ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો અંતે જાહેર થઈ ગઈ. લાંબા સમયથી ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની રાહ જોવાતી હતી ને જાત જાતના પતંગો પણ ચગ્યા કરતા હતા. મીડિયા પોતાની રીતે કઈ તારીખે મતદાન થશે ને કેટલા તબક્કામાં મતદાન થશે તેની અટકળો લગાવ્યા કરતું હતું, પણ એ બધી વાતો ભરોસાપાત્ર નહોતી. ચૂંટણીપંચે આ બધી અટકળોનો અંત લાવીને ગુરૂવારે બપોરે ૧૨ વાગ્યે પ્રેસ-કોન્ફરન્સ કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી નાખી ચૂંટણી પંચે કરેલી જાહેરાત પ્રમાણે છેલ્લી કેટલીક ચૂંટણીઓમાં થાય છે તેમ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહેલા તબક્કાનું મતદાન નવા મહિનાના પહેલા દિને એટલે કે ૧ ડિસેમ્બરે થશે જ્યારે પ્રથમ તબક્કાના મતદાનના ચાર દિવસ પછી એટલે કે ૫ ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે.
ચૂંટણીપંચ આ પહેલાં હિમાચલ પ્રદેશમાં મતદાનની તારીખ જાહેર કરી ચૂક્યું છે. આ કાર્યક્રમ પ્રમાણે લગભગ અઠવાડિયા પછી એટલે કે ૧૨ નવેમ્બરે મતદાન થશે જ્યારે ૮ ડિસેમ્બરે પરિણામ જાહેર થશે. હિમાચલ પ્રદેશમાં મતદાન અને મતગણતરી વચ્ચે ૨૬ દિવસનો ગાળો છે. ચૂંટણીપંચે જાહેર કરેલા કાર્યક્રમ પ્રમાણે આ ૨૬ દિવસના ગાળામાં જ ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું મતદાન યોજાશે. હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણીનાં પરિણામ ૮ ડિસેમ્બરે એક જ દિવસે જાહેર થશે.
ચૂંટણીપંચ પાસે હિમાચલ પ્રદેશની મતગણતરી થાય એ પહેલાં એટલે કે ૭ ડિસેમ્બર સુધીમાં ગુજરાતમાં મતદાન પતાવી દેવાનો વિકલ્પ હતો કે જેથી હિમાચલ પ્રદેશનાં પરિણામોની અસર ગુજરાતમાં મતદાન પર ન પડે. આ વિકલ્પ અજમાવીને ચૂંટણીપંચ ગુજરાતમાં મતગણતરી પાછળથી કરાવી શકે તેમ હતું પણ પંચે તેના બદલે સાથે જ મતગણતરી કરાવવાનો વિકલ્પ પસંદ કર્યો છે.
ગુજરાતમાં આમ પણ અત્યારે રાજકીય રીતે ગરમીનો માહોલ છે. મોરબીમાં પુલ તૂટી પડ્યો ને ૧૪૦ લોકોનાં મોત થયાં તેમાં ગરમી વધી છે. હવે ચૂંટણીની તારીખો જાહેર થતાં જ આ ગરમી વધી જશે તેમાં બેમત નથી. હવે ગઈ કાલથી શરૂ કરીને મતગણતરી પતે નહીં ત્યાં સુધી રાજકીય ગરમીનો માહોલ જ રહેશે. છેલ્લા તબક્કાનું મતદાન આવશે ત્યાં લગી તો આ ગરમી ચરમસીમા પર પહોંચી જશે.
ગુજરાતની ચૂંટણી રાજકીય રીતે બહુ મહત્ત્વની છે તેથી આખા દેશની નજર તેના પર છે. આ કારણે પણ ગુજરાતમાં રાજકીય ગરમી વધશે અને તેની અસર આખા દેશ પર પડશે. ગુજરાતની ચૂંટણી નહીં પતે ત્યાં સુધી દેશભરમાં પણ રાજકીય રીતે ગરમીનો પારો ઉપર જ રહેશે. ગુજરાતની ચૂંટણીના કારણે દેશભરમાં રાજકીય ગરમીનો માહોલ રહેશે તેનું એક કારણ એ પણ છે કે, ગુજરાતમાં આ વખતે ત્રિપાંખિયો ચૂંટણીજંગ ખેલાઈ રહ્યો છે. અત્યાર સુધીની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ અને કૉંગ્રેસ વચ્ચે જ મુખ્ય જંગ રહેતો હતો. છેલ્લે ૧૯૯૦માં કૉંગ્રેસ, ભાજપ અને જનતા દળ વચ્ચે ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. હવે ૩૨ વર્ષ પછી ગુજરાતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ છે. ભાજપ અને કૉંગ્રેસ સાથે આમ આદમી પાર્ટી પણ તમામ ૧૮૨ સીટ પરથી ચૂંટણી લડવાની છે. આમ આદમી પાર્ટીની અત્યારે દેશનાં બે રાજ્યોમાં સરકાર છે. આમ આદમી પાર્ટી ભારતમાં સૌથી ઝડપથી ઉભરી રહેલો રાજકીય પક્ષ છે અને ભાજપની જેમ જ આક્રમક પ્રચારમાં માને છે એ જોતાં ગુજરાતના પ્રચારની અસર દેશભરમા વર્તાશે.
ગુજરાતમાં ભાજપ, કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે તો જંગ ખેલાશે જ પણ રાષ્ટ્રીય સ્તરે પણ આ જંગ ખેલાશે તેથી મજા આવશે. અસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમને પણ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નોંધપાત્ર સફળતા મળી હતી. મુસ્લિમ વિસ્તારોમાં ઓવૈસીની પાર્ટી ઘૂસી રહી છે એ જોતાં તેને પણ ધ્યાનમાં લેવી પડે એમ છે તેથી ગુજરાતની ચૂંટણી ભારે રસપ્રદ છે. ભાજપ માટે આ જંગ પ્રતિષ્ઠાનો છે કેમ કે ગુજરાત વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું હોમ સ્ટેટ છે. મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે રાજકીય સત્તાની સફર શરૂ કરી અને દેશના વડા પ્રધાન બન્યા. આ સત્તાની સફર ચાલુ રાખવા મોદીએ ગુજરાતમાં જીતવું જરૂરી છે, ભાજપે સત્તા જાળવવી જરૂરી છે પણ કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટીના આક્રમક પ્રચારના કારણે ભાજપ ભીંસમાં છે.
ભાજપે વિજય રૂપાણીને બદલીને ભૂપેન્દ્ર પટેલને મુખ્યમંત્રી બનાવ્યાને મોદીના માનીતા સી.આર. પાટીલને પ્રદેશ પ્રમુખ બનાવ્યા. પાટીલ અને પટેલના કારણે ભાજપમાં ભારે અસંતોષ છે. ભાજપ સરકાર કામ કરતી નથી એવી પણ ફરિયાદો છે ને તેના કારણે પણ ભાજપ મુશ્કેલીમાં છે. ભાજપ આ પ્રતિકૂળતાઓને ખાળી શકે છે કે નહીં તેની કસોટી છે. ભાજપ ગુજરાતની સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે અને આ વખતે ૧૮૨ બેઠકમાંથી ૧૬૦ પ્લસ બેઠકો જીતવાનો મહત્વાકાંક્ષી ટાર્ગેટ રાખ્યો છે પણ રાજકીય રીતે જે માહોલ છે એ જોતાં ભાજપે સત્તા જાળવી રાખવા પણ ભારે મહેનત કરવી પડશે એવું લાગે છે.
ગુજરાતની આ ચૂંટણી કૉંગ્રેસ માટે અસ્તિત્વનો જંગ છે. ગુજરાતમાં કૉંગ્રેસ ૧૯૮૫ પછી જીતી નથી પણ તેનો દેખાવ એવો પણ નથી કે જેના કારણે કૉંગ્રેસનું અસ્તિત્વ પતી ગયેલું લાગે. બલકે ગુજરાત વિધાનસભાની ૧૮૨ બેઠકોમાંથી ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે માત્ર ૯૯ બેઠકો જીતી હતી જ્યારે કૉંગ્રેસે ભાજપને જોરદાર ટક્કર આપીને ૭૭ બેઠક જીતી હતી. એ પછી ગુજરાતમાં ઘણું બદલાયું છે. ભાજપ ગુજરાતની સત્તા જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે તો કૉંગ્રેસ આ વખતે ભાજપને સત્તા પરથી હટાવવા મથી રહી છે. બંને માટે પ્રતિષ્ઠાનો જંગ છે ને આ બંનેની વચ્ચે આમ આદમી પાર્ટી પણ આ કૂદી છે ને ગુજરાતમાં પોતે નવો વિકલ્પ બની શકે છે એ સાબિત કરવા મથી રહી છે. કેજરીવાલે ગેરંટી કાર્ડના નામે એક પછી એક વાયદા કરીને ભાજપને હરાવવા માટે પૂરી તાકાત લગાવી દીધી છે.ટૂંકમાં મહેનત ત્રણેય કરી રહ્યાં છે ને તેમાંથી કોણ ફાવે છે એ જોવાનું રહે છે.