ગોંડલ-જેતપુર હાઇવે પર ૨ અકસ્માત: કોઈ જાનહાનિ નહીં

ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે. ત્યારે યાર્ડ પાસે ડુંગળી ભરેલું ટ્રેક્ટર વેગનઆર કાર પર પલટી મારી જતાં અકસ્માત થયો હતો. જોકે કારચાલકનો ચમત્કારિક બચાવ થયો હતો. જ્યારે અન્ય અકસ્માતમાં કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માત થતાં કાર સળગી ઊઠી હતી. જોકે કારચાલક સમય સૂચકતાથી બહાર નીકળી જતાં કોઈ જાનહાનિ થઈ ન હતી. ગુંદાળા ચોકડીથી થોડે દૂર કાર અને ટેમ્પો વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. અકસ્માત થતાં જ કાર સળગી ઊઠી હતી અને કારચાલક સમય સૂચકતાથી બહાર નીકળી જતાં તેનો બચાવ થયો હતો. ગોંડલ યાર્ડમાં ડુંગળીની આવકને લઈને વાહનોની લાંબી કતારો હાઇવે પર લાગી રહી છે. ત્યારે ડુંગળી ભરેલો ટેમ્પો લાઈનમાંથી સાઈડમાં બહાર નીકળતાં કાર સાથે અથડાયો હતો અને કારમાં આગ ભભૂકી ઊઠતાં બળીને ખાખ થઈ ગઈ હતી.

જ્યારે ડુંગળી ભરેલું ટ્રેક્ટર કાર પર પલટી મારી જતાં અકસ્માત થયો હતો. જોકે ડ્રાઈવરનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં ગોંડલ ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. ગોંડલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે. ગોંડલ ભરૂડી ટોલ પ્લાઝાથી લઈને પીઠડિયા ટોલ ટેક્સ સુધીની હાઇવે પર લાઈટોના ટાવરો વધુપડતા બંધ હાલતમાં છે. અનેક લોકો એની રજૂઆત પણ કરી ચૂક્યા છે, પણ હાઇવે ઓથોરિટીના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. ગોંડલ માર્કેટયાર્ડમાં કોઈપણ જણસની આવક શરૂ થાય ત્યારે યાર્ડની બહાર વાહનોની કતારો કરી દેવામાં આવે છે, જેના પરિણામે ગુંદાળા ચોકડીથી યાર્ડ પાસેના હાઇવે પર કેટલાંક આડેધડ વાહનો ખડકાઈ જાય છે. પરિણામે, લાંબો ટ્રાફિકજામ, ઇમર્જન્સી વાહનો પણ ફસાઈ રહૃાાં છે. યાર્ડમાં જણસની આવક સમયે ટ્રાફિક-પોલીસ રાખવામાં આવે એવી લોકોમાં માગ ઊઠી છે.