ચીનનું કબૂલનામું: ગલવાનના હિંસક ઘર્ષણમાં ૪ સૈનિક માર્યા ગયા હતા

ચીની સૈન્ય પીપલ્સ લિબરેશન આર્મીએ પહેલીવાર ગલવાન ઘાટીમાં થયેલા લોહિયાળ સંઘર્ષમાં માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા જાહેર કરી દીધી છે. જોકે ચીને આ દાવામાં પણ હળહળતુ જુઠ્ઠાણું ચલાવ્યું છે. પીએલએએ દાવો કર્યો છે કે, આ સંઘર્ષમાં તેના ૪ સૈનિકો માર્યા ગયા હતાં અને એક નદીના પાણીમાં તણાઈ ગયો હતો. જ્યારે અન્ય એક ગંભીર રૂપે ઘાયલ થયો હતો.

ચીની સેનાએ ભારત પર સમજુતિની શરતોનું ઉલ્લંઘન કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. જોકે થોડા દિવસ પહેલા જ રશિયાની સમાચાર એજન્સીએ ખુલાસો કર્યો હતો કે, ગલવાન ઘાટીમાં થયેલી અથડામણમાં ૪૫ ચીની સૈનિકો માર્યા ગયા હતાં. ચીને આ ખુલાસો ત્યારે કર્યો છે જ્યારે પેંગોગ લેક પરથી બંને દેશોની સેના પીછેહટ કરી રહી છે.

ચીની સેનાએ ગલવાન ઘાટીમાં ભારતીય જવાનોના હાથે માર્યા ગયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને એક વીડિયો પણ જાહેર કર્યો હતો. ચીને માર્યા ગયેલા ૫ સૈનિકોના નામ પણ જાહેર કર્યા હતાં. ચીની સેનાએ કહૃાું હતું કે, આ સૈનિકોએ રાષ્ટ્રીય સંપ્રભુતા અને પોતાની જમીનની રક્ષા કરતા પોતાના પ્રાણની આહુતિ આપી હતી. માયા ગયેલા ચીની સૈનિકોમાં એક બટાલિયન કમાંડર અને ત્રણ સૈનિકો હતા. સંઘર્ષ દરમિયાન ચીની સેનાના રેજિમેંટલ કમાંડર ગંભીર રૂપે ઘાયલ થયો હતો.

ચીની રિપોર્ટ મુજબ, ચીની કેન્દ્રીય સૈન્ય આયોગે કારાકોરમ પર્વત પર તૈનાત રહેલ ૫ ચીની શહીદોના બલિદાનને યાદ કર્યા છે. તેણે લખ્યું છે  આ છે પીએલએ શિનજિયાંગ મિલિટ્રી કમાન્ડના રેજિમેન્ટલ કમાન્ડર ક્યૂઈ ફબાઓ, ચેન હૉગુન, જિયાંગગૉન્ગ, જીઓ સિયુઆન અને વાંગ જુઓરન. તેમાંથી ચારની મોત ગલવાન અથડામણમાં થઇ હતી. જયારે એકનું મોત રેસ્ક્યુ સમયે નદીમાં વહી જતા થયુ હતું.