ચિતલમાં જમીન પચાવનારા આઠ સામે ગુનો : ધરપકડ

  • કલેકટરશ્રી આયુષ ઓક તથા એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા જમીનો પચાવનારા દારૂના ધંધાર્થીઓ સામે એક્શન શરૂ 
  • ચિતલમાં મુંબઇના વ્હોરાના ચાર પ્લોટ દારૂના ધંધાર્થીઓએ પચાવી પાડેલ : શ્રી અભય સોનીના વડપણ હેઠળ તપાસ ટીમની રચના

અમરેલી,
નવા કાયદા લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ દારૂના વેપારીઓ, માથાભારે શખ્સો, વ્યાજખોરો અને રીઢા અપરાધીઓ દ્વારા પચાવી પાડવામાં આવેલી જમીનોનો સર્વે કરી અને 300 કરતા વધારે આવા લોકો સામે પગલા લેવા માટે એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા લીસ્ટ તૈયાર કરવામાં આવ્યુ હોય તે અંતર્ગત પોલીસ તંત્ર દ્વારા એક્શન શરૂ થયા છે આજે કલેકટરશ્રી આયુષ ઓકના આદેશને પગલે ચિતલના બે મહિલા સહિત આઠ દારૂના વેપારીઓ ઉપર પોલીસે લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધી આઠેયની ધરપકડ કરી છે.
આ અંગેની વિગતો એવા પ્રકારની છે કે ખાનગી કે સરકારી જમીનો જમીન માફીયાઓ પચાવી પાડે અથવા તો તેમાં મદદગારી કરનારા સામે ગુજરાત સરકારના નવા નિયમ ધ ગુજરાત લેન્ડગ્રેબીંગ (પ્રોહીબીશન) એક્ટ 2020 હેઠળ 10 થી 14 વર્ષની જેલ અને જમીનની જંત્રી જેટલી જ દંડની જોગવાઇઓ કરવામાં આવેલ છે જો કોઇ કંપની આ પ્રકારે જમીન પચાવે તો કંપનીના તમામ પ્રભારીઓ સામે પણ ગુનો લાગુ પડે અને આવા કેસ માટે સરકાર દ્વારા દરેક જિલ્લામાં સ્પેશ્યલ કોર્ટની રચના કરવામાં આવી છે.
ચિતલમાં બિનખેતી થયેલી સર્વે નં.2228, 2229, 2230, 2231 માં આવેલ પ્લોટ નં.30,31,32,33 એમ કુલ ચાર પ્લોટ વ્હોરા યુસુફઅલી ફકરૂદીન ચિતલવાલા અને તેના ભાઇ મહમદાભાઇ ફકરૂદીનભાઇ ચિતલવાલા તથા બહેન અસ્મિતાબેન એમ કુલ ત્રણ વ્યક્તિના નામે હોય આ પ્લોટ ઉપર રામજી નથુભાઇ ચારોલા, જગા બચુભાઇ મંદોરીયા, સ્વ. દોલુભાઇના વારસદાર ગંગુબેન બચુભાઇ, ભુપતભાઇ બચુભાઇ વણદોરીયા, સુરેશ જભાભાઇ ચારોલા, જીતુભાઇ તાજુભાઇ ચારોલા, મુકેશ તાજુભાઇ ચારોલા, શોભાબેન દેવરાજભાઇ વાઘેલાએ કબ્જો જમાવી તેની ઉપર બાંધકામ કરી પોતાના મકાનો ખડકી દીધા હતા અને આ અંગે યુસુફઅલીએ કલેકટરને અરજી આપી હતી આ અંતર્ગત તલાટીમંત્રી, ગ્રામ પંચાયત દ્વારા પંચરોજકામ અને સીટી સર્વેની માપણીમાં આ આઠેય શખ્સોએ કબ્જો જમાવી દેશી દારૂના વેચાણ કરતા હોવાનું જાણવા મળતા કલેકટરશ્રી આયુષ ઓક તરફથી આરોપીઓને જમીન પચાવી પાડનાર વ્યક્તિઓ ગણી તેમના વિરૂધ્ધ ગુનો દાખલ કરવા આદેશ અપાતા અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં આઠેય સામે ગુનો દાખલ કરાયો છે અને એસપીશ્રી નિર્લિપ્ત રાય દ્વારા આ કેસમાં મુખ્ય તપાસનીશ અધિકારી તરીકે મદદનીશ પોલીસ અધિક્ષક શ્રી અભય સોની તથા સહાયક તપાસ અધિકારી તરીકે શ્રી યશવંતસિંહ પી. ગોહીલ અને અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ શ્રી પ્રશાંત લક્કડની નિમણુંક કરવામાં આવી છે તંત્ર દ્વારા લેન્ડગ્રેબીંગ એક્ટ હેઠળ પગલાઓ શરૂ થતા ભુમાફીયાઓમાં ફફડાટ ફેલાયો છે.