ચિતલમાં હત્યાના પ્રયાસમાં આરોપીને દસ વર્ષની સજા : બે આરોપીને પાંચ વર્ષની સજા

અમરેલી,
અમરેલીના ચિતલમાં 2014 માં થયેલા હત્યાના પ્રયાસનાં ગુનામાં અમરેલીની ડિસ્ટ્રીક્ટ સેશન્સ કોર્ટે હત્યાના પ્રયાસ સબબ એક આરોપીને 10 વર્ષની કેદ અને બે આરોપીને મહા વ્યથા બદલ પાંચ પાંચ વર્ષની કેદની સજા કરી હતી જ્યારે બે ને શંકાનો લાભ આપવામાં આવ્યો હતો.
આ બનાવની વિગતો એવા પ્રકારની છે કે તા.8-7-2014 ના રોજ ચિતલની હવેલી શેરીમાં રહેતા રોહિતભાઇ ગીરધરભાઇ તેરૈયાના ઘેર ઉજવણાના પ્રસંગે ગોયીણીઓ બોલાવી હોય ત્યારે ચિતલનાં સુરૂભા ઉર્ફે બદ્રીનાથ ઘનુભાઇ સરવૈયા સહિત 6 શખ્સોએ ઘાતક હથીયારો વડે રોહિત અને તેના નાનાભાઇ કલ્પેશ ઉપર હુમલો કર્યો હતો જેમાં રોહિતને માથામાં કુહાડી મારતા હેમરેજ થયેલ અને કોમામાં ચાલ્યો ગયેલ આ બનાવ પાછળનું કારણ ચિતલનાં ગટાભાઇની હત્યા થયેલ હોય અને તે સુરૂભાના કુટુંબીઓએ કરી હોય આ કેસમાં રોહિત કોર્ટ કચેરીના કામે ગટાભાઇના સબંધીઓ સાથે જતો હોવાના મનદુ:ખના કારણે બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયુ હતુ.
આ કેસ અમરેલીના ડિસ્ટ્રીક્ટ સેશન્સ જજ શ્રી આર.ટી. વચ્છાણી સમક્ષ ચાલી જતા તેમણે હત્યાના પ્રયાસ બદલ સુરૂભાને 10 વર્ષની કેદ તથા પ્રહલાદ ઉર્ફે પલ્લી જીણકાભાઇ અને ભુપત જીણકાભાઇને મહા વ્યથા બદલ પાંચ વર્ષની કેદની સજા કરી હતી અને અન્ય બે આરોપીને શંકાનો લાભ આપવામાં આવ્યો હતો જ્યારે છઠો આરોપી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક હોય તેમનો કેસ અલગથી હતો.
આ કેસમાં અધિક જિલ્લા સરકારી વકીલ શ્રી મમતાબેન ત્રિવેદીએ ફરિયાદ પક્ષ વતી ધારદાર દલીલો કોર્ટ સમક્ષ કરી હતી.