ચીનમાં અનેક સરકારી બેન્કો અને ખાતેદારો વચ્ચે રોજની અથડામણ

ચીન વિશે શું કહેવું કે શું લખવું તેની સરમુખત્યારશાહી પર તો ૧૦ સિઝનની વેબ સિરીઝ બની શકે તેમ છે. ચીનમાં જીવવું એટલે સળગતા રસ્તા પર ખુલ્લા પગે ચાલવા સમાન છે. ગ્રાફિક નોવેલ વી ફોર વેન્ડેટામાં એલન મૂરેએ લખ્યું છે, જનતાએ સરકારથી નહીં, પરંતુ સરકારોએ જનતાથી ડરવું જોઈએ. તેની આ ઉક્તિ લોકશાહીનું હોકાયંત્ર છે, જ્યાં જનતા સરકારથી ભયભીત હોય ત્યાં સમજી લેવાનું કે વહાણ અવળી દિશામાં જઈ રહ્યું છે. ચીનમાં વિકાસ છે, પણ સામાન્ય લોકોને એ વિકાસનો કોઈ આસ્વાદ નથી, કારણ કે તેઓ ડરેલા છે. કાયદાનો ભય અને સરકારનો ભય બંને અલગ બાબત છે. કાયદાનો ભય લોકશાહી દેશોમાં પણ હોય છે, અને હોવો જોઈએ. અમેરિકનોમાં કાયદાનો ભય છે, પણ સરકારનો ભય નથી એટલે જ તેઓ મોકળા મને અભિવ્યક્ત થઈ શકે છે, વિકાસની મઝા માણી શકે છે.

હજાર મર્યાદા વચ્ચે પણ લોકશાહી વિશ્વની સર્વોત્તમ શાસન વ્યવસ્થા છે તેવું ૨૦મી અને ૨૧મી સદીએ સાબિત કરી દીધું છે. પ્રવર્તમાન સ્થિતિની જ વાત કરીએ તો ચીનના હેનાન પ્રાંતમાં છેલ્લા કેટલાય સપ્તાહોથી પોલીસ અને બૅંક ખાતેદારો વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે. ચીનમાં ઘણી બૅંકોમાંથી પૈસા ઉપાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બૅંક ઑફ ચાઈનાએ કહ્યું છે કે અહીં જમા થયેલ રૂપિયા એક રોકાણ છે. તેને ઉપાડી શકાશે નહીં. ચીનમાં આ નિર્ણયનો ભારે વિરોધ થઈ રહ્યો છે અને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ચીનની સામ્યવાદી સરકારે મોટી સંખ્યામાં સેનાની ટેન્કોને રસ્તાઓ પર ઉતારી દીધી છે. ચીનની લિબરેશન આર્મીની ટેન્કના ફોટો-વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
ચીનની બૅંકોએ લોકોના પૈસાને રોકાણ તરીકે જણાવીને પરત કરવાનો ઇનકાર કર્યો, ગુસ્સે ભરાયેલા લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે.

તાજેતરમાં, બૅંક ઑફ ચાઇનાની હેનાન શાખાએ જાહેરાત કરી હતી કે તેમની શાખામાં નાણાં જમા કરનારાઓની બચત તે ‘રોકાણ’ છે અને તેને ઉપાડી શકાશે નહીં. આ જાહેરાત બાદ લોકોનો વિરોધ વધુ ઉગ્ર બન્યો છે. ૧૦ જુલાઈએ હેનાનનાં ઝોંગઝોઉમાં બૅંક ઑફ ચાઈના શાખાની સામે ૧૦૦૦થી વધુ વિરોધીઓ એકઠા થયા હતા. જોરશોરથી પ્રદર્શન કર્યું હતું, પરંતુ અત્યાર સુધી ચીની સત્તાવાળાઓ તેમની માગને અવગણી રહ્યા છે. અહેવાલ મુજબ હેનાનમાં બૅંક ઑફ ચાઈનાની ઑફિસ સામે થઈ રહેલા જંગી વિરોધને ડામવા માટે ચીની પિપલ્સ આર્મ્ડ પોલીસ ફોર્સના કેટલાક લોકો સફેદ કપડામાં પહોંચ્યા હતા.

આવી ઘટના બનવા પાછળ ચીનમાં થતો ભ્રષ્ટાચાર જવાબદાર છે. ચીનમાં સ્થાનિક સરકારોની આવકનો મોટો હિસ્સો જમીનને ખાસ કરીને રિયલ એસ્ટેટ ડેવલપર્સને લીઝ પર આપીને મળે છે, પરંતુ બાંધકામ કંપનીઓએ અનેક પ્રોજેક્ટ અધૂરા પડ્યા હોવાથી ફરીથી જમીન ખરીદી નથી. આ દ્વારા સ્થાનિક સરકારની આવકને અસર થઈ છે. અહેવાલો અનુસાર, ચીનમાં ઘર ખરીદનારાઓ દ્વારા લોનની ચુકવણી ન કરવાની સમસ્યામો ઉકેલી શકાતી નથી, કારણ કે રિયલ એસ્ટેટનાં સિનિયર એક્ઝિક્યુટિવ્સ સિવાય, ચીનમાં દરેક સફળ રિયલ એસ્ટેટ ડેવલપરે રાષ્ટ્રપતિ શી જિનપિંગની કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈનાના કેટલાક શક્તિશાળી લોકો સાથે જોડાયેલા છે. જેમ કે ચીનના સૌથી મોટા પ્રોપર્ટી ડેવલપર એવરગ્રાન્ડના ઝી જિયાયિન અને કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈનાના રાજકારણી ઝેંગ કિંગહોંગનો ભત્રીજો ઝેંગ બાઓબાઓ પૈસા કમાવવા માટે રિયલ એસ્ટેટના વ્યવસાયમાં સીધા સંકળાયેલા છે.

સરળ રિયલ એસ્ટેટ ડેવલપર્સે તેમના કામો કરાવવા બદલ સરકારી અધિકારીઓને લાંચ પણ આપવી પડે છે. તેથી જો ચીનની કમ્યુનિસ્ટ પાર્ટીના ટોચના નેતાઓ અધૂરા પ્રોજેક્ટ્સ અને રિયલ એસ્ટેટમાં ભ્રષ્ટાચારની તપાસ કરવા માગે છે, તેથી તેમને પોતાના પ્રિયજનો સામે પણ કાર્યવાહી કરવી પડશે. આ ઘટનાએ સમગ્ર વિશ્ર્વને ફરીથી તિયાનમેન સ્ક્વેરની યાદ અપાવી છે. આજથી ૩૩ વર્ષ પહેલા ૧૯૮૯માં સરકાર સામે બેઇજિંગના તિયાનમેન સ્ક્વેર પર વિરોધ કરી રહેલા લોકો સામે ટેન્ક ઉતારવામાં આવી હતી. આ ક્રૂર કાર્યવાહીમાં ૧૦ હજાર લોકો માર્યા ગયા હતા, જેમાં મોટાભાગે વિદ્યાર્થીઓ હતા. હવે આ ઘટનાને તિયાનમેન ૨.૦ કહી રહ્યા છે.

૮૦ના દાયકામાં ચીન મોટા ફેરફારોમાંથી પસાર થઈ રહ્યું હતું. ચીનના સામ્યવાદી નેતા દેંગ શિયાઓપિંગે આર્થિક સુધારાની શરૂઆત કરી હતી. તેના કારણે દેશમાં વિદેશી રોકાણ વધ્યું અને ખાનગી કંપનીઓ આવવા લાગી. આના કારણે ચીનની અર્થવ્યવસ્થાને વેગ મળ્યો, પરંતુ ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી જેવી સમસ્યાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરવા લાગી. ચીનના લોકો જ્યારે અમેરિકા, બ્રિટન જેવા લોકશાહી દેશોના સંપર્કમાં આવ્યા ત્યારે તેઓમાં પણ લોકશાહી બાબતની રુચિ વધવા લાગી. ધીમે ધીમે આ સમસ્યાઓએ ચીનમાં આંદોલનનું સ્વરૂપ લેવાનું શરૂ કર્યું. આ માટે ચીનના નેતા દેંગ શિયાઓપિંગે કમ્યુનિસ્ટ પાર્ટીના જનરલ સેક્રેટરી હુ યાઓબાંગને જવાબદાર ગણવામાં આવ્યા હતા. હુ યાઓબાંગ ચીનમાં રાજકીય સુધારાની હિમાયત કરતા આવ્યા હતા.

૪ એપ્રિલ, ૧૯૮૯ના રોજ સ્થાનિક કૉલેજો અને યુનિવર્સિટીઓના ૭ હજારથી વધુ વિદ્યાર્થીઓ સરમુખત્યારશાહીને ખતમ કરવા માટે અને લોકશાહી માટે થિયાનમેન સ્ક્વેર તરફ કૂચ કરી હતી. ૧૫ એપ્રિલ, ૧૯૮૯ના રોજ હુ યાઓબાંગનું અચાનક અવસાન થયું, જેમાં માહોલ વધુ ખરાબ થયો. હજારો લોકો તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે બેઇજિંગના થિયાનમેન સ્ક્વેર ખાતે ભેગા થવા લાગ્યા. ૧૭ એપ્રિલ સુધીમાં વિરોધીઓનો મેળાવડો વધ્યો અને આ ચોક પર ‘સ્ટેચ્યુ ઑફ ડેમોક્રસી’ સ્થાપિત કરવામાં આવી હતી. ૧૯ એપ્રિલ, ૧૯૮૯ના રોજ બેઇજિંગના તિયાનમેન સ્ક્વેર ખાતે ચીનનાં વિદ્યાર્થી હુ યાઓબાંગનો વિશાળ ફોટો અને શહીદ સ્મારક પર, તેઓ સ્વતંત્રતા અને લોકશાહીની માગ કરતા બેનરો સાથે વિરોધ કર્યો હતો.

૨૦ એપ્રિલ, ૧૯૮૯ના રોજ બેઇજિંગમાં તિયાનમેન સ્ક્વેર તરફ પિપલ્સ લિબરેશન આર્મીના સૈનિકોથી ભરેલા એક ટ્રકને ઘેરી લીધી હતી. ૨૫ એપ્રિલે પિપલ્સ ડેલીએ ચીનના નાગરિકોના આંદોલનને સરકાર વિરુદ્ધનું ષડ્યંત્ર ગણાવ્યું હતું. ૨૭ એપ્રિલ સુધીમાં આ પ્રદર્શન દેશભરમાં ફેલાઈ ગયું. ૧૩ મે સુધીમાં તિયાનમેન સ્ક્વેરને વિદ્યાર્થીઓ દ્વારા કબજે કરવામાં આવ્યું હતું. ત્યાં હજારો વિદ્યાર્થીઓ ભૂખ હડતાળ પર બેઠા હતા. આનાથી ચીનની સામ્યવાદી સરકાર ડરી ગઈ હતી. મે માસના અંત સુધી આ આંદોલન ચાલ્યું.

પરંતુ ૪ જૂન ૧૯૮૯ના રોજ આ આંદોલનને ટેન્ક તળે કચડી નાખવામાં આવ્યું. ૪ જૂનના રોજ તિયાનમેન સ્ક્વેર પર લાખો વિદ્યાર્થીઓ અને લોકો શાંતિપૂર્વક પ્રદર્શન કરી રહ્યા હતા, એ ઘટનાથી ચીનના તત્કાલીન પ્રમુખ લી પિંગ ભડક્યા હતા. સાંજ ઢળી ત્યાં સુધીમાં તો તિયાનમેન ચોકમાં ટેન્કોનો ખડકલો થઈ ગયો. વિદ્યાર્થીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરીને આંદોલન કચડી નાખવામાં આવ્યું. ચીન આખી દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. ચીન સરકાર કહે છે કે ૨૦૦ વિદ્યાર્થીનાં મોત થયાં, પણ શું એ વાત સાચી છે? બ્રિટિશ રાજદૂત એલન ડોનલ્ડે બીજિંગથી લંડન ટેલિગ્રામ મોકલીને બ્રિટન સરકારને જાણ કરી કે ૧૦,૦૦૦ લોકોની હત્યા થઈ છે. એ ટેલિગ્રામ દ્વારા વિશ્ર્વભરમાં સમાચાર ફેલાતા હો હા મચી ગઈ. અનેક દેશોએ ચીન પર રાજકીય અને આર્થિક પ્રતિબંધ લાદ્યા.

તિયાનમેન ચોક નરસંહાર સાથે ચીનમાં લોકતંત્રનું સ્વપ્ન શ્રીજીચરણ પામ્યું. ચીનનાં તિયાનમેન પર થયેલા આ નરસંહારને ઈતિહાસમાંથી દૂર કરવાના તમામ પ્રયાસો કરવામાં આવ્યા હતા. ચીનની સરકારે આજે પણ આ નરસંહાર બાબતે કોઈપણ ચર્ચા કરવા સામે પ્રતિબંધ લગાવી રાખ્યો છે. ત્યાં સુધી કે ચીનમાં ઈન્ટરનેટ અને પુસ્તકોમાં પણ તેના ઉલ્લેખ કરવા બાબતે પ્રતિબંધ છે.
આવી જ ઘટનાઓ ફરી બની રહી છે ત્યારે રાષ્ટ્રપતિ શી જિનપિંગ મૌન સેવીને બેઠા છે. અત્યારે તો જિનપિંગ ચીની કમ્યુનિસ્ટ પાર્ટીના સ્થાપક માઓત્સે તુંગ જેટલું કદ હાંસલ કરીને બેઠા છે. જિનપિંગને પાર્ટીના કોર નેતા તો અગાઉ બનાવી દેવામાં આવ્યાં છે. તેમની પહેલા આ હોદ્દો માત્ર માઓત્સે તુંગને જ આપવામાં આવ્યો હતો.

તેમની વિચારધારાને પણ ચીનના બંધારણમાં સમાવવામાં આવી છે. હવે તેમને પાર્ટીના સર્વોચ્ચ નેતા બનાવવાની પ્રક્રિયા ચાલી રહી છે હાલ ચીનમાં સત્તાના ત્રણેય કેન્દ્ર ઉપર જિનપિંગ બિરાજમાન છે. સીપીસીના મહાસચિવ તરીકે ચીની સેનાના વડા તરીકે અને ચીનના રાષ્ટ્રપતિ તરીકે તેમનું દેશમાં એકહથ્થુ શાસન છે.કોઇ દેશની સત્તા માત્ર એક જ વ્યક્તિના હાથમાં જતી રહેવાના પરિણામ કેટલા ખતરનાક આવી શકે છે એનો દાખલો ઉત્તર કોરિયાના માથાફરેલા તાનાશાહ કિમ જોંગ ઉનને જોઇને મળી જાય છે. એક તો ચીનમાં લોકશાહી નથી અને દાયકાઓથી માત્ર એક જ પક્ષનું શાસન છે. અને હવે એમાં પણ આટલા મોટા દેશની તમામ તાકાત શી જિનપિંગના હાથમાં છે ત્યારે જો વર્ષો પહેલા થયેલો તિયાનમેન નરસંહાર થશે તો તેના પરિણામ દુરોગામી નીવડશે એમાં શંકા નથી.