ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ અને સફેદ ડુંગળીની ૧ લાખ કટાની પુષ્કળ આવક

સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટીંગ યાર્ડ ડુંગળીની આવકથી છલકાયું હતું, જ્યાં માર્કેટીંગયાર્ડમાં ગઈકાલ રાતથી કતાર બંધ વાહનોની ૪ થી ૫ કિલોમીટર લાંબી લાઈનો લાગી ગઈ હતી જે રાત્રીના ૧૨ વાગ્યે આવક શરૂ કરતાં અંદૃાજે ૧ લાખ ડુંગળીના કટાની આવક થવા પામી હતી.

ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ડુંગળી ની આવકને પગલે યાર્ડ મુખ્યત્વે લાલ ડુંગળી અને સફેદ ડુંગળીથી યાર્ડ ઉભરાયું હતું, જેમાં લાલ ડુંગળીના ૮૦ થી ૯૦ હજાર કટા તેમજ સફેદ ડુંગળીની ૧૦ થી ૧૨ હજાર કટાની આવક થવા પામી હતી.

ગોંડલ માર્કેટીંગ યાર્ડ ડુંગળીની આવકથી ઉભરાતા હાલ યાર્ડના સત્તાધીશો દ્વારા ડુંગળીની આવક બંધ કરવામાં આવી હતી. લાલ ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૧૦૧ /-થી લઈને ૭૦૦ /- સુધીના હરરાજીમાં બોલાયા હતા. તો બીજી તરફ સફેદ ડુંગળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૧૩૧/- થી લઈને ૩૪૧/- સુધીના બોલાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટયાર્ડમાં સૌરાષ્ટ્ર ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, બિહાર, રાજસ્થાન, દિલ્હી, સહિત ના અલગ અલગ ૧૫થી વધુ રાજ્યના વેપારીઓ ડુંગળીની ખરીદી માટે ગોંડલ માર્કેટયાર્ડ ખાતે આવ્યા છે.