ગેરમાર્ગે દોરાયેલા ખેડૂતોના આંદોલન વચ્ચે હૈદ્રાબાદમાં ભાજપે ડંકો વગાડ્યો

એક તરફ ખેડૂતોના આંદોલનના સમાચારો દેશમાં ચર્ચામાં છે ત્યારે ભાજપે હૈદ્રાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામોમાં બીજા નંબરે આવીને ડંકો લગાડયો છે. ખેડૂતોને કોર્પોરેટ બજાર મળે અને તેમની ખેતપેદાશ બજારમાં ઊંચા ભાવે વેચાય એ માટે મોદી સરકારે કરેલી મહેનત હજુ કોઈ સમજવા તૈયાર નથી. કેન્દ્ર સરકારે ખાનગી મંડીઓને મંજુરી આપવાની દિશામાં સક્રિયતા દાખવી છે. જેથી ખેત ઉત્પન્ન બજારોમાં દલાલો રિંગ બનાવીને ભાવ અંકુશમાં ન રાખી શકે અને કિસાનોને વેચાણ માટે પૂરતા વિકલ્પો મળી રહે. પરંતુ વિરોધ પક્ષોની વ્યર્થ અને નાસમજ ઉશ્કેરણીથી કિસાન આંદોલનને ભડકાવવામાં આવી રહ્યું છે. કેન્દ્રના તમામ ઉચ્ચસ્તરના પ્રધાનો અત્યારે કિસાનોને વાસ્તવિકતા સમજાવવાની કોશિશ કરી રહ્યા છે. પાટનગરના વર્તુળો પણ એવો અણસાર આપે છે કે આજકાલમાં કિસાનો અને સરકાર વચ્ચેની વાટાઘાટોમાંથી સમાધાનકારી ઉકેલ આવી જશે.

ગઈકાલે સૌની નજર હૈદ્રાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામો પર હતી. એનું કારણ એ હતું કે, આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે લોકસભાની ચૂંટણીની જેમ પ્રચાર કર્યો હતો. હૈદ્રાબાદમાં ભાજપની મહેનત દાદ દેવાને પાત્ર હતી. ભાજપના દિગ્ગજ નેતાઓ ચૂંટણી પ્રચારમાં જોડાયા હતાં. સામાન્ય રીતે મહાનગરપાલિકા – પંચાયતો કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ જોડાતા હોતા નથી. ઘણી વખત તો આ ચૂંટણીઓમાં પ્રાદેશિક કક્ષાના નેતાઓ પણ થોડાઘણાં પ્રમાણમાં જ પ્રચાર કરતા હોય છે, પરંતુ હૈદ્રાબાદ મ્યુનિ. કોર્પોરેશન એટલે કે, ગ્રેટર હૈદ્રાબાદ નગર નિગમની ચૂંટણીમાં આ વખતે ભાજપે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓને પ્રચારમાં ઉતાર્યા પછી અન્ય રાજકીય પક્ષોના મોટા નેતાઓએ પણ ચૂંટણી પ્રચારમાં ઝંપલાવવું પડ્યું હતું. પરંતુ કોંગ્રેસ દ્વારા તો મોટાભાગે પ્રાદેશિક કક્ષાના નેતાઓએ જ પ્રચાર કાર્ય કર્યું હતું.

આ ચૂંટણીમાં ભારતીય જનતા પક્ષે જોર લગાવ્યું તેનું ખાસ કારણ પણ છે. અત્યારે દક્ષિણ ભારતમાં કર્ણાટક સિવાય અન્ય રાજ્યોમાં ભાજપની હાજરી નહિવત છે અને ત્યાં ભાજપનું નેટવર્ક પૂરેપૂરું પહોંચ્યું ન હતું. પરંતુ છેલ્લા એક વર્ષથી ભાજપે કાર્યકરોના સ્તરે કોઈ પણ ચૂંટણીને ધ્યાનમાં રાખ્યા વગર માત્ર સંગઠનને મજબૂત બનાવવા માટે જ કામ કર્યું છે. એને કારણે દક્ષિણના રાજ્યોમાં હવે ભાજપ બધે પોતાની હાજરીની નોંધ લેવડાવવા સક્ષમ બન્યું છે. ભાજપે હવે દક્ષિણ ભારતમાં પગપેસારો કરવાની સાવ નવી અને પ્રભાવક રણનીતિ ઘડી છે અને દક્ષિણ ભારતના રાજ્યોમાં ભારતીય જનતા પક્ષનું નેટવર્ક સંગઠનાત્મક ધોરણે વિસ્તાર્યુ છે. ભાજપે એક નવું જ પક્ષીય વ્યવસ્થાતંત્ર વિકસાવ્યું છે. હવે આ નેટવર્કના આધારે ચૂંટણીઓ જીતવાનો પ્રારંભ હૈદ્રાબાદથી થયો છે.

ગ્રેટર હૈદ્રાબાદ નગર નિગમનો વિસ્તાર એવડો મોટો છે કે તેમાં લોકસભાની પાંચ બેઠકનો સમાવેશ થાય છે. અસદુદ્દીન ઓવૈસી પણ ત્યાંથી જ લોકસભા માટે ચૂંટાયા છે. આ વિસ્તારોમાં જ તેલંગણા વિધાનસભાની ર૪ બેઠકો છે. આ કારણે આ નિગમમાં રાજકીય હાજરી વધારીને ભાજપે તેલંગણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખરની પાર્ટી ટીઆરએસના ગઢમાં પણ ગાબડું પાડ્યું છે, પરંતુ વધુ રાજકીય નુકસાન એઆઈએમઆઈએમને થયું છે. જેના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી છે. ટીઆરએસને ગઈ ચૂંટણીમાં 99 બેઠકો મળી હતી. આ વખતે 55 બેઠકો જ મળી છે. જો કે, સૌથી મોટી પાર્ટી બની છે, પરંતુ બહુમતીથી ઘણી દૂર રહી ગઈ છે. ઓવૈસીની પાર્ટી ત્રીજા ક્રમે ધકેલાઈ ગઈ છે, અને તેને માત્ર 43 બેઠકો મળી છે. ભાજપે તેને પાછળ ઠેલી દઈને 49 બેઠકો આંચકીને જીતી લીધી છે. જે ગઈ ચૂંટણીમાં માત્ર ચાર બેઠક જ હતી. કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી છે.

ભારતીય જનતા પક્ષે પોતાની તમામ તાકાત કામે લગાડી અને આ વખતે હૈદ્રાબાદ નગર નિગમમાં ભાજપના જ મેયર હશે, તેવો પ્રચંડ આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો, પરંતુ ભાજપનું તે સપનું તો સાકાર થાય તેમ જણાતું નથી. કારણ કે સૌથી મોટી પાર્ટી ટીઆરએસ છે, જયારે ભાજપ સાથે ટીઆરએસ કે ઓવૈસીની પાર્ટી ગઠબંધન કરે તેમ વળી લાગતું નથી. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીન એટલે કે એઆઈએમઆઈએમ પાર્ટીના અધ્યક્ષ ઓવૈસી માટે ટીઆરએસને ટેકો આપવા સિવાય કોઈ વિકલ્પ નથી, પરંતુ ત્યાં આ બન્ને પાર્ટીઓ પણ પ્રતિસ્પર્ધા બની ગઈ છે. હવે ભાજપ તોડફોડ કરાવીને પોતાનો મેયર બનાવે તેવી શક્યતા પણ વ્યક્ત થઈ રહી છે, કારણ કે કોંગ્રેસ-ઓવૈસીની પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવે છે. એટલું જરૃર કહી શકાય કે ભાજપે 4 માંથી 48 બેઠકો સુધીની સફળતા મેળવીને ઈતિહાસ રચ્યો છે.

ભાજપના નેતા ગૌરવ ભાટિયાએ ગ્રેટર હૈદરાબાદ મ્યુનિ. કોર્પોરેશનના પરિણામોમાં ભાજપના પ્રદર્શન પર પ્રશંસા જાહેર કરતાં કહ્યું હતું કે ઇલાકા તેરા ઔર ધમાકા મેરા એને કારણે સનસનાટી મચી જવા પામી હતી. નોંધનીય છે કે આ નિવેદન દ્વારા તેમણે હૈદરાબાદથી સાંસદ અસદુદ્દીન ઓવૈસીની ચેતવણીનો જવાબ આપ્યો હતો, ઓવૈસીએ એક નિવેદનમાં હૈદરાબાદમાં ભાજપને ઘૂસવાને લઈને પડકાર ફેંક્યો હતો. ભાટિયા વળી વટમાં ને વટમાં વધુમાં એમ પણ કહી દીધું હતું કે, દક્ષિણના દરવાજા પણ હવે અમારા માટે ખૂલી રહ્યા છે અને હૈદરાબાદ પણ હવે ભગવા રંગમાં રંગાઈ રહ્યું છે. આ દર્શાવે છે કે અમારા નેતૃત્વ પાર હવે દરેકને ભરોસો છે. ભાટિયાએ કહ્યું હતું કે જો તમે ઝેર ઓકશો તો અમે પણ નીલકંઠ છીએ, બરાબર જવાબ આપીશું અને બતાવીશું કે અમારી વિચારધારામાં કેટલો દમ છે.

ભાજપના અધ્યક્ષે જે, પી. નડ્ડાએ પણ હૈદ્રાબાદના આનંદમાં સહભાગી થવા માટે કાર્યકરોનો ઉત્સાહ વધારતા નિવેદનો કર્યા હતા. તેમણે કહ્યું કે, ચૂંટણી પરિણામ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ અને વહીવટી મોડલને મળેલું સમર્થન દર્શાવે છે. હૈદરાબાદના લોકોએ સ્પષ્ટ કરી દીધું કે 2023માં યોજાનારી તેલંગણા વિધાનસભા ચૂંટણીમાં શું પરિણામ હશે. હું વિશ્વાસની સાથે કહી શકું કે તેલંગણાના લોકોએ ભ્રષ્ટ કેસીઆર સરકારને અલવિદા કહેવાનો નિર્ણય કર્યો છે. હૈદરાબાદની શેરીઓમાં ભાજપના કાર્યકરો અને ચૂંટાયેલા કોર્પોરેટરોના વરઘોડાઓથી વાતાવરણ ગાજી ઉઠ્યું હતું. જો કે બધાએ માસ્ક પહેર્યા હતા.