ચાર-ચાર ધારાસભ્યો છે છતા અમરેલી જિલ્લામાં સુરતની જેમ જ કોંગ્રેસ ઉપર જોખમ તો નથી ને ?

  • સુરતની સીધી રાજકીય અસર છે અમરેલી જિલ્લામાં 
  • અમરેલી જિલ્લામાં સુરતની જેમ જ પાટીદાર સમાજે મોટી સંખ્યામાં આપમાંથી ઉમેદવારી નોંધાવી છે

અમરેલી,
છેલ્લા 40 વર્ષથી અમરેલી જિલ્લામાં સુરતની સીધી રાજકીય અસર છે સુરતના દરેક રાજકીય પરિબળો અમરેલી જિલ્લાના રાજકીય ક્ષેત્રમાં મહત્વના રહયા છે અને તેમાય 2015 અને 2017 માં જ્યારે સુરતથી ભાજપનો સફાયો કરી દેવાનો મેસેજ વહેતો થયો ત્યારે અમરેલી જિલ્લામાં ભાજપના સુપડા સાફ થઇ ગયા હતા એ જ સુરતમાં આજે કોર્પોરેશનના પરિણામમાં કોંગ્રેસનું અસ્તિત્વ ખતમ થઇ જતા અને ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલના ગઢ જેવા આ વિસ્તારમાં આમ આદમી પાર્ટીનો ઉદય થતા અમરેલીમાં યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીમાં આની કેવી અસર થશે તેની ચર્ચા ચાલી રહી છે.
અમરેલી જિલ્લામાં પાટીદારોની વસ્તી સૌથી વધું છે ત્યારે અમરેલી જિલ્લામાં 11 તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને 4 નગરપાલિકાઓમાં સુરતની જેમ જ પાટીદાર સમાજે મોટી સંખ્યામાં આપમાંથી ઉમેદવારી કરી છે 11 તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીના કુલ 88 ઉમેદવારો તથા જિલ્લા પંચાયતમાં 15 અને અમરેલી, બાબરા, દામનગર અને કુંડલા નગરપાલિકાઓમાં 58 ઉમેદવારોએ આપના બેનર હેઠળ ઝંપલાવ્યુ છે ત્યારે અમરેલી જિલ્લામાં ચાર-ચાર ધારાસભ્યો કોંગ્રેસના છે અને ખુદ વિરોધપક્ષના નેતા પણ અમરેલીના જ છે તેમ છતા અમરેલી જિલ્લામાં સુરતની જેમ જ કોંગ્રેસ ઉપર જોખમ તો નથી ને ? તેની ચર્ચા રાજકીય વર્તુળોમાં થઇ રહી છે.