર્જશીટ કરેલ હોવાના આક્ષેપ છે. આરોપી અશોક જૈતાભાઇ બોરીચા વિરૂધ્ધમાં સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનએ પાર્ટ ગુ.ર.નં. 11193053210037/2021 મુજબનો ગુન્હો રજી. થયેલ છે. આ ગુન્હામાં આરોપી અશોક જૈતાભાઇ બોરીચા વિરૂધ્ધ ઇ.પી.કો. કલમ 307 તથા આર્મ્સ એકટ કલમ 25 (1 – એ), 25 (1 – બી)(એ), 25 (1 – એએ), 25 (1 – બી) (એફ), 27, 29 તથા જી.પી.એકટ કલમ – 135 મુજબની કલમો લગાડવામાં આવેલ હતી. જયારે એલ.સી.બી., એસ.ઓ.જી. તથા સાવરકુંડલા રૂરલ પોલીસ બનાવના સ્થળે હતા. ત્યારે અશોક બોરીચાના બહેન હેમુબેન વા/ઓ દિનેશભાઇ વાસ્તુભાઇ ખાચર દ્વારા પોલીસની કાયદેસરની કાર્યવાહીમાં અડચણ કરવામાં આવેલ હતી. જેથી તેમના વિરૂધ્ધ શરૂઆતથી જ ઇ.પી.કો. કલમ186 એટલે કે પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટની કલમ લગાડવામાં આવેલ હતી. અને ઇ.પી.કો. કલમ 186 મુજબ જ તેમના વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ છે. અને તેઓ જામીન ઉપર મુકત પણ થઇ ગયેલ છે.
2 કાઠી ક્ષત્રિય સમાજને સીધી રીતે ટાર્ગેટ કરીને તેના પોલીસ કર્મચારીઓને લગભગ તમામને હેડ કવાર્ટરમાં બદલી કરી દેવામાં આવી છે. અને કેટલાકને દરિયાકાંઠે ચાંચ બંદર બદલી કરી દેવામાં આવી છે, તેમની સાથે ત્રાસ જનક વર્તન કરવામાં આવી રહયું હોવાના આક્ષેપ કરવામાં આવેલ છે પરંતુ આ આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. કાઠી ક્ષત્રિય સમાજના યોગ્ય લાયકાત ધરાવતાં પોલીસ કર્મચારીઓને એલ.સી.બી., પેરોલ ફર્લો સ્ક્રોડ જેવી મહત્વની શાખાઓમાં તથા જીલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં નિમણુંક કરવામાં આવેલ છે અને હાલ તેઓ આ જગ્યાઓ ઉપર ફરજ બજાવી રહ્યા છે.
3 કાઠી સમાજના એક અગ્રણી દાતાની દિકરી પરનો ખોટો આરોપ ઉભો કરી તેના ચારીત્ર્યને બદનામ કરવા અખબારોમાં નિવેદન આપવામાં આવેલ હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે. જે તદ્દન ખોટા આક્ષેપો છે. પોલીસને આ અંગે અરજી મળેલ હોય, જે અરજી આધારે સ્પેશિયલ ઇન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવેલ, જે તપાસ હાલ શરૂ છે.
4 સેંજળ ગામના કાઠી ક્ષત્રિય જમીનદાર નટુભાઇ ખુમાણ કે જેની ઉપર એક પણ ગુનો ન હોતો, જુદાં – જુદાં પોલીસ સ્ટેશનમાં 20 મિનિટના સમય ગાળામાં તેની સામે 4 ગુનાઓ નોંધાઇ ગયાં અને તેને ગુજસીટોક નામના ગંભીર ગુનામાં ફીટ કરી દેવામાં આવેલ હોવાના આક્ષેપો છે. આરોપી નટુભાઇ સુરીંગભાઇ ખુમાણ વિરૂધ્ધ હથિયાર ધારા સહિત નીચે મુજબના ગુન્હાઓ નોંધાયેલ છે.
(1) વંડા પો.સ્ટે. સેકન્ડ ગુ.ર.નં. 19/2019, આર્મ્સ એકટ કલમ – 25 (1 -બી)(એ) તથા આઇપીસી કલમ – 114 (જેમાં વિદેશી બનાવટની બે પીસ્ટલ સહિત પાંચ ફાયર આર્મ્સ તથા અન્ય પ્રાણધાતક શસ્ત્રો પકડાયેલ હતાં.)
(2) વંડા પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. 19/2019, આઇપીસી કલમ – 384, 506(2), 114 તથા ગુજરાત નાણા ધિરધધાર અધિનિયમ – 2011 ની કલમ – 42(એ), 42(ડી)
(3) સાવરકુંડલા ટાઉન પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં. 78/2019, આઇપીસી કલમ – 384, 120(બી), 504, 506(2), તથા ગુજરાત નાણા ધિરધાર અધિનિયમ – 2011ની કલમ – 42 (એ), 42(ડી)
(5) સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં. 11193053200151/2020 ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ (જી.સી.ટી.ઓ.) એકટ – 2015ની કલમ – 3(1) ની પેટા (1) તથા કલમ – 3 (1) ની પેટા (2) તથા કલમ – 3 (2) તથા કલમ – 3(3) તથા કલમ – 3(4) તથા કલમ – 3(5)
ઉપરોકત ગુન્હાઓમાં યોગ્ય તપાસ થયા બાદ જ આરોપી નટુભાઇ સુરીંગભાઇ ખુમાણની ધરપકડ કરવામાં આવેલ છે. અને તમામ ગુન્હામાં તપાસ દરમ્યાન પુરતા પુરાવાઓ મળી આવતાં, તેમના વિરૂધ્ધ નામ. કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ છે.
5 આ ગુજસીટોકનો ખોટો ઉપયોગ થયાંના સૂર્યસેનાએ જયારે આવેદનપત્ર આપ્યાં, તો તેના આગે વાનોને ફરજમાં રૂકાવટની નોટીસ આપી, ધમકાવવામાં આવ્યાં હોવાના આક્ષેપ છે, પરંતુ રાજય સરકારશ્રી દ્વારા અમલમાં મુકવામાં આવેલ ગુજસીટોકના કાયદામાં જણાવેલ જોગવાઇઓ મુજબ જ આરોપીઓ સામે કાર્યવાહી કરવામાં આવેલ છે. આ કાયદાનો કોઇ દુર ઉપયોગ કરવામાં આવેલ નથી. તેમજ સૂર્યસેનાના કોઇ આગેવાનોને ફરજમાં રૂકાવટની નોટીસો આપી ધમકાવવામાં આવેલ નથી.
6 અમરેલી જીલ્લામાં છેલ્લા બે વરસમાં નોંધાયેેલી 25 થી વધ્ાુ એફ.આઇ.આર. નામ ગુજરાત હાઇકોર્ટ દ્વારા કવોશ/રદ કરેલ છે, તેનો અર્થ આ ફરિયાદો ખોટી રીતે નોંધવામાં આવેલી હોવાનો કરવામાં આવેલ છે. ઉપરોકત ગુન્હાઓમાં પબ્લીકના માણસો દ્વારા જ ફરિયાદો કરવામાં આવેલ હતી. અને પ્રવર્તમાન કાયદાકીય જોગવાઇઓ મુજબ એફ.આઇ.આર. નોંધવામાં આવેલ છે અને બાદમાં ફરિયાદીઓએ નામ.કોર્ટ બહાર આરોપીઓ સાથે સમાધાન કરી લીધ્ોલ હોય તેવા કિસ્સામાં જ નામ.ગુજરાત હાઇકોર્ટ દ્વારા એફઆઇઆર રદ્દ કરવામાં આવેલ છે. તે સિવાય કોઇ એફ.આઇ.આર. રદ થયેલ નથી.
7 લુવારા ગામે જઇ પોલીસે અવાર – નવાર ટીયરગેસના શેલ છોડી ધાક ઉભી કરી, ગામમાં ભય પેદા કરેલ હોવાનો આક્ષેપ છે. આરોપી અશોક જૈતાભાઇ બોરીયા જેના ખુન, ખુનની કોશિશ, બળ જબરીથી નાણાં પડાવી લેવા, હથિયાર ધારા સહિત કુલ 32 જેટલા ગુન્હા નોંધાયેલ છે, તેમાંથી 18 ગુન્હાઓમાં તે વોન્ટેડ હતો. તેને નામ કોર્ટ દ્વારા ભાગેડુ જાહેર કરી, તેની મિલકત જપ્તીની કાર્યવાહી પણ કરવામાં આવેલ હતી. મજકુર આરોપી લુવારા ગામમાં છુપાયેલ હોવાની બાતમી આધારે પોલીસ દ્વારા ઘણી વાર લુવારા ગામે કોમ્બીંગ કરવામાં આવેલ હતું. પોલસની આ કાર્યવાહીથી નારાજ થઇ, અસામાજીક તત્વો દ્વારા ખોટા આક્ષેપો કરવામાં આવેલ છે.
8 લુવારા ગામના સરપંચના પતિ જગુભાઇ ઉપર 307નો ગુનો નોંધવાામાં આવ્યો છે, જે સંદતર ખોટો હોવાના આક્ષેપ કરવામાં આવેલ છે. આ ગુનામાં ભોગબનનાર દ્વારા ફરિયાદ કરવામાં આવતાં, પોલીસ દ્વારા ગુન્હો નોંધી, તપાસ હાથ ધરવામાં આવેલ હતી.
9 રાજુલાના એક શિક્ષક આગેવાન જેણે નાણાંની ધીરધાર કરી હશે, તો તેની સામે ઘણા ગુનાઓ ઉભાં કરી, તેને હેરાન કરવામાં આવેલ હોવાનો આક્ષેપ કરવામાં આવેલ છે. જેની સત્ય હકીકત એવી છે કે, અમરેલી જીલ્લામાં બાલાની વાવ ગામે પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતાં ભાભલુભાઇ નાગભાઇ વરૂ, રહે.રાજુલાનાઓએ અપ્રમાણસર રીતે, ગેરકાયદેસરની રીતરસમોથી કરોડો રૂપીયાની જમીનો, મિલ્કતો અને સાધનો પોતાની તેમજ પોતાના પરિવાજનોના નામે ખરીદ કરેલ હતી, જે અંગેની પ્રાથમિક તપાસ બાદ ભાભલુભાઇ નાગભાઇ વરૂ પાસે રાજયસેવક તરીકેની કાયદેસરની આવકના સ્ત્રોત કરતાં 147.08 ટકા અપ્રમાણસર મિલ્કત હોવાનું જણાઇ આવતાં, તેમની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ 1988 (સુધારા સને-2018)ની કલમ-13(1)(બી)તથા 13(2) મુજબનો ગુનો અમરેલી એ.સી.બી. પો.સ્ટે. માં રજી. થયેલ છે. જેઓની વ્યાજખોરીના કારણે હિતેષકુમાર વ્રજલાલ ગોરડીયા નામના એક નિર્દોષ વ્યક્તિએ આત્મહત્યા કરી લેતા, આ અંગે રાજકોટ શહેરમાં ગુન્હો પણ દાખલ થયેલ છે.
10 કોઇ સમાજ ગુનેગાર હોતો નથી. જે ગુન્હો કરે તેને સજા થાય, તેમ કાઠી ક્ષત્રિય સમાજ ઇચ્છે છે. તેને બચાવવા કોઇ પ્રયત્ન કરતા નથી, પણ આખા સમાજને ગુનેગાર તરીકે જોવાની દ્રષ્ટિને સ્વિકારી શકાય નહી. ગુન્હાહિત પ્રવૃતિને કાયદા થી ડામી શકાય. પણ કાયદો હાથમાં લઇ થતી પ્રવૃત્તિ વખોડવા પાત્ર હોવાનું મેસેજમાં જાણાવેલ છે. અમરેલી પોલીસ દ્વારા કાઠી ક્ષત્રિય સમાજને ગુન્હેગાર તરીકે જોવામાં આવતો નથી. પરંતુ ગુન્હેગારો પ્રત્યે કડક કાર્યવાહી કરવાના કારણે અને ગુન્હેગારો પ્રત્યે કરેલ કામગીરી અંગે લોકોમાં ગેરસમજ ઉભી કરી, સોશિયલ મિડીયા મારફતે પોલીસ દ્વારા આખા સમાજ પ્રત્યે રાગદ્વેષ રખાતો હોવાનો ભ્રામક પ્રચાર કરવામાં આવેલ છે. જે હકીકત સત્ય નથી. ગુન્હેગાર ગમે તે સમાજનો હોય, તેના વિરૂધ્ધ કાયદાકીય જોગવાઇઓ મુજબ એક સમાન કાર્યવાહી કરવામાં આવેેલ છે.
કાઠી ક્ષત્રિય સમાજ-ગુજરાતના નામે સોશિયલ મિડીયામાં વાયરલ કરવામાં આવેલ ઉપરોક્ત મેસેજ અંગે ગેરસમજ નહીં રાખવા અને અફવાઓથી દુર રહેવા લોકોને અપીલ કરવામાં આવે છે તેમ અંતમાં અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા જણાવ્યુ છે.