ઉત્તરાયણ આમ તો ગુજરાતનો તહેવાર છે, એ જ પર્વ પર પંજાબમાં લોહડી અને તમિલનાડુમાં પોંન્ગલની ઉજવણી થાય છે પરંતુ પતંગની ઉપેક્ષા નથી થતી. પતંગ તો ગુજરાતમાંથી વિહરીને દેશ-વિદેશમાં પહોંચી ગઈ છે. ગ્લોબલ ફેસ્ટિવલનું બિરુદ પ્રાપ્ત કરેલ ઉત્તરાયણની ભારતમાં ઉત્સાહભેર ઉજવણી થાય છે. કાઇટ ફેસ્ટિવલ પર યાયાવર પક્ષીઓની જેમ પતંગ સાથે કરતબ કરતા પ્રવાસીઓ આવી ચડે છે અને તેમની જમ્બો પતંગ આભ પર રંગોળી પુરે છે.
આવા ખુશનુમા તહેવાર પર ચાઈનીઝ દોરી યમદૂત બનીને ત્રાટકે છે અને ઉત્તરાયણ પહેલા જ ઘડીના છઠ્ઠા ભાગમાં રાહદારીઓનો જીવ લઈ લે છે. ચીનનો જયારે પણ વિરોધ થાય ત્યારે ચીન નામ સાથે સંબંધિત પ્રત્યેક ચીજો પરત્વે ભારતમાં રોષ ભભૂકતો તો જોવા મળે છતાં આ જ ભારતીયો ઉત્તરાયણમાં તેમની પતંગ ન કપાઈ એ માટે મજબૂત દોરાને ખરીદવાનું પસંદ કરે છે. પછી ભલે એ દોરાથી પક્ષીઓ ઘાયલ થાય, કપાઈ જાય, તરફડતા રસ્તા પર પડ્યા હોય તો પણ પતંગરસિકો તેના પર ધ્યાન ન આપે. હવે એ જ ચાઈનીઝ દોરી લોકોને હણી રહી છે. અલબત્ત આ દોરીનું નિર્માણ ચીનમાં થતું નથી. ચીન સાથે તેનો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી છતાં ઉત્તરાયણ દરમિયાન ચાઈનીઝ દોરી કોઈની જીવાદોરી હરી લે એટલે ચીનને કસૂરવાર ઠેરવવામાં આવે, સરકાર પર દોષારોપણ કરવામાં આવે અને અંતે તો એ જ માંજાનો ઉપયોગ કરવામાં આવે છે જે નિર્દોષોના મોતનું કારણ બને છે. માણસનું ગળું ચીરાઈ જતું હોય ત્યારે પક્ષીઓની કેવી હાલત થતી હશે?
પ્રથમ તો આ ભ્રમનું ખંડન થવું આવશ્યક છે કે ચીનથી દોરાની આયાત કરવામાં આવે છે. ભારતમાં છેલ્લા બે દાયકામાં ઉત્સવોની ઉજવણીમાં જેટ ગતિએ વધારો થયો છે. ગણેશ ચતુર્થીમાં જેટલી મૂર્તિ મુંબઈમાં નિર્માણ પામે છે તેનાથી બમણી તો ગુજરાતમાં જ આકર પામે છે. થર્ટી ફર્સ્ટ તો બ્રિટિશરોનો તહેવાર છે. એ જ બ્રિટિશરો જેમણે ભારતને ગુલામી કાળમાં ધકેલી દીધું છતાં ભારતમાં થર્ટી ફર્સ્ટની ઉજવણી દિવાળીને સમકક્ષ જ થાય છે. એ જ રીતે ઉત્તરાયણને ભારતે અપનાવી લીધું છે. ભારતમાં ૨૦૦૧થી રંગેબેરંગી પતંગની સાથે મજબુત અને ટકાઉ દોરીની માંગ દિલ્હી અને મુંબઈ જેવા મહાનગરોમાંથી ઊઠી. તેને પહોંચી વળવા દિલ્હી, મેરઠ, ગાઝિયાબાદ, બરેલી, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તમિલનાડુંનો શ્રમિક વર્ગ આવી દોરી બનાવના કામે લાગી ગયો.
દોરી બનાવવા માટે કેવા તત્ત્વોનું મિશ્રણ કરવું જેથી હવામાં કોઈ પણ દોરા સાથે તેની બાથ ભીડાય એટલે પેલો દોરો પળવારમાં જ બે કટકામાં વિભાજીત થઈ જાય. તેના માટે દિલ્હીથી એક ગાઈડલાઇન જાહેર કરવામાં આવી. સામાન્યરીતે પતંગ માટેની પરંપરાગત દોરી કપાસમાંથી બને છે. જયારે ચાઈનીઝ દોરીમાં નાયલોન અને મેટાલિક પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો. તેના સ્પર્શથી દોરી પ્લાસ્ટિક જેવી લાગે અને સ્ટ્રેચેબલ પણ બને જ્યારે તેને ખેંચવામાં આવે તો ત્યારે તે તૂટવાને બદલે દોરી ખેંચાય છે પણ તૂટતી નથી. તેને કાપવી પણ કપરી પડે, નાયલોન જેવા દોરા પર કાચ કે લોખંડના કાટથી તેની ધારદાર આવે છે, જેના કારણે આ દોરી કાતિલ બની ગઈ. દિલ્હીમાં તૈયાર થયેલું આ પ્રથમ મોડેલ ભારતભરના વેપારી વર્ગને મોકલવામાં આવ્યું. આવા જોમખી મટિરિયલ સાથે દોરી બનાવવાનું જોખમ કારિગરો શા માટે લેવા તૈયાર થાય?
એ સમયે સામાન્ય દોરી તૈયાર કરવામાં દૈનિક ૧૫૦ રૂપિયા ચૂકવામાં આવતા હતા. જયારે કાતિલ દોરી માટે દૈનિક ૫૦૦ રૂપિયાનું મહેનતાણું ચુકવાતું હતું. એટલું જ નહીં તેના વેચાણમાં પણ કલ્પના બહારનો નફો મળતો. મહાનગરોમાં શ્વસતા યુવાધન માટે એક માંજાના ૧૫૦૦-૨૫૦૦ ખર્ચવા સામાન્ય હતા. અલબત્ત આજે પણ છે. ત્યાંથી શરૂ થયેલો એ આ પ્રયોગ આજે મૂર્તિમંત થઈને ઉત્તરાયણ દરમિયાન લોકોનો જીવ લેતો હત્યારો બનીને ફરી રહ્યો છે. તેનું નામ ચાઈનીઝ દોરી કઈ રીતે પડ્યું તેનું કારણ પણ રસપ્રદ છે. દિલ્હીના ચીંચપોકલી બજાર પાસે માંજો બનાવતી એક ફેક્ટરી છે. એ જ આ દોરીનું ઉદ્દભવ સ્થાન છે.
ચીંચપોકલી માર્કેટમાં ચાઈનીઝ ફાસ્ટફૂડ વિપુલ માત્રામાં વેચાઈ છે. ત્યાંથી આ દોરી નીકળી એટલે વેપારી વર્ગે તેનું નામકરણ ચાઈનીઝ દોરી તરીકે કરી નાખ્યું. આશ્ચર્યની વાત છે કે ભારતને બાદ કરતા વિશ્વના કોઈ રાષ્ટ્રમાં ચાઈનીઝ દોરીનો ઉપયોગ જ નથી થતો. ચીનમાં પણ નહીં! વિશ્ર્વના અન્ય રાષ્ટ્રોમાં તો પતંગનો ઉપયોગ પરાપૂર્વથી થાય છે છતાં ત્યાં પણ દોરાના નામે આવી ઘાતક વિચારસરણી અમલમાં નથી. સાયન્સની જેમ ‘વોર’માં પણ ‘યે કાઈટસ ઊડે મોર’ જેવી કહાનીઓ છે! છઠ્ઠી અને આઠમી સદીના ચીનમાં લશ્કરી સંકેતો આપવા માટે પતંગોનો ઉપયોગ થતો હતો. દૂર દૂરની ટૂકડીઓ સુધી સિગ્નલ્સ પહોચાડવાનું દોરાવાળી પતંગોનું કામ અત્યારે વાયરલેસ મોબાઈલ દ્વારા થાય છે. ઈ.સ. ૧૨૩૨માં દુશ્મનોના દેશમાં કેદ સૈનિકોને બળવો કરી ભાગવાનો સંકેત સરહદપારની પતંગ દ્વારા આપવામાં આવેલો.
અમરેકિાના આંતરવિગ્રહ અને પેનિસ્યુલર વોરમાં સમર્થકોને પત્રિકા વહેચવા માટે પતંગોનો ઉપયોગ થયેલો.
યુરોપ- અમેરિકાના કેટલાક પ્રદેશો વચ્ચે ‘એર મેઈલ’ વાળો પત્રવ્યવહાર પતંગોની ઉડાનથી થતો હતો! ૧૮મી સદીમાં દીવાદાંડીની માફક ભાન ભૂલેલા સાગરખેડૂને દિશાસૂચન કરવામાં પતંગોનો ‘ઈમરજન્સી યુઝ’ થતો. વિમાન-બલૂન – કે ગ્લાઈડરની શોધ પહેલા કેટલીક ટચૂકડી ઉડાનો વિશાળ પતંગોના આધારે ઉડવાની સફળ- નિષ્ફળ કોશિશો થઈ હતી. આજે તો માણસને લઈને ઊડી શકે એવી પતંગ બનાવવાનું કામ ટૅકનોલૉજીએ વધુ આસાન કર્યું છે. પણ હથેળીથી લઈને હાથીની સાઈઝ સુધીના પતંગો ઉડાડી ચૂકેલા ઈન્ટરનેશનલ કાઈટ ફ્લાયર્સના મતે એ અખતરો રીતસર ‘ખતરો’જ છે. તાજેતરમાં એશિયામાં બે વખત અકસ્માતે બાળકોને લઇ મોટી સાઈઝના જાયન્ટ પતંગો ઊડયાના
દાખલા છે.
માણસ તો નહીં, પણ ટેડીબેર જેવા રમકડાં ઉડાડવાની તો રીતસર ઘણી જગ્યાએ હરિફાઈ થાય છે.! ૭ ફૂટ લાંબી ‘રોક’ પતંગમાં તો ઘણી વાર રૂ ભરેલા વજનદાર સોફ્ટ ટોયઝને ઊંચે ઉડાડવામાં આવે છે. પતંગ સ્પર્ધાઓ આપણી અગાસીએ ભલે પતંગ કાપવા-લૂંટવા પૂરતી જ મર્યાદિત હોય, પણ ઘણીવાર પતંગની સાઈઝ અને ફ્રેમવર્કના આધારે ભાગ પાડી- કેવળ પતંગ ઊંચે ઉડાડવાની કે પછી એક જ ‘લાઈન’માં સ્થિર રાખવાની હરિફાઈ પણ યોજાય છે. ટિપિકલ પતંગ કરતાં સાવ જ અલગ દેખાતી જુદા ફ્રેમવર્કની પતંગો બનાવવાની પણ હરિફાઈ થાય છે. જે જમાનામાં નિઓન સાઈનબોર્ડ નહોતા, ત્યારથી આજના ડિજીટલયુગ સુધી પણ ઘણીવાર ‘ડિસ્પ્લે’ માટે પતંગોને ‘બોર્ડ’ બનાવાય છે.
બેનર કે ફુગ્ગા લટકાડીને સીરિઝમાં પતંગો ચગાવાય ઘણીવાર પૂંછડા પર જાહેરખબર પણ થાય. સ્લોગન્સ ચીતરીને પણ પતંગ ચગે! પ્રેમના એકરાર કે ‘ચિઠ્ઠી એક્સચેન્જ’માં પણ પતંગોની ‘ક્રિએટિવ યુટિલિટી’ છે. જયારે ભારતમાં તો ચાઈનીઝ દોરીનું આધિપત્ય છે.
ગળા કાપી નાખતી ચાઈનીઝ દોરી અંગે માત્ર ગુજરાત જ નહીં દિલ્હી સહિત અન્ય રાજ્યોમાં પણ ફરિયાદો થતી આવી છે. ૧૫ ઑગસ્ટ ૨૦૧૬ના રોજ દિલ્હીમાં બે અલગ-અલગ ઘટનાઓમાં ચાઈનીઝ દોરીના કારણે બે બાળકો મૃત્યુ પામ્યાં હતાં. બન્ને બાળકો કારના સનરુફમાંથી બહાર નીકળ્યા હતા અને તેમનું ગળું કપાઈ ગયું હતું. આ ઘટના બાદ દિલ્હી સરકારે કાચના પાઉડરથી રંગેલી દોરી પર પ્રતિબંધ લગાવી દીધો હતો. વર્ષ ૨૦૧૭માં એક કેસમાં સુપ્રીમ કોર્ટે અરજદારોને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સમક્ષ જવા માટે કહ્યું હતું. તે પછી નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ચાઈનીઝ માંજો, નાયલોન અથવા કોઈ પણ કૃત્રિમ સામગ્રીમાંથી બનેલા માંજા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો.
આજે જે વેપારી ચાઈનીઝ દોરી સ્વરૂપે મોતનો સમાન વેચે તેમની ધરપકડ બાદ ૫ વર્ષ સુધીની જેલ કે ૧ લાખ રૂપિયા સુધીનો દંડ અથવા બન્ને થઈ શકે છે. કદાચ કોઈ ચાઈનીઝ દોરીથી પતંગ ચગાવે અને અન્ય કોઈ વ્યક્તિને દોરીના કારણે ગંભીર ઈજા બાદ મૃત્યુ થાય તો આઈપીસીની કલમ ૩૦૪ હેઠળ મૃત્યુ નિપજવું સંભવ હોય એવી શારીરિક હાનિ પહોંચાડવાના ઈરાદાથી કરેલું કૃત્ય માનવામાં આવી શકે છે. આવા કેસમાં સરળતાથી જામીન નથી મળતા. આરોપી પર ગુનો સાબિત થાય તો ૧૦ વર્ષ જેલવાસ ભોગવવાનો વારો આવી શકે છે. આ કાયદાથી કોઈ ફરક પડ્યો? ભારતમાં તો દુષ્કર્મ અને હત્યા માટે પણ ગંભીર કાયદાઓ છે. છતાં તેનું પાલન થાય છે? તાજેતરમાં સામે આવ્યું છે કે ઉત્તર પ્રદેશમાં તો એસિડ એટેલના કેસમાં ૨૬ વર્ષે ફરિયાદ નોંધાઈ. તો ચાઈનીઝ દોરી વેંચતા વેપારીઓને કાયદાનો ડર ક્યાંથી હોય!
આ મામલે ગુજરાત હાઇ કોર્ટે તો રાજ્ય સરકારનો ઉધડો લીધો હતો. સરકાર માત્ર જાહેરનામું બહાર પાડી દે એટલે તેમની જવાબદારી પૂર્ણ નથી થતી. આ જાહેરનામાની અમલવારી થાય એ નિર્ધારિત કરવાનું કાર્ય સરકારનું છે. જો કે સરકાર કેવું અને શું કાર્ય કરે છે એ ચર્ચાનો વિષય છે કારણ કે કોર્ટના આદેશ બાદ પણ ગુજરાતમાં ૧૧ લોકો મોત થાય હતા! ઉત્તરાયણનું પર્વ ખરા અર્થમાં પ્રાકૃતિક છે. સૂર્યને સજીવ સૃષ્ટિ સાથે સીધો સંબંધ છે. વેદકાળમાં એટલે જ નામરૂપવાળા ભગવાનોને બદલે સૂર્ય, ચંદ્ર, અગ્નિ, જળ, વાયુ, પૃથ્વી આદિ પદાર્થોમાં ચેતનતત્ત્રૂપ ઇશ્ર્વરની આરાધના થતી. સૂર્ય છે તો પૃથ્વી પર જીવન છે. સામાન્ય રીતે કોઇપણ માણસ રોજિંદી ક્રિયાઓથી કંટાળી જાય પણ સૂર્યોદય લાખો વર્ષોથી રોજેરોજ થાય છે તોય નવો જ લાગે છે. કારણ કે પ્રત્યેક સૂર્યોદય માણસમાં નવી તાજગીનો અહેસાસ આપતો રહે છે! અને આ તાજગીની ઊર્જાને ગગનચુંબી ઉડાન આપવા માટે દેહ અને દિમાગને સ્ફૂર્તિમાં રાખતી રમત એટલે ઉત્તરાયણ!
આ પર્વને માણવાનું છે કોઈને જાનથી મારવાના નથી. મકરસંક્રાંતિ એટલે ઋણમુક્તિનો અવસર. શાસ્ત્રો અનુસાર સૂર્યની મકરસંક્રાંતિ અનેકગણા દેવા અને પાપમાંથી મુક્તિ અપાવે છે. ચાઈનીઝ દોરીનું નિર્માણ અને વેચાણ કરનાર આવા લાલચુ વેપારીઓ ક્યારેય તેના પાપમાંથી મુક્ત થશે?