ચીનની એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂકવાથી એને બહુ ફેર પડતો નથી

કેન્દ્ર સરકારે રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમરૂપ 54 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ ફટકારી દીધો તેના કારણે ભારતે ચીન પર ફરી એક વાર મોટી સાઇબર સર્જિકલ સ્ટ્રાઈક કરી હોવાની વધાઈઓ અપાવા માંડી છે. બ્યૂટી કેમેરા, સ્વીટ સેલ્ફી એચડી, ઈક્વલાઈઝર એન્ડ બાસ બૂસ્ટર, સેલ્ફફોર્સ એન્ટ કેમ કાર્ડ, આઈસોલેન્ડ 2: એશેજ ઓફ ટાઈમ લાઈટ, વાઈવા વીડિયો એડિટર, ટેનસેન્ટ એક્સરિવર, ઓનમોજી ચેસ, ઓનમોજી એરિના, એપ લોક અને ડ્યુઅલ સ્પેસ લાઈટ વગેરે એપ્સ ભારતમાં બહુ લોકપ્રિય છે. મોદી સરકારે આ બધી એપ્સને એકઝાટકે પ્રતિબંધિત કરી દીધી છે. કેન્દ્ર સરકારે પ્રતિબંધ મૂકવા માટે સુરક્ષાના જોખમનું કારણ આગળ ધર્યું છે. ભારત સરકારે આ પહેલાં 29 જૂન 2020ના દિવસે 59 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. એ પછી 27 જુલાઈ 2020ના રોજ 47 ચાઈનીઝ એપ્સને પ્રતિબંધિત કરી હતી.
નવેમ્બર 2020માં 43 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો હતો. 2 ડિસેમ્બર 2020ના રોજ ફરી 118 ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ મૂકાયેલો. આમ, 2020થી અત્યાર સુધીમાં મોદી સરકારે 270થી વધારે એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. પહેલાં પણ અને અત્યારે પણ ઈન્ફર્મેશન ટેક્નોલોજી કલમ 69 (એ) અંતર્ગત આ દરેક એપ્સ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. સરકારનું કહેવું છે કે, મોદી સરકારે પહેલાં જે એપ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો એ જ બધી એપ્સની ક્લોન એપ્સ ફરી રીલોંચ કરાઈ હતી. મતલબ કે, એપ્સનું નામ બદલીને તેને નવા નામે ફરી ભારતમાં રિલોંચ કરવામાં આવી હતી. આ પૈકી મોટા ભાગની એપ્સ શંકાસ્પદ સોફ્ટવેર પર કામ કરતી હતી ને યુઝર્સને અંધારામાં રાખીને તેમનો ડેટા સીધો ચીન મોકલી દેતી હતી. આ એપ્સ દ્વારા વિદેશી સર્વર પર પણ યુઝર્સનો ડેટા પહોંચી રહ્યો હતો. તેના કારણે દેશની સુરક્ષા સામે જોખમ ઊભું થયું હતું એટલે સરકારે આ બધી એપ્સને ગૂગલના પ્લે સ્ટોર સહિત બાકી પ્લેટફોર્મથી પણ હટાવવાનો આદેશ આપવો પડ્યો છે.
મોદી સરકારના આ નિર્ણયને ચીન સામેની સાયબર સર્જિકલ સ્ટ્રાઈક ગણાવાઈ રહી છે. આ પગલાને “ડિજિટલ સ્ટ્રાઈક’માં ખપાવીને ચીનને મોટો ફટકો માર્યો એવી વાતો ફેલાવાઈ રહી છે. ચીનને કેટલો મોટો આર્થિક ફટકો પડશે તેની વાતો પણ ચલાવાઈ રહી છે. આવું પહેલી વાર નથી બન્યું કેમ કે આ પહેલાં નરેન્દ્ર મોદી સરકારે 2020ના જુલાઈમાં ગલવાન ખીણમાં ભારતના વીસ જવાનો શહીદ થયા હતા તે પછી ચીનની 59 એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો ત્યારે સરકારે બહુ મોટું પગલું ભરી દીધું હોય એવો માહોલ પેદા થયો હતો. એ વખતે પણ આ નિર્ણયને ચીન પરની “ડિજિટલ સ્ટ્રાઈક’ ગણાવીને તેના કારણે ચીનને અબજોનો ફટકો પડશે. મોદી સરકારના નિર્ણયથી ચીન તમતમી ગયું છે અને આ પ્રતિબંધો પાછા ખેંચાવવા રઘવાયું થઈને દોડતું થઈ ગયું છે. ચીનને આપણે “ડિજિટલ સ્ટ્રાઈક’ કરીને ઈંટનો જવાબ પથ્થરથી આપી દીધો છે.
એ વખતે દેશમાં ચીન સામે ભારે આક્રોશનો માહોલ હતો. આ દેશના દરેક નાગરિકે મોદી સરકારે જે પગલું લીધું તેને ટેકો આપ્યો હતો ને એ વલણ બરાબર હતું. ચીન આપણી જમીન પર નજર બગાડીને બેઠું છે ને વાસ્તવમાં તો જમીન હડપ કરી જવા માગે છે. આપણા જવાનોની હત્યા કરે એ આપણો દુશ્મન કહેવાય, આ દેશનો દુશ્મન ગણાય ને દુશ્મન સામે લેવાનારાં દરેક પગલાંને દેશના દરેક નાગરિકે ટેકો આપવાનો હોય, તેને વધાવવાનું હોય. આ બહુ સાદી ને સરળ વાત છે તેથી મોદી સરકારનાં આ પગલાંને બધા વધાવે તેમાં કશું ખોટું નહોતું. અત્યારે એવો કોઈ માહોલ નથી ને છતાં ફરી એ જ વાતો શરૂ થઈ ગઈ છે. ચીન આપણું દુશ્મન છે તેથી આ પગલું કે ભવિષ્યમાં ચીન સામે બીજું કોઈ પણ પગલું ભરે તેને વધાવવાનું જ હોય તેમાં શંકા નથી. બલકે બીજા કોઈ પણ દેશ સામે આપણી સરકાર ગમે તે પગલું લે, તેને પડખે ઊભા રહેવું એ આપણી ફરજ છે.
આ ફરજ આપણે બજાવવવી જ જોઈએ પણ સામે થોડીક વાસ્તવિકતા પણ સમજવાની જરૂર છે. આ પગલાને “ડિજિટલ સ્ટ્રાઈક’માં ખપાવીને ચીનને મોટો ફટકો માર્યો એવી વાતો ભલે ફેલાવાઈ રહી હોય પણ એ ભ્રમ લોકોએ પાળવા જેવો નથી. લોકો આવી વાતો ફેલાવે છે અથવા આવી વાતોમાં આવી જાય છે એ લોકો ચીનની આર્થિક તાકાતને જાણતા નથી ને તેનાથી વધારે તો ચીન પર આપણે કઈ હદે નિર્ભર છીએ તેની તેમને ખબર નથી. આ પગલાંથી ચીનને ફટકો મારવાનો તો સવાલ જ પેદા થતો નથી પણ ચીનને તેની જગ્યાથી હલાવી પણ નહીં શકાય એ વાત સમજવાની જરૂર છે. ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધથી ચીનને મોટો આર્થિક ફટકો પડશે એવી વાતો સાવ બકવાસ છે.
ચીનની એપ્સ ભારતમાંથી વરસે કરોડોની કમાણી કરે છે એવી વાતો આ દાવાના સમર્થનમાં ફેલાવાય છે પણ આ વાત વોટ્સએપ યુનિવર્સિટીના ગપ્પીદાસોના મગજની પેદાશથી વધારે કંઈ નથી. આ એપ્સ ભારતમાંથી કેટલી કમાણી કરતી હતી તેના આંકડા આપણી પાસે નથી પણ દરેક એપની વરસની 100 કરોડ રૂપિયા ગણો તો પણ વરસના 5400 કરોડ રૂપિયા થાય. આ કમાણીમાંથી ભારતમાં ઓફિસ ચલાવવાનો ખર્ચ, કંપનીએ કરેવું રોકાણ વગેરે બાદ કરીએ તો શું બાકી રહે એ વિચારી જોજો. એ બધું ગણતરીમાં ના લઈએ ને બધી કમાણી આ કંપનીઓ ઘરે લઈ જતી હશે એમ માનીએ તો પણ ભારત અને ચીન વચ્ચે જે વેપાર છે તેમાં 5400 કરોડ રૂપિયાની રકમ કંઈ ના કહેવાય કહેવાય.
ભારત અને ચીન વચ્ચેનો વેપાર લગભગ 125 અબજ ડોલરનો છે ને તેમાં ચીનનો હિસ્સો 80 ટકા છે. સત્તાવાર આંકડા પ્રમાણે જ 2021માં ચીનનો 100 અબજ ડોલરનો માલ ભારતમાં ઠલવાયો હતો. અત્યારે ડોલરનો ભાવ 75 રૂપિયાની આસપાસ છે. લાંબા સમયથી આ જ ભાવ છે પણ આપણે 70 રૂપિયા પ્રમાણે પણ ગણીએ તો પણ 7 લાખ કરોડ રૂપિયા થયા. ચીન આપણી પાસેથી ગયા વર્ષે 7 લાખ કરોડ રૂપિયા લઈ ગયું. આ કહેવાતી “ડિજિટલ સ્ટ્રાઈક’ના કારણે ચીનને 5400 કરોડ રૂપિયાનો ફટકો પડતો હોય તો પણ તેના માટે આ રકમ એક ટકો પણ નથી. ચીન માટે આ નુકસાન સરભર કરવું ડાબા હાથનો ખેલ છે. આપણે ચીન પર વધારે પડતા નિર્ભર છીએ એ જોતાં ચીન ગમે તે રીતે આટલી રકમ તો આપણી પાસેથી ખંખેરી લઈ શકે.
ભારતીય અર્થતંત્રમાં માઈક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઈઝીસ (એમએસએમઈ)નું મોટું યોગદાન છે. નાની અને મધ્યમ કક્ષાની ફેક્ટરીઓ એમએસએમઈ કેટેગરીમાં આવે. ભારતમાં સૌથી વધારે રોજગારી આ ક્ષેત્ર આપે છે. દેશના કુલ જીડીપીમાં 30 ટકા યોગદાન એમએસએમઈનું છે અને 15 કરોડ લોકોને રોજગારી આપે છે. દેશની નિકાસમાં 50 ટકાથી વધારે હિસ્સો એમએસએમઈનો છે. તેમના કારણે દેશને જંગી પ્રમાણમાં વિદેશી હૂંડિયામણ મળે છે. ભારતના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન આ એમએસએમઈ સેક્ટર આખેઆખું ચીન પર નિર્ભર છે કેમ કે ચીનની કુલ નિકાસમાં મોટું પ્રમાણ ઔદ્યોગિક કાચા માલનું છે.
ચીન ભારતમાં ટેલીકોમ ઈન્સ્ટ્રુમેન્ટ્સ, કોમ્પ્યુટર હાર્ડવેર, ઈલેક્ટ્રોનિક ગુડ્સ, કેમિકલ્સ, પ્રોજેક્ટ ગુડ્સ, ડ્રગ્સ ઈન્ટરમીડિયેટ વગેરે જંગી પ્રમાણમાં ઠાલવે છે.
આ કાચો માલ નાની અને મધ્યમ કક્ષાની ફેક્ટરીઓ ખરીદે છે. ઈલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે એસેમ્બલિંગ કરનારી કંપનીઓ ખરીદી કરે છે. તેમાંથી ફિનિશ્ડ ગુડ્ઝ ખરીદે છે ને પછી બજારમાં વેચે છે. તેમાંથી મોટા ભાગનો માલ નિકાસ થાય છે. ચીન તો પાકું વેપારી છે ને એ તો ભારતને અપાતા આ માલ પર બે ટકા સેસ ઠોકી દે તો 6000 કરોડ રૂપિયાનું નુકસાન તો ચપટી વગાડતાં સરભર થઈ જાય. ચીન સીધેસીધું એવું પગલું ના ભરે ને બધા માલનો ભાવ બે ટકા વધારી દે તો પણ ફાયદામાં રહે. ટૂંકમાં ચીન સામે સાયબર સર્જિકલ સ્ટ્રાઈકની વાતો ખુશ થવા માટે બરાબર છે પણ તેના કારણે ચીનને કોઈ ફટકો ન મારી શકાય.