અમરેલી જિલ્લામાં મધરાતે સિંહણે ૧૫ વર્ષીય કિશોરનો શિકાર કર્યાની રૂંવાડાં ઉભા કરતી ઘટના સામે આવી છે. પરપ્રાતિય પરિવાર વાડીમાં સુતો હતો ત્યારે અચાનક ચાર સિંહબાળ સાથે માનવભક્ષી સિંહણ આવી હતી અને આંખના પલકારામાં કિશોરને ઉઠાવી લીધો હતો. ડરી ગયેલા પરિવારે જાણ કરતા રાજુલા રેન્જના આરએફઓ, પોલીસ અને એસઆરપી જવાનોનો કાફલો ઘટના સ્થળે દૃોડી ગયો હતો. જોકે, રોષે ભરાયેલી સિંહણ કિશોરને છોડવા તૈયાર નહોતી ત્યારે જેસીબીની મદદથી અડધા કલાક બાદ માંડ માંડ કિશોરના મૃતદૃેહને સિંહણના મોઢામાંથી છોડાવ્યો હતો. અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વાવડી ગામમાં પરપ્રાતિય પરિવાર ખેત મજૂરી કરવા અર્થે આવ્યો હતો. વાડીમાં પરિવાર સુતો હતો ત્યારે શિકારની શોધમાં ચારસિંહબાળ સાથે સિંહણ આવી હતી.સિંહણે આક્રમક રીતે ૧૫ વર્ષીય રાહુલ સુમરિંસગ મસણીયા નામના કિશોરને ઉઠાવી લીધો હતો. પરિવારે કિશોરને છોડાવનાનો પ્રયત્ન કરતા સિંહણે પરિવાર પર પણ હુમલો કર્યો હતો, જેથી પરિવાર ડરનો માર્યો દૃુર ભાગી ગયો હતો અને વનવિભાગને જાણ કરી હતી. જોકે, વનવિભાગના કર્મચારીઓ હડતાળ પર હોવાથી રાજુલા રેન્જના આરએફઓ યોગરાજ સિંહ, ટ્રેકરો, પોલીસ અને એસઆરપીના જવાનોની મદદ લઇને દૃોડી આવ્યા હતા. રાજુલા રેન્જના આરએફઓનો કાફલો જ્યારે ઘટના સ્થળે પહોંચ્યો ત્યારેસિંહણ કિશોરને ચૂંથી રહી હતી. જેમણે છોડાવવાનો પ્રયત્ન કરતા તેમના પર પણ સિંહણે હુમલો કર્યો હતો. જેથી ગામમાંથી જેસીબી બોલાવી તેની આડમાં અડધા કલાકની મહેનત બાદ કિશોરના મૃતદૃેહને માંડ માંડ છોડાવ્યો હતો. ત્યારબાદ મૃતદૃેહને પી.એમ. અર્થે ખસેડી સિંહણને પાંજરે પુરવાની કવાયત હાથ ધરી હતી.સિંહણને પાંજરે પુરવાના ઓપરેશનમાં સવારે સફળતા મળી હતી. જેમાં સિંહણ અને ચાર સિંહબાળને પાંજરે પુરી રાજુલા રેન્જના આરએફઓ યોગરાજ સિંહે રાહતનો શ્ર્વાસ લીધો હતો. જોકે, આ ઘટનાથી રાજુલા વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાયો છે.