ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર ૭૫ હજાર ગુણોની આવક થઇ

સૌરાષ્ટ્રભરમાં મગફળીની આવકમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની બમ્પર આવક થઈ છે. યાર્ડમાં મગફળીની આવકનો પ્રારંભ કરવામાં આવતા એક જ દિવસમાં મગફળીની ૭૫ હજાર ગુણોની આવક થઈ છે. જેને લઈને માર્કેટ યાર્ડના અનેક શેડ મગફળીથી ભરચક થઈ ગયા છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની અઢળક આવક થતાં માર્કેટ યાર્ડ સતાધીશો દ્વારા મગફળીની આવક હાલ પુરતી બંધ કરવામાં આવી છે.
બીજી તરફ મગફળીની હરરાજીમાં મગફળીના ૨૦ કિલોના ભાવ રૂપિયા ૬૦૦થી લઈને ૧૦૫૧ સુધીનાં બોલાયા હતાં. આ સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડમાં રોજીંદા મગફળીની ૩૦,૦૦૦ ગુણીનું વેચાણ જોવા મળી રહૃાું છે. સૌરાષ્ટ્રભરમાં આ વર્ષે ઘણા વિસ્તારોમાં સતત પડી રહેલા વરસાદને કારણે મગફળીનો પાક નિષ્ફળ ગયો છે. તેમ છતાં ગોંડલ માર્કેટ યાર્ડમાં મગફળીની અઢળક આવક જોવા મળી છે.
ગોંડલ માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણ ભેજવાળી મગફળીની આવક જોવા મળી છે. જેથી માર્કેટ યાર્ડના સતાધીશોને પણ યાર્ડમાં મગફળી સૂકવીને લાવવા માટે ખેડૂતોને અપીલ કરી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં સતત પડેલા વરસાદને કારણે વ્યાપક પ્રમાણમાં મગફળીનો પાક પલળી ગયો હોવાથી માર્કેટ યાર્ડમાં સારી ગુણવત્તાની મગફળીની આવકો જોવા મળતી નથી. ત્યારે ખેડૂતોને ન છૂટકે પશુઓનો ઘાસચારો ગુમાવ્યાની સાથે પલળેલ મગફળીનું વેચાણ કરવાની ફરજ પડી છે.